સંવત ૧૯૮૪ના કારતક વદ-૫ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૭૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું જે શ્રીજીમહારાજ જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ ને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ તથા પોતાનાં સર્વે ઐશ્વર્ય તે સહિત પધારે છે.

તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “બાપા! આ વચનામૃતમાં મહારાજ તથા મુક્ત પધારે છે, એ ભેગું અક્ષરધામનું નામ છે. એવાં વચનથી સત્સંગમાં કેટલાક અક્ષરધામ એ ‘અક્ષર’ અને મહારાજ તે ‘પુરુષોત્તમ’ તથા ચૈતન્ય મૂર્તિ પાર્ષદ જે મુક્તો તે સહિત પધારે છે એમ કેમ સમજતા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વરુણ ને જળ નોખું ન પડે, અગ્નિ ને પ્રકાશ જુદા ન રહે, સૂર્ય ને પ્રકાશનું પણ એમ જ; તેમ મૂર્તિ તેજોમય, તેથી તેજ જુદું ને મહારાજ જુદા એમ કેમ કહેવાય? મહારાજ તેજના કારણ છે, એ તેજ દેખાડવું કે નહિ તે તેમની મરજી. શ્રીજીમહારાજની મોટ્યપ જેવી છે તેવી જેની જાણ્યામાં આવે તે તો એમ ન કહે. કેમ જે મોટા મુક્તોએ મહારાજને સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર લખ્યા અને એ બધી વાત સમજાવી છે તેવો મહિમા જેને સમજાણો હોય તેને તો ચોથા ભેદવાળા મૂર્તિમાન અક્ષર આદિ બીજા કોઈની મોટાઈ નજરમાં ન આવે. કેમ કે ‘મૂર્તિ આકારે દૃષ્ટિ થાય તે તો આત્માના સુખે કરીને તથા અક્ષરના સુખે કરીને અકળાઈ જાય ને મૂર્તિ વિના રહી શકે જ નહિ.’ એવું અ.મુ. સદ્‌. ગોપાળાનંદ સ્વામીએ ઘણું કહ્યું છે, પણ તે વિચારે તો ખબર પડે. મહારાજની મૂર્તિ પાસે અક્ષર આદિકની મોટપ શી ગણતીમાં? એ તો જેમ રાજા ને ચાકરમાં ભેદ, સૂર્ય ને પતંગિયામાં ભેદ તથા ચંદ્ર ને તારામાં ભેદ; એવો ભેદ છે. શ્રીજીમહારાજ તો એ અક્ષરાદિક સર્વના નિયંતા ને પ્રકાશક છે.”

“કેટલાક કહે છે કે, ‘મહારાજ અક્ષરના આધારે રહ્યા છે.’ એવાને શ્રીજીમહારાજના મહિમાની શું ખબર પડે? ‘જે હરિ અક્ષરબ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે’ એમ એ તો અક્ષરના અને અનંત કોટિ બ્રહ્માંડના આધાર છે. મહારાજ ઘોડે બેઠા હોય ત્યારે ઘોડો મહારાજને ઉપાડીને ચાલે છે એવું દેખાય, પણ એ તો સર્વના આધાર છે. જેથી ‘અક્ષરના આધારે મહારાજ રહ્યા છે’ એમ કહેનારાને મહારાજની મોટ્યપ હાથ આવી જ નથી. શ્રીજીમહારાજ તો એ અક્ષરાદિક સર્વના આધાર છે. ‘અક્ષરના છો આત્મા રે અનંત ભુવનના ઈશ’ એવી રીતે શ્રીજીમહારાજ સર્વના નિયંતા છે, આધાર છે, કારણ છે, સૌને પ્રકાશના દાતા છે. એમના તેજે અક્ષરાદિક સર્વે તેજોમય છે અને એ સર્વેને વિષે શક્તિએ કરીને અન્વયપણે રહ્યા થકા પણ પોતે તો પોતાના પ્રકાશરૂપ અક્ષરધામને વિષે સ્વતંત્રપણે રહ્યા છે.”

“એ મૂર્તિને પામ્યા જે મુક્ત તે તો એ મૂર્તિના સુખભોક્તાપણે મૂર્તિમાં અખંડ રહ્યા છે. મૂળપુરુષ તથા અક્ષર એ આદિ સર્વના ભક્ત પરતંત્ર છે, અને શ્રીજીમહારાજના મુક્ત છે તે તો સ્વતંત્ર છે; તેમને તો એ કારણ મૂર્તિને સુખે જ સુખ છે.”

“અનંત કોટિ બ્રહ્માંડના આધાર સર્વોપરી, કારણ મૂર્તિ, શ્રીહરિ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિના સુખ તુલ્ય કોઈ સુખ કહેવાય જ નહિ. માટે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયે કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં અતિ પ્રેમલક્ષણા ભક્તિએ સ્નેહ કરીને એ મૂર્તિના સુખમાં ગુલતાન રહેવું, પણ અક્ષર આદિકની મોટ્યપ તથા સુખમાં લેવાવું નહિ. કેમ જે અક્ષર સૃષ્ટિ સમે મહાપુરુષ સામું જુવે છે ત્યારે તે મહાપુરુષ માયાને પ્રેરવાને સમર્થ થાય છે. માટે તેના સુખનું અધિકપણું પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષાદિકને હોય; પણ જેને શ્રીજીમહારાજની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ છે તે તો જ્યારે એ મૂર્તિના સુખનો વિચાર કરે ત્યારે એ અક્ષરનું સુખ પણ તુચ્છ થઈ જાય છે. માટે શ્રીજીમહારાજની મૂર્તિ તો અદ્વિતીય છે.”

“તે મૂર્તિ પમાડવા અનાદિ મહામુક્ત વિના કોઈ અવતારાદિક્ની સામર્થી નથી. કેમ જે અવતારોનાં ધામ જુદાં છે ને મહામુક્તોને તો શ્રીજીમહારાજનો સાક્ષાત્ સંબંધ છે. અક્ષર, મૂળપુરુષ આદિકને તો મહારાજ પોતાની અંતર્યામી શક્તિએ કરીને પ્રકાશ કરે છે, પણ તેને બીજા કોઈ જાણી શકતા નથી.”

“જેમ કોઈ પુરુષ બરછી કે તીર નાખે તે બરછી કે તીરમાં નાખનારની શક્તિ જાય ખરી, પણ હાથમાં જેટલી શક્તિ હોય તેટલી ન જાય, લેશ માત્ર જાય; તેમ તે શક્તિ પણ એવી અને પોતાને વિષે તો અપાર શક્તિ હોય. તેથી મહારાજે કહ્યું છે જે, ‘ક્ષર-અક્ષરને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ.’ મોટાએ પણ એવું સમજાવ્યું, તોપણ જાણ્યા વિના ‘અક્ષરના આધારે મહારાજ રહ્યા છે’ એમ જે કહે છે તેને શ્રીજીમહારાજના મહિમાની ખબર શું પડે! અને મોટા પુરુષના સામર્થ્યની પણ શું ખબર પડે!”

“આપણે તો સદાય મૂર્તિમાં રહ્યા છીએ એમ જાણવું. શ્રીજીમહારાજને તથા મોટા મુક્તને જીવના પાત્રપણાની ખબર પડે; કેમ કે તેમને સર્વે વાત હસ્તામળ હોય. તેથી જીવને ધીરે ધીરે સમજાવવા પ્રથમ મહારાજે સત્પુરુષ રૂપે પોતાને ઓળખાવ્યા, પછી અવતારરૂપે, પછી પોતે અવતારીપણે જણાણા. મુક્તોને પણ એવું. નારદ, શુક, સનકાદિક તથા વ્યાસાદિક કહ્યા. કોઈને દત્તાત્રેય, કપિલજી જેવા, તો કોઈને અવતાર જેવા કહ્યા, પછી અક્ષરની ઉપમા આપી. પછી વળી ‘સિદ્ધ મુક્ત મૂર્તિની સન્મુખ રહી એકકાળાવિચ્છિન્ન મૂર્તિનું સુખ ભોગવે છે’ એમ જણાવી એકાંતિક, પરમ એકાંતિક મુક્તના નામે કહ્યા અને અનાદિ તો મૂર્તિમાં જ રસબસ રહ્યા છે તેમ પણ સમજાવ્યું. એ રીતે જેમ જેમ જીવો સમજતા ગયા તેમ તેમ મહારાજ તથા મોટા અનાદિમુક્ત સમજાવતા ગયા.”

“કેટલાક એમ કહે છે જે, ‘મોટા પુરુષોએ લખ્યું તે સાચું નહિ ને તમો કહો તે સાચું?’ પણ તેને આવી વાતોની ખબર નહિ જે, મોટા મુક્તોએ તો ધીમે ધીમે પચ પડતું જાય તેમ વાતો કરી સમજાવ્યું છે અને જેમ છે તેમ પણ લખ્યું છે. ‘એક હરિજન પર્વતભાઈ આચરજકારી છે; સદા રહે મૂર્તિમાંહી આચરજકારી છે.’ વળી, ‘એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ રહ્યાં છે’ એમ પણ લખ્યું છે. તથા જેમ ‘જળ તરંગ નહિ ભેદ જદા, તેમ તેજ અગ્નિ નહિ ભિન્ન તદા; એમ હરિહરિજન એક સદા’, ‘રસબસ હોઈ રહી રસિયા સંગ’ એમ મહારાજ તથા અનાદિની આવાં દૃષ્ટાંતે એકતા બતાવી છે. તોપણ સદા સાકારપણું, સ્વામી-સેવકપણું, દાતા-ભોકતાપણું ક્યારેય ટળતું નથી.”

“તેથી આપણે તો કારણ મૂર્તિને જ સર્વોપરી જાણી સુખિયા રહેવું. મહારાજ જેવા તો મહારાજ એક જ છે. તેથી જેને જેટલો મહારાજનો મહિમા સમજાય તેટલો તેને આનંદ આવશે તથા પ્રાપ્તિ થશે.” ।।૧૨૧।।