સંવત ૧૯૮૪ના જેઠ વદ-૨ને રોજ બાપાશ્રી ભુજ ગયા ને ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં બેઠા.

વચનામૃતની કથા થઈ રહી ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું જે, “પુરાણી! કાલે સવારમાં કથા પ્રસંગે એમ વાત આવી હતી જે કારણ શરીરને બાળીને મૂર્તિમાં જોડાઈ જાય તો ખરું સુખ મળે.”

ત્યારે પુરાણી કહે, “બાપા! અમારાં કારણ શરીર બાળીને કૃપા કરીને મૂર્તિમાં જોડી દેજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમારે કારણ શરીર ક્યાં છે? તમને તો અતિ મોટા કર્યા છે ને મૂર્તિમાં જ રાખ્યા છે, માટે સદાય આનંદમાં રહેવું. કેમ ભોગીલાલભાઈ!”

ત્યારે તે કહે જે, “હા બાપા. મોટા તો હતા, પણ તમે મળ્યા ને કૃપા કરી તેથી બહુ મોટા કર્યા. અમને પણ ન્યાલ કર્યા.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજ ન્યાલકરણ છે તેથી જે આશરે આવે તે ન્યાલ થાય. જુઓને! સત્સંગમાં સંત, હરિભક્ત, બાઈ, ભાઈ, નાના, મોટા એ કારણ મૂર્તિને પ્રતાપે સુખિયા થકા એ મૂર્તિનું સુખ ભોગવે છે. માટે કારણ મૂર્તિને મૂકીને કાર્યમાં એટલે હલરવલરમાં ભળવું નહિ. વચનામૃતમાં પણ એ જ વાત આવી હતી. વચનામૃત શ્રીમુખનાં વચન છે. એ વચનમાં વજ્રની પેઠે જોડાઈને વર્તવું.”

એમ કહીને બોલ્યા જે, “સ્થૂળ, સુક્ષ્મ અને કારણ; ભૂત, ભવિષ્ય ને વર્તમાન; એ કાંઈ નથી; એક મહારાજની મૂર્તિ જ છે એવું કરવું ખપશે. મહારાજ વિના બીજું કોઈ સુખદાઈ નથી. એ મૂર્તિમાં રહ્યા તે સુખિયા થઈ ગયા. કેમ પુરાણી મહારાજ! એમ હશે કે નહિ?”

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, “હા બાપા, એમ જ છે.”

તે વખતે પોતે કૃપા કરીને બોલ્યા જે, “પુરાણી! અમે તો જ્યાં હશું ત્યાં સુખિયા હશું. વન, પર્વત, જંગલ, વાડી, ખેતર, જ્યાં હોઈએ ત્યાં મૂર્તિ વિના એકલું ન રહેવાય. એ મૂર્તિ અગમ્ય છે, તપ કરી કરીને મરી જાય તોપણ ન મળે. એવા શ્રીજીમહારાજ તે આપણને ઘેર બેઠાં મળ્યા તે કેવી દયા! નવલખામાં જોગી તપ કરીને સુકાઈ ગયા ત્યારે એક વખત એ મૂર્તિનાં દર્શન થયાં, અને આપણને તો ગામની વચમાં વન કરી દીધાં છે ને ઘેર બેઠા મહારાજ મળ્યા છે. માટે એ મૂર્તિમાં રસબસ રહેવું. આવા મહારાજ, આવા સંત, આવા હરિભક્ત ક્યાંથી મળે! માટે ખરેખરા પાત્ર થઈને મોટા સંત જે અનાદિ મહામુક્ત તેમનો સમાગમ કરીને શ્રીજીમહારાજનો દૃઢ નિશ્ચય કરવો. એવો નિશ્ચય જેને હોય તેને આમ હથેળીમાં મૂર્તિ બતાવીએ- મૂર્તિના સુખે સુખિયો કરી મૂકીએ. પણ જો આવા સંતને તથા આવા મુક્તને ઓળખે નહિ તો કલ્યાણ થવું કઠણ. જીવને સત્સંગની લટક હાથ આવે તો કામ થઈ જાય. આજ તો કૃપાસાધ્ય ભગવાન છે, ક્રિયાસાધ્ય નથી એમ જાણી દિવ્ય મૂર્તિનું સુખ ભોગવવું. એ મૂર્તિ વિના આત્યંતિક મોક્ષ ન થાય.”

“મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ” એમ કહીને બોલ્યા જે, “અમે તો બધુંય જાણીએ છીએ. કેટલાક એમ કહે છે કે, ‘અમારે ત્યાં મંદિર બહુ સારું થયું’ તે મંદિર તો કાર્ય છે, પણ માંહી શ્રીજીમહારાજ બિરાજે છે તે કારણ સામું જોવું. એ મૂર્તિમાં જ સર્વે સુખ છે. આપણે એનું જ કામ છે. કેમ જે ‘સૌના કારણ શ્રીહરિ રે.’” એમ બોલ્યા.

પછી માધાપુરના હરિભક્તોએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “બાપા! આ ભુજમાં આપે દયા કરી સૌને સુખિયા કર્યા તેમ અમારે ગામ જેઠ વદ-૨ થી ૯ સુધી પારાયણ બેસારવાનું નક્કી કર્યું છે. તો આપને તેડવા અમારે વૃષપુર આવવું હતું, પણ આપ અહીં પધાર્યા છો તેથી દયા કરી પારાયણમાં સૌને દર્શન દઈ, નાના-મોટા હરિભક્તોને સુખિયા કરો એવી અમારી પ્રાર્થના છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ભલે, અમે આવશું; કથા-વાર્તા રૂપી બ્રહ્મયજ્ઞ કરો.”

એમ કહી પોતે માધાપુર પધારી સૌને આનંદ પમાડ્યો. ।।૧૪૯।।