એક સમયે અમદાવાદથી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા હતા. સાંજના નિત્ય-નિયમ પછી બાપાશ્રીના ભત્રીજા ગોવિંદ ભક્તે કહ્યું જે, “બાપા! વાડીએ હાલશું?” ત્યારે બાપાશ્રી કહે જે, “આજ તો સંત આવ્યા છે તેથી અમારાથી નહિ અવાય; અને અમારા બળદને ચરો નાખજો.” પછી તે ગયા ને બાપાશ્રીના બળદને ચરો નીર્યો ને તેમાંથી પોતાના બળદને પણ નીર્યો. પછી બાપાશ્રીએ લાંબો હાથ કરીને એના માથેથી પાઘડી લઈને પોતાના ઓસીકા તળે ઘાલી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! ઓસીકું નીચું પડે છે?”

ત્યારે કહે જે, “ના. આ તો ગોવિંદ ભક્તે અમારો ચરો એના બળદને નીર્યો તેથી એની પાઘડી અમે લઈને ઓશીકા તળે મૂકી.” પછી તે સવારે મંદિરમાં ગયા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમારો ચરો તારા બળદને નીર્યો તેથી આ પાઘડી અમે લઈ લીધી. માટે હવે આવું કામ કરીશ નહિ.” પછી તેણે પ્રાર્થના કરીને કહ્યું જે, “જી બાવા! મારો ગુનો માફ કરો; હવેથી આવું નહિ કરું.” ।।૪૭।।