(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૦) બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજ અને અનાદિમુક્ત તો જુદા રહેતા જ નથી, પણ ભાવ જુદાઃ દાતા-ભોકતાપણું અને સ્વામી-સેવકપણું. અનાદિમુક્તને એમ સમજવામાં બાધ નહિ આવે, નુકસાન નહિ આવે. અને જેવડા જાણે તેવડા કરે છે; ગમે તેવા મોટા જાણો. મોટા જાણ્યામાં લાભ છે. માટે જેવા છે તેવા મહારાજને તથા અનાદિમુક્તને જાણવા જોઈએ. જેને મહારાજની મોટપ ખરેખરી જાણ્યામાં આવે તેને જ કુશાગ્ર બુદ્ધિવાળા કહ્યા છે. આગળ લાખો વર્ષ તપ કર્યાં તોપણ આવા મહારાજ ને આવા મુક્ત મળ્યા નથી ને મહારાજનું દિવ્ય સુખ પણ મળ્યું નથી, માટે અવરભાવનો ત્યાગ કરીને પરભાવમાં રહેવું. પરભાવમાં રસ છે.”

“આપણે શ્રીજીમહારાજની મૂર્તિમાંથી બહાર નીકળવું નહિ; એટલામાં જ રહેવું. એવો ખટકો થાય તો મહારાજ જરાય છેટા નથી. ખટકો રાખીને મંડે તો છ મહિનામાં પૂરું થઈ જાય તે પૂરું નક્કી કરવું પડશે; છૂટકો નથી. બીજું બધુંય થાય. માળા, કીર્તન, સેવા, મંદિરનો વ્યવહાર, મહંતાઈ એવું બધુંય થાય, પણ કારણ વસ્તુ જે શ્રીજીમહારાજની મૂર્તિ તેમાં ન રહેવાય; માટે મૂર્તિરૂપ માળામાં જ રહેવું.”

“કોઈ ભગવાન સામું એક ગજ ચાલે તો ભગવાન તેના સામા બે ગજ ચાલે એવા દયાળુ છે, પણ જીવને ગરજ થોડી છે. મહારાજ અને મોટા મુક્ત મળ્યા છે તે પૂરું કરાવી દેશે, પણ ખટકો રાખીને મંડવું. પંચભૂતના દેહને પડ્યો મૂકીને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જવું. મોટા તો મૂર્તિમાંથી ઘડીયે નોખા પડતા નથી. તેવા મોટાને વિષે હેત રાખશો તો વાંધો નહિ આવે. હિંમત હારશો નહિ જે કેમ થાશે? હમણાં તો કારણ મૂર્તિમાં રહેવું કઠણ પડે છે, પણ રહેવા માંડે તો નીકળવું કઠણ પડે. તે આપણે કરવાનો ખટકો ઓછો છે અને ખપ થોડો છે. મહારાજે કહ્યું છે જે, ‘એણે ક્યારે આગ્રહ કર્યો ને ક્યારે ન થયું?’ કરવા માંડે તેને કાંઈ કઠણ નથી.”

“મોટા કરે તેમ ન કરવું, પણ કહે તેમ કરવું. આ જીવને સર્વે કામ પુરુષપ્રયત્નથી થાય તેમ છે, પણ પુરુષપ્રયત્ન વિના કાંઈ બને નહિ. તે કરવાની શ્રદ્ધા નથી ને નકરી કૃપા જોઈએ છીએ, પણ પાત્ર થશે તો એની મેળે જ કૃપા થશે. જ્યાં સુધી આ લોકની મોટપ, માન, સ્વાદ, મહોબત એ બધુંય રાખે તો ક્યાંથી પાત્ર થવાય? આવાં વચન સાંભળે ત્યાં સુધી ઠીક રહે અને પછી કાંઈ ન મળે. માટે આપણે જરૂર કરવું પડશે; છૂટકો નહિ થાય. એમ જાણીને મંડી પડવું, તો મહાપ્રભુનું અચળ, અનાદિ ને સનાતન સુખ લેવાય.”

“પ્રથમ મોટા સદ્‌ગુરુઓએ કેટલાંક દુઃખ સહન કર્યાં છે તો આજે અચળ, અનાદિ ને સનાતન સુખને પામ્યા છે. તેની આપણે વાતો કરીએ છીએ, પણ ટાણું આવે ત્યારે પાછું કાંઈ ન મળે. નહિ તો આવાં વચનની શેડ્યું જીવમાં ઊતરી જાય ને સૂકા હાડકા જેવું લૂખું થઈ જવાય, પણ માંહી ઊતરતું નથી. માટે પાત્ર થવા પુરુષપ્રયત્ન જરૂર કરવો પડશે. જો તળાવમાં પાણી નિર્મળ, શાંત ભરેલ હોય તો સૂર્યને કહેવું પડે નહિ જે મારા ઉપર દયા કરો, એ તો એની મેળે જ માંહી દેખાય. લાખો-કરોડો ગાઉ ઉપર સૂર્ય છે, પણ સહેજે એમાં દેખાય છે અને જરાક પાણી ડોળાય તો ન દેખાય; માટે પાત્ર થવું.”

“કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાદ એમાં તણાવું નહિ. તેનો ખટકો ન રાખે તો ખોટ બહુ આવે. આ દેહ અંધો ઘોડો છે તે ક્યાંય ફગાવી નાખે એમ જાણી જાણપણારૂપ ભગવાનના ધામના દરવાજામાં રહીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું તો સુખિયા થવાય; નહિ તો આ લોકમાં નકરું દુઃખ જ છે, ક્યાંય સુખ નથી. જાણપણામાં ન રહેવાય તો ખોટ બહુ આવે કારણ કે આ લોક જ એવો દુઃખદાયી છે. માટે નિયમ, નિશ્ચય, આજ્ઞા, ઉપાસના આદિમાં ખબરદાર થઈ રહેવું. તે જો નિયમ ન હોય તો ક્યાંય જતું રહેવાય. અમારે ત્યાં બે-ચાર હરિભક્ત આવ્યા હતા. તે રામજીભાઈને કહે જે, ‘ચાર પડની રોટલી તથા સવારે શેર દહીં ને શેર દૂધ જોઈશે.’ આવા ઠરાવવાળા થઈ જવાય, માટે સ્વભાવ જીતવા. જીવના ઠરાવ જ ઊંધા, તે જો પ્રસાદી વહેંચાતી હોય તો એમ થાય જે કાંઈક ગળ્યું હોય તો ઠીક. આવા ઠરાવમાં મહાપ્રભુનું સુખ ક્યાંથી આવે!”

“માંડવીના મંદિરમાં લક્ષ્મીરામભાઈએ રસનાનું બહુ ખંડન કર્યું ત્યારે એક સાધુને ઠીક ન લાગ્યું. આવા સ્વભાવ પડે છે. માટે સ્વભાવ વાંસે તણાઈ જવું નહિ અને મહાપ્રભુની મૂર્તિનું સુખ લેવું.” ।।૭૬।।