સંવત ૧૯૮૨ના આસો વદ-૬ને રોજ વૃષપુરના મંદિરમાં બાપાશ્રીની પાસે સર્વે સંત-હરિજનો બેઠા હતા. તે વખતે વઢવાણવાળા ડા. મણિલાલભાઈને સંકલ્પ થયો જે બાપાશ્રી પ્રશ્ન-ઉત્તર કરે તો સારું. તે દિવસે સાંજ વખતે સભામાં ચોકમાં ચંદની તળે કારિયાણીનું ૧૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં ગોપીઓના પ્રેમની વાત આવી.

ત્યારે બાપાશ્રી તેમનો સંકલ્પ સત્ય કરવા દયા કરીને બોલ્યા જે, “સંતો! ગોપીઓ કોણ? મથુરા ને ગોકુળ કયે ઠેકાણે આવ્યું? તે કહો.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, “જ્યાં મહારાજની મૂર્તિ, ત્યાં અક્ષરધામ; ત્યાં ગોકુળ અને ગોપીઓ છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા, બરાબર. જ્યાં મહારાજની મૂર્તિ, ત્યાં ગોકુળ ને મથુરા છે. અને જે શ્રીકૃષ્ણ તે શ્રીજીમહારાજ પોતે છે; પણ જે શ્રીકૃષ્ણ પરોક્ષ થઈ ગયા એ નહિ.”

એ ઉપર પ્રેમાનંદ સ્વામીના કીર્તનની ટૂંક બોલ્યા જે, “‘ગિરધર નાય અને ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય’. તે પ્રેમાનંદ સ્વામી એ ગોપીઓને ક્યાં જોવા ગયા હતા? એમણે તો આ સંતોને ગોપીઓ કહેલ છે. તેમને એ જોતા હતા. માટે આ સંત તે ગોપીઓ અને જ્યાં મહારાજ ત્યાં ગોકુળ, મથુરા. આ મર્મ સમજવો એ જબરી ઘાંટી છે. એ ઘાંટી ઉલ્લંઘાય તો બધુંય સમજ્યા. આમ ન સમજાય તો રખડવું પડે.” એમ કહીને પાટડીના નાગજીભાઈ સામે હાથ કરીને બોલ્યા જે, “કેમ નાગજીભાઈ! ખરું કે નહિ?” ત્યારે નાગજીભાઈ બોલ્યા જે, “હા બાપા! બરાબર છે.”

એવી રીતે બાપાશ્રીએ કૃપા કરીને મણિલાલભાઈનો સંકલ્પ સત્ય કર્યો. ।।૨।।