સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૧૦ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “એકાંતિક ક્યારે કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જે ભક્ત પોતાની સર્વે ઇંદ્રિયોને જીતીને વશ કરે ને વિષયને માર્ગે તથા ઐશ્વર્યને માર્ગે બહેરો, લૂલો, પાંગળો થાય ને એ માર્ગે ચાલે નહિ અને શત્રુમાત્રને જીતી લે અને એક મહાપ્રભુજીની મૂર્તિ વિના મૂળ અક્ષરાદિક કોઈ ઐશ્વર્યની ઇચ્છા ન રાખે ને શ્રીજીની મૂર્તિનું તેજ જે અક્ષરધામ તેને વિષે પણ હેત ન રાખે; એક મૂર્તિની જ ઇચ્છા રાખે ને ખોખા જેવો થઈ જાય ત્યારે તેણે ચાર સાધન જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે સિદ્ધ કર્યા કહેવાય ને તેને એકાંતિક કહેવાય.”

“અને શ્રીજીમહારાજની મૂર્તિનો પોતાના આત્માને વિષે સાક્ષાત્કાર થાય તે પરમ એકાંતિક કહેવાય. અને મૂર્તિમાં પય-સાકરવત્ રસબસ રહે તે અનાદિ કહેવાય. તે અનાદિ તે પરમપદ કહેવાય.”

કથાની સમાપ્તિ કરીને પછી શ્રી ઠાકોરજીને કેરીઓ જમાડીને સર્વે સંતોને વહેંચી દીધી.

પછી બેઠા ત્યારે સંતોએ કહ્યું જે, “અમે તો મહેમાન છીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે તો સંબંધી છીએ તે જુદા નહિ રહીએ. આપણે સર્વે એકદેશી મુક્ત છીએ તે શ્રીજીમહારાજની મૂર્તિમાં ભેળા રહીશું અને બીજા દેશના હશે તે સત્સંગમાં રહેશે. જેણે કારણ ઓળખ્યું તે દેશી જાણવા; અને જેણે કારણ એટલે મહારાજ અને મુક્ત તે ન ઓળખ્યા તે દેશી ન જાણવા.” ।।૭૫।।