(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૪) બાપાશ્રી બોલ્યા જે, “‘મારી મૂર્તિ રે મારા લોક, ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે’ એમ મહારાજે કહ્યું છે તેથી આપણે પણ એ દિવ્ય સાથે ભળી જવું, નોખા ન રહેવું. સત્સંગરૂપ સમુદ્રમાં રહ્યા થકા કોરા ન રહેવું. અતિ હેતે મોટા અનાદિ સાથે જોડાવાથી અત્યંત સુખિયા થવાય છે. હેત કેને કહેવાય? તો રોઈ જવાય, ગદ્‌ગદ્‌ થઈ જવાય; પણ જો પત્થર જેવું હૃદય હોય તો જેમ પત્થર પાણીમાં હોય તોય કોરો રહે છે તેમ તેવા જીવને મોટાનો સંગ અડે નહિ. માટે ગરજુ થઈને મોટા મુક્તનો મન, કર્મ, વચને જોગ કરવો. એવો જોગ કરવાથી ચાલોચાલમાંથી એકાંતિક થઈ પરમ એકાંતિક થાય, પછી અનાદિ થાય. તે પણ જો ખરેખરો વિશ્વાસ હોય અને હેત હોય તો થાય, નહિ તો જેમ રોટલી કરતાં ઘી ચોપડે છે તેથી પડ નોખાં થઈ જાય છે તેમ થાય.”

“સર્વે સંત બ્રહ્મની મૂર્તિઓ છે. આ સભા અક્ષરધામની છે અને અનાદિમુક્ત છે તે તો મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે, અમૃતમાં નહાય છે, અમૃતના યજ્ઞ કરે છે. તે સુખ આપણે પામવું છે તે સારુ ભેગા થયા છીએ. પછી દેહ પડી જાય તો આ જોગ બહુ દુર્લભ થઈ પડે. માટે એવા મુક્તનો જોગ કરવો અને મૂર્તિમાંથી અનુભવજ્ઞાન નીકળે છે, તેનો જ્યારે ખરો લક્ષ્યાર્થ થાય તો મહારાજના ભાવને તથા સુખને પામે. ત્યારે તેને મહારાજ ને મોટા જળસ્નેહી મીનની જેમ જીવનરૂપ થઈ જાય. જેને એ રીતે મોટા જીવનરૂપ થયા હોય તેને મૂર્તિનો વિયોગ થાય તો દેહ પડે તેવું કષ્ટ થાય. મૂર્તિ વિના બીજો સંકલ્પ જ ન થાય એવા નિષ્કામ ભક્ત ખરા છે.”

“જો મોટાને મન સોંપે તો ખરો પાત્ર થાય એટલે દેહ છતે આત્યંતિક મોક્ષ થઈ જાય. જો કોઈ પોતાનું સર્વસ્વ મહારાજને અર્પણ કરે તો તેને મહારાજ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. પછી મૂર્તિ વિના બીજો ઘાટ જ ન થાય. કલ્પતરુ સંકલ્પ સત્ય કરે છે તો મહારાજ અને મુક્ત સંકલ્પ સત્ય કરે તેમાં શું નવાઈ! ખરો થઈને મંડે તો કાંઈ વાંધો રહે નહિ; પૂરું થઈ જાય. પણ જીવને પરભાવની વાત ભાવતી નથી ને કાર્યમાં ભડાભૂટ કરે છે તેથી ઐશ્વર્ય, ચમત્કાર, દિગ્વિજય આદિકથી ખુશી રહે. પણ મહારાજ મળ્યા, મોટા મુક્ત મળ્યા, એનો કેફ ને આનંદ નહિ તે ઠીક નહિ. માટે મૂર્તિનું સુખ પામવા સજાતિ થવું, તો મૂર્તિનું સુખ આવે. શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘અમે તો દિવ્ય તેજોમય છીએ.’ એવું મુક્તનું સમજવું. આ દેખાવામાત્ર મનુષ્યભાવ છે, પણ શ્રીજીમહારાજ તથા મુક્ત તો સદાય દિવ્યભાવમાં રહે છે. આપણે એવા અનાદિનો જોગ કરી માયાનું કાર્ય ખોટું કરીને હીરાના વેપારી થવું, ને મૂર્તિ પામવાનો ઠરાવ રાખવો.”

“જ્ઞાન પ્રલય થઈ જાય તો બીજું કાંઈ રહે નહિ, એક મહારાજ ને તેમના મુક્ત રહે; એટલે સુખિયો. આવો મહારાજ ને અનાદિમુક્તનો જોગ છે તોપણ જીવ ગરજુ ન થાય. એ મોહરૂપ અંધે ઘોડે ચડ્યો છે, માટે ક્યાંથી સુખ આવે? તોપણ મોટાને સંભારીને બીજા સંકલ્પ ન કરે તો મોહરૂપ અંધો ઘોડો ટળી જાય. જીવને માયિક વસ્તુની કિંમત છે ને શ્રીજીમહારાજ તથા અનાદિ તેની કિંમત નથી તે નાસ્તિકભાવ કહેવાય. મહારાજે તો કાંઈ બાકી રાખ્યું નથી. બધુંય વચનામૃતમાં છે. તે ચોપડો લઈને બેસે તો મહાપ્રભુજીની મૂર્તિ વચનામૃતમાંથી હાથ આવે છે. એકેય શબ્દ મૂર્તિ વિના ખાલી નથી. બધાય શબ્દ એમાં છે. બીજાં શાસ્ત્ર તો વૈરાજ સુધી કે પ્રકૃતિપુરુષ સુધી પહોંચે; તે શાસ્ત્ર મહારાજ સુધી ન પહોંચે. બીજાં શાસ્ત્ર અવરભાવનાં છે ને મહારાજનાં વચનામૃત તો પરભાવનાં છે.” ।।૧૦૩।।