એક વખત વાડીમાં હરિભક્તોની પંક્તિ જમવા બેઠી હતી. ત્યાં બાપાશ્રી પધારેલા તે સર્વેને દર્શન દઈ આંબાના વૃક્ષ હેઠે બેઠા હતા. અને ડો. નાગરદાસભાઈ તથા મણિલાલભાઈ, કરાંચીના લાલુભાઈ, હીરાભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ આદિ તથા સરાવાળા મનસુખભાઈ તથા માથકવાળા ભગવાનજીભાઈ અને બીજા કેટલાક હરિભક્તો પંક્તિનાં દર્શન કરતા હતા. તે સૌએ મળી બાપાશ્રીના ભાલે કુંકુમના ચાંદલા કર્યા.

પછી બાપાશ્રીએ પણ સૌને ચાંદલા કર્યા ને બોલ્યા જે, “આ કંકુના ચાંદલા મ જાણજો. આ તો અક્ષરધામના ચાંદલા થાય છે.”

એમ કહી નાગરદાસભાઈ તથા મણિલાલભાઈને કહ્યું જે, “અમે ધનજીભાઈના હરજીને તાવ બહુ આવી ગયો છે તે નારાયણપુર ગયા હતા. ત્યાં જઈ તેમને ધીરજ આપી છે ને કહ્યું છે જે, ‘કાલે તાવ ઊતરી જશે.’ પણ તમે બેય ભાઈ ત્યાં જઈ આવજો ને કહેજો કે, ‘કાંઈ મૂંઝાશો નહિ. મહારાજ સારું કરી દેશે.’ તેથી તેને યજ્ઞમાં દર્શને અવાશે એવી સુવાણ થઈ જશે. ઘણો તાવ છે તેથી તેને એમ રહે જે, ‘હું આવા યજ્ઞમાં રહી જઈશ’, પણ તમે ધીરજ દેજો. આ લાલુભાઈને પણ સાથે તેડી જજો. હરજી તો મહિમાવાળો બહુ છે તેથી લાલુભાઈ અને તમારાં દર્શન થશે એટલે સાજો થઈ જશે.”

એમ તેમને ભલામણ કરી બાપાશ્રી મંદિરમાં આવવા સૌ હરિભક્તો સાથે ચાલ્યા. માર્ગમાં લાલુભાઈને કચ્છી ભાષામાં વાત કરતાં બાપાશ્રીએ રમૂજ કરી જે, “લાલુભાઈ! આંઈ કીતે હુઆ? (તમે ક્યાં હતા?)”

ત્યારે લાલુભાઈ કહે, “બાપા! મહારાજજી મૂર્તિ મેં.”

પછી એમ કહ્યું જે, “વાડી મેં કુરો થિયો? (વાડીમાં શું થયું?)”

ત્યારે લાલુભાઈ બોલ્યા જે, “બાપા! વાડી મેં તો અક્ષરધામજા ચાંદલા, આંઈ શ્રીજીમહારાજજો પ્રસાદ મીલ્યો (અક્ષરધામના ચાંદલા તથા મહારાજની પ્રસાદી મળી).” તેવાં વચન સાંભળી હરિભક્તો પાસે તેમનું તથા હીરાભાઈ, સાંવલદાસભાઈ આદિનાં હેત અને વિશ્વાસનું વર્ણન કરતાં બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।।૧૩૮।।