સંવત ૧૯૭૧ના ચૈત્ર સુદ-૧૧ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીમહારાજની મૂર્તિ અકળિત છે ને સુખ પણ કળાય એવું નથી; એ તો અપાર છે. તે અનાદિમુક્ત અનાદિ કાળથી મૂર્તિમાં સળંગ રહીને નવીન નવીન સુખ લે છે. એમને મૂર્તિનો કે સુખનો પાર આવતો નથી. મુક્તને અનંત લોચન છે. તે સર્વત્ર દેખે ને ભોગવે તથા રોમ રોમ પ્રત્યે જોવાપણું ને ગ્રહણ કરવાપણું છે; એવું સુખ છે. માટે મૂર્તિ વિના સર્વે ખોટું કરવું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપ કૃપા કરીને ખોટું કરાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ અમારે આપવાની છે અને પુરુષપ્રયત્ન તમારે કરવાનો છે.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “પુરુષપ્રયત્ન પણ આપ કૃપા કરીને કરાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે પણ વખત આવે પૂરું કરીશું ને મૂર્તિ પધરાવી દેશું અને મૂર્તિમાં લઈ જાશું. અમે તો સદાય આવી વાતો કરીએ છીએ. અમારે અહીં સદાય મોટા મોટા નંદ આવતા. કોઈ વખત વીસ વીસ, કોઈ વખત ત્રીસ, ચાલીસ, એમ આવતા. તેમની સેવા કરતા ને વાતો કરતા; જેમ આજ તમને વાતો કરીએ છીએ તેમ અનાદિનું કરીએ છીએ. સાધુને કાંઈ દુઃખ થતું હોય તે પણ અમે માથે લઈને સુખિયા કરીએ છીએ. કેટલાકને સાધુ થવું હોય ને તેને ઉપાધિ બહુ હોય તો અમે સંતાડી સંતાડીને ખાવા આપીને સંસારમાંથી કાઢતા. આજ પણ કાઢીએ છીએ, અને સૌને મહારાજ આપીએ છીએ. એ જ સદાય કરીએ છીએ, પણ નવું કરતા નથી. કોઈક નવું કહે તો તે કહેનાર જાણે! અમારે તેનું કાંઈ નથી.”

“અમે તો અનાદિથી આમ જ કથા-વાર્તા કરીએ-કરાવીએ છીએ ને સંતો ભેગા થાય છે. લોકનાથાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી, બદરીનાથાનંદ સ્વામી આદિક મોટા મોટા નંદો અહીં આવતા. સ્વામી નિર્ગુણદાસજી પણ પચીસ-પચીસ ત્રીસ-ત્રીસ સાધુઓ લઈને આવતા ને મહિનો મહિનો બબ્બે મહિના અહીં રહેતા ને વચનામૃત વંચાતાં તથા મહારાજનો મહિમા કહેતા ને સેવા કરતા; એ જ કરીએ-કરાવીએ છીએ.”

“વચનામૃતમાં શ્રીજીમહારાજનો એકલો રસ ભર્યો છે. સંવત ૧૯૫૭માં કાશીરામભાઈ દેહ મૂકી ગયા પછી રણછોડલાલભાઈએ મોરબી તેડાવ્યા હતા, ત્યાં આપણે ગયા હતા. ત્યાંથી પાછું કચ્છમાં આવવું હતું ત્યારે ગોવિંદભાઈએ તથા કાળુભાઈએ કહ્યું જે, ‘આગબોટ ભાંગી ગઈ છે તે સજ કરવામાં છ દિવસ લાગશે.’ તેથી આપણે ગઢડા, જૂનાગઢ તરફ ગયા ને પાછા વળતાં રાજકોટમાં ઊતર્યા હતા. ત્યાં માળિયા ઠાકોર સાહેબ મોડજી દરબાર તથા નડિયાદવાળા ઝવેરીલાલભાઈના નાના ભાઈ હરિલાલભાઈ જે સરકારી મોટા અમલદાર હતા અને બ્રહ્મજ્ઞાની હતા ને ઘણું બોલતા હતા તે પણ વચનામૃતની વાતો કરી તેથી બંધાઈ રહ્યા. વચનામૃતની બરાબર યાદી હોય તેને આ બ્રહ્માંડમાં કોઈ જીતી શકે નહિ એમ છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમારે કેટલા દિવસ રહેવાનો વિચાર છે?”

સ્વામીએ કહ્યું કે, “પાંચેક દિવસ રહેવાય, તેથી વધારે તો ન રહેવાય; કેમ જે ધર્માદો ઉઘરાવવાનો વખત થઈ ગયો છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “પંદર દિવસ રહેવું હોય તો રહો ને થોડું રહેવું હોય તો કાલે જ સવારે ચાલો.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “પંદર દિવસ કહ્યા તે સમજાણું નહિ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે કાલે નહિ ચાલો તો તમને કોઈક સાધુ પંદર દિવસ રોકશે.”

પછી સ્વામી બોલ્યા જે, “પંદર દિવસ રહીએ તો ધર્માદો હાથ ન આવે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તો તો કાલે જ નીકળો.”

તેથી સંત સર્વે બારશને દિવસે સવારે નીકળ્યા તે ભુજ ગયા ને ત્યાં રાત રહ્યા. તે રાત્રે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને તાવ બહુ આવ્યો તેથી તેરશને દિવસે તેમણે કાંઈ ખાધું નહિ. પછી ગાડીઓ ભાડે કરીને સાંજના ચાલ્યા તે સવારે ખારીરોલ આવ્યા ને તેમને કાંઈ ભાન રહ્યું નહિ, એવા માંદા થઈ ગયા. જ્યારે વહાણમાં બેઠા અને દરિયામાં તોફાન બહુ થયું ત્યારે પાટડીનું મંદિર કરવા કાનજીભાઈ તથા હરજી તથા હીરજી એ ત્રણે ભેળા આવતા હતા તે બીન્યા ને કહ્યું જે, “બૂડશે કે શું?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “વૃષપુરથી નીકળતી વખતે બાપાશ્રીએ મને કહ્યું હતું જે, ‘તમે કયે રસ્તે જશો?’ ત્યારે મેં કહ્યું જે, ‘ખારીરોલ તરફ જવા વિચાર છે.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘ઠીક ખારીરોલ જાઓ; પછી જાણશો.’ પછી મેં કહ્યું જે, ‘કેમ વહાણ તો નહિ બૂડે?’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘બૂડશે તો નહિ, પણ બૂડ્યા જેવું થશે’ એમ બોલ્યા હતા. માટે બૂડશે તો નહિ.”

પછી એમને હિંમત આવી ને નવલખીએ ઊતર્યા. ત્યાં માસ્તર કૃપાશંકરભાઈ ખાટલો લાવ્યા તેમાં સુવાડીને માંદા સાધુને બંગલામાં લઈ ગયા. પછી રાત રહીને સવારમાં રેલે બેસીને મોરબી સ્ટેશને આવ્યા. ત્યાં સર્વે હરિભક્તો આવ્યા ને ગોવિંદભાઈએ ઠાકોર સાહેબનો બંગલો ઉઘાડ્યો ને તેમાં ઊતર્યા. પછી નાહી-ધોઈને પૂજા કરતા હતા તે વખતે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને ખાટલામાં સુવાર્યા હતા, તેમને શરીરનું ભાન આવ્યું ને બાપાશ્રીનાં દર્શન થયાં. પછી બેઠા થઈને સર્વને પગે લાગ્યા ને સ્વામીને કહ્યું જે, “આ બાપાશ્રી ઊભા છે તેમને પગે લાગો.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “બાપાશ્રી શું કહે છે?”

ત્યારે તે બોલ્યા જે, “એમ કહે છે જે, ‘દરિયામાં તમને ટાઢ વાય, ભૂખ લાગે, તરસ લાગે ને તમે કાંઈક માગો તે ક્યાંથી લાવી આપે? એટલા સારુ દેહની વિસ્મૃતિ કરાવી હતી.’ એમ કહે છે.”

પછી બોલ્યા કે, “બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. આપણે ક્યાં છીએ?”

સ્વામીએ કહ્યું જે, “મોરબી આવ્યા છીએ.”

પછી ત્યાં રસોઈ કરીને ઠાકોરજીને જમાડ્યા. પછી ત્યાંથી રેલે બેઠા તે દેવપરે આવ્યા. ત્યાં ચૈત્ર વદ-૧૧ને રોજ બપોરે તે સાધુએ દેહ મૂક્યો. બાપાશ્રી તે વખતે ચમત્કાર જણાવીને તે સાધુને તેડી ગયા, ત્યારે સૌને ખબર પડી જે બાપાશ્રી કહેતા હતા જે, ‘કોઈક સાધુ તમને પંદર દિવસ રોકશે’ તે આ સાધુએ બરાબર પંદર દિવસે દેહ મેલ્યો. ।।૧૪૬।।