સંવત ૧૯૮૪ના કારતક સુદ-૧૩ને રોજ વૃષપુરના મંદિરની મેડી કરવાનું કામ ચાલતું કરવા સાધુ ભક્તિપ્રિયદાસજી આદિ સંતમંડળ ભુજથી આવેલા અને પુરાણી કેશવપ્રિયદાસજી પણ ત્યાં રહેતા હતા તેમણે તથા હરિભક્તોએ વિચાર કરી બાપાશ્રીને માણસ મોકલી તેડાવ્યા તેથી તરત સૌ હરિભક્તોને રાજી કરી બાપાશ્રી વૃષપુર આવ્યા. સવારે ઓસરીમાં સંત-હરિભક્તોની સભા બેઠી હતી. તે સૌ ઊઠીને મળ્યા.

પછી બાપાશ્રીને સંતોએ વાત કરી જે, “હવે મેડીનું તથા કૂવો ફેરવવાનું કામ ચાલતું કરવું છે તો આપની મરજી થાય તેમ કરીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મંદિરમાં જે જે કામ થયાં તેમાં આપણને બધાયને સરખી જ લાગણી છે ને અહીં સત્સંગ સારો છે, હરિભક્તો પણ બનતી સેવા કરશે, માટે મેડી થતાં મંદિર બહુ સારું થઈ જશે. કૂવો અહીં છે તે આગળ કરવો. હવે તમો બધા મૂર્તિ ધારીને કામ ચલાવો. મહારાજ તથા મોટા મોટા સંતોએ મંદિરોની સેવાનો મહિમા બહુ કહ્યો છે તેથી સૌ હરિભક્તો સેવામાં બને તેટલો લાભ લેજો. અમે પણ થાશે તે કરશું. આપણે અવરભાવમાં મંદિર તે અક્ષરધામ ને માંહી મહારાજ બિરાજે છે તે અક્ષરધામના ધણી. પરભાવમાં તો શ્રીજીમહારાજે દયા કરી મૂર્તિમાં રાખ્યા ત્યારથી અનંત મુક્તે સહિત મહારાજ ભેગા ને ભેગા છે એમ જાણી આનંદમાં રહેવું.” એમ વાત કરી.

પછી જ્યારે કૂવો ફેરવવાનું કામ ચાલતું કર્યું ત્યારે બાપાશ્રી ઓસરીમાં બેઠા હતા. તે હરિભક્તો પાસે બોલ્યા જે, “જેમ કૂવામાં પાણી ખારું-મોળું કે મીઠું એમ જુદા જુદા પ્રકારનું નીકળતું જણાય છે તેમ પાત્રની તારતમ્યતાએ સુખમાં ફેર પડે છે. એવી જ રીતે મોટા મુક્ત, સંત તથા હરિભક્ત જુદા જુદા જણાય છે. સર્વેને કારણ મૂર્તિ એક જ છે, તોપણ સુખભોક્તામાં ભેદ પડે છે તે પાત્રપણાનો છે. કેમ કે સૌ એક મૂર્તિમાંથી જ સુખ ભોગવે છે. માટે ઉત્તમ પાત્ર થવું ને અનાદિનો જોગ કરવો. કેમ જે અનાદિમુક્ત તો રસબસભાવે સુખ લીધા જ કરે છે. તેમને તો મૂર્તિ વિના બીજુ કાંઈ છે જ નહિ. માટે એવા ઉત્તમ જોગથી ઉત્તમ પાત્ર થવાય.”

પછી મેડીનું કામ ચાલવા માંડ્યું ત્યારે બાપાશ્રી ક્યારેક ઓસરીમાં આસન કરતા, મંદિરને ખૂણે મોદ બાંધેલી હતી ત્યાં પણ બેસતા. સવારે, બપોરે વચનામૃત વંચાય. પુરાણી વચનામૃત વાંચે ત્યારે બાપાશ્રી વાતો કરતા. કામ કરનારા સૌ નાના-મોટાને બાપાશ્રીને રાજી કરવાનું તાન અને બાપાશ્રી પણ હરિભક્તો પર ઘણી પ્રસન્નતા જણાવતા હતા.

એક દિવસ સભામાં એમ વાત કરી જે, “તમે કામ કરો છો તે મૂર્તિમાં વૃત્તિ રાખીને કરજો. સર્વેના કારણ શ્રીજીમહારાજ છે તે કારણ સામી નજર રાખવી. મહારાજે આ લોકમાં દર્શન આપી અક્ષરધામ તુલ્ય સુખ વર્તાવી દીધું છે. તમે સેવા કરો છો તે મહારાજ જોઈ રહ્યા છે.”

પછી સંતોને કહ્યું જે, “તમારા દાખડા પણ ઘણા છે.” પછી એમ બોલ્યા જે, “અહીં જે જે સેવા કરે છે તેના પર મહારાજ અમૃત નજરે જુએ છે, અતિ રાજી થાય છે. જેને એવો દિવ્યભાવ હોય તેને તો મહારાજ સદાય પ્રગટ છે. ‘જ્યાં દેખું ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસે’ એવું અ.મુ. સદ્‌. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે તથા ‘રસબસ હોઈ રહી રસિયા સંગ’ એવાં વચન મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ હોય તેને સમજાય છે; બહાર દૃષ્ટિવાળાને એવું પ્રગટપણું જણાય નહિ માટે અંતરદૃષ્ટિ રાખવી. મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહિ. આપણે એક કારણનું કામ છે.” ।।૧૧૬।।