त्वमेव माता च पिता त्वमेव

त्वमेव बंधु च सखा त्वमेव ।

त्वमेव विद्या द्रविणं त्वमेव

त्वमेव सर्वं मम देव देव ॥

હિંદ જ્યારે અનેક પ્રકારની સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક વિટંબણાઓમાંથી પસાર થતો હતો, ત્યારે શ્રીજીએ સત્સંગ સ્થાપ્યો. ફક્ત એક સૈકાના ત્રીજા ભાગમાં, પોતાનું સર્વકર્તા, સર્વકારણ, સર્વાધાર, સર્વનિયંતા, સર્વોપરી, પ્રગટ પુરુષોત્તમપણું પ્રસિદ્ધ કરી, પોતાની હયાતીમાં પોતાનું ભજન કરતાં અસંખ્ય પરમહંસ તથા ગૃહસ્થ અનુયાયીઓ કર્યા, મંદિરો કર્યાં, શાસ્ત્રો કર્યાં. ટૂંકમાં પોતાની સ્વતંત્ર પ્રકટ ઉપાસના પ્રવર્તાવી.

ન્હોતી દીઠી ન્હોતી સાંભળી રે,

પ્રગટાવી એવી પુનિત, પુરુષોત્તમ પ્રગટી રે…

સ્વયં પોતે પ્રગટ થાય ત્યારે શું ન કરી શકે? છતાં આ વિજયના રહસ્ય તળે મુખ્ય બે હેતુ જણાય છેઃ

(૧) બીજાની લીટી ભૂંસ્યા સિવાય નાની કરી બતાવી.

(૨) ખંડનમંડનાત્મક શુષ્ક વિતંડાવાદને બાજુ મૂકી શાસ્ત્રોક્ત દરેકે દરેક મુખ્ય સિદ્ધાંતોને જીવનમાં ઉતારનાર, સાધુજીવન જીવતા અનેક ગૃહી-ત્યાગી આદર્શ સત્પુરુષો ઘડ્યા.

શ્રીજી કહે છે, “આપણે જેમ વિષ્ણુ-શિવાદિક દેવ માન્ય છે, તેમ વિશિષ્ટાદ્વૈત અને વેદાદિ આઠ સત્શાસ્ત્ર માન્ય છે.” ‘ધર્મ સહિત ભક્તિ કરવી’ એ રહસ્ય હોવાથી, આજ્ઞા માટે સર્વજીવહિતાવહ એવી ‘શિક્ષાપાત્રી’ આપી અને ઉપાસના માટે પોતાનું તાત્ત્વિક રહસ્ય ‘વચનામૃત’ આપ્યું. વળી, સ્પષ્ટ સંભળાવી દીધું કે, “કોઈ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગ ને ઉપાસના નથી; ને કોઈ મતમાં ત્યાગ છે તો આત્મજ્ઞાન ને ઉપાસના નથી.” આથી આપણા સદ્‌ગુરુએ ગાયું કેઃ-

ભૂંડો શીદને ભટકો છો મત પંથમાં રે લોલ

આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ નરનારી જોઈએ તે આવો…

-સદ્‌. પ્રેમાનંદ સ્વામી

આવી રીતે અન્ય સંપ્રદાયવત્ એકદેશીય મત, પંથ કે વાડો નહિ બનાવતાં શ્રીજીએ એક વિશ્વવ્યાપક વિશ્વધર્મ તરીકે સત્સંગ સ્થાપ્યો.

શ્રીજીના ઉપદેશો એટલા સાદા, સરળ અને સચોટ છે કે શુદ્ધ ચારિત્ર્યશીલ મુમુક્ષુ સહેજે શ્રીજીના સ્વરૂપનું જ્ઞાન ને માહાત્મ્ય સમજી, સહેજે શ્રીજીરૂપ થઈ શકે. સ્વયં ભગવાન શ્રી સહજાનંદ સ્વામી ઉર્ફે શ્રી સ્વામિનારાયણ ભગવાન મુખકમળ નિઃસૃત વચનામૃત એટલે આપણી પવિત્ર અને સર્વશ્રેષ્ઠ શ્રુતિઓ. જ્યારે બાપાશ્રી જેવા સ્વસિદ્ધ અનાદિમુક્તની વાતો એટલે આપણી પવિત્ર અને સર્વશ્રેષ્ઠ સ્મૃતિઓ. વચનામૃત સ્વતઃ પ્રમાણ છે, જ્યારે વાતો પરતઃ પ્રમાણ છે. માટે બાપાશ્રી કહે છે કે, “પ્રત્યક્ષનાં શાસ્ત્ર કણને ઠેકાણે છે; વચનામૃત ભોજનને ઠેકાણે છે.”

આપણી આ શ્રુતિઓનું પરમ ધ્યેય-પરમ સાર એક ઉપાસના, એક સ્વરૂપનિષ્ઠા, એક અને અજોડ મૂર્તિ સ્વયં શ્રીજીપ્રાપ્તિ છે. આ શ્રુતિઓનો આત્મા કે વચનામૃતનું રહસ્ય એક સ્વરૂપનિષ્ઠામાં જ પર્યવસાન પામે છે. દરેક વચનામૃતના મથાળે ‘દાદાખાચરના દરબારમાં અમુક વસ્ત્ર પહેરી અમુક મુખારવિંદે વિરાજમાન હતા’ એ આ રહસ્યનું દ્યોતક છે.

હવે આપણા સદ્‌. ગોપાળાનંદ સ્વામી આદિ અનેક સ્મૃતિકારોનાં ગ્રંથોનું અવલોકન કરીશું તો જણાશે કે તેમનુંય પરમ ધ્યેય ને પરમ રહસ્ય એક મૂર્તિ જ છે.

“જે સ્વયં પુરુષોત્તમ ભગવાન છે તે તો આ ફેરે જ આવ્યા છે.”

“શ્વેત તેજને વિષે ભગવાનની મૂર્તિ છે તે તેજમાં ભગવાનની મૂર્તિ જોઈને આનંદ પામવો.”

-સદ્‌. ગોપાળાનંદ સ્વામી

“સાંખ્ય યોગ, વેદાંત ને પંચરાત્ર એમનું તત્ત્વ તો એક શ્રીહરિની મૂર્તિ છે. સર્વેનાં સુખ જોવાં ને સર્વેનાં રૂપ જાણવાં ને એક ભગવાન વિના બીજામાં માલ નહિ, એવું જ્ઞાન શીખવું.”

-સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી

“એ મૂર્તિના સુખમાં પહોંચ્યા કેડે ધામનું સુખ તે શું? અને મુક્તકોટિનું સુખ તે પણ શું ? એવું મૂર્તિનું સુખ છે.”

-શ્રી અબજીબાપા

આવી રીતે સબીજ સાંખ્ય કહે છે કે સ્વરૂપ, સ્વભાવ ને સામર્થી ઇત્યાદિ વડે અક્ષરધામ ને અનાદિમુક્તો કરતાં એક ને માત્ર એક શ્રીજી શ્રેષ્ઠ છે; તો પછી અન્ય અક્ષરાદિક અવતારો કરતાં શ્રેષ્ઠ છે એ તો સૂતરામ્‌. માટે યુગલ સ્વરૂપની ઉપાસના કરતાં એક સ્વરૂપની ઉપાસના અધિક છે. આનું નામ ઉપાસ્ય શુદ્ધિ.

ઉપાસક ઉપાસ્ય સાથે જેટલા પ્રમાણમાં પોતાનું ઐક્ય સાધે તેટલા પ્રમાણમાં તેની ઉપાસના શુદ્ધ કહેવાય. આવું ઐક્ય સાધવા માટે બે માર્ગ પ્રસિદ્ધ છે. (૧) બ્રહ્મજ્ઞાન. (૨) ભક્તિ.

(૧) બ્રહ્મજ્ઞાન

દેહને હવાની જરૂર છે તેટલી, બલ્કે વધારે, આત્માને શાસ્ત્રો ને સત્પુરુષોની જરૂર છે. આત્મા જ્યારે પોતે પોતાને ઓળખે (know thyself) જે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? મારો આ જગત સાથે ક્યારનો કેટલો ને કેવો સંબંધ છે અને અસંખ્ય બ્રહ્માંડો જેની એકાદિ નાનામાં નાની ભેદશક્તિની અસંખ્ય લીલા પૈકીનું એક કાર્ય છે એવા પરબ્રહ્મ શ્રીજી સાથે મારે કેવો સંબંધ હતો? છે? અથવા કરવાનો છે? ત્યારે અને માત્ર ત્યારે જ શાસ્ત્રો અને સત્પુરુષો કરતાં પણ વધારે જરૂર એક તેને જ ઓળખી તે મય-તદ્રૂપ-તલ્લીન-રસબસ થવાની છે.

“જે જેનું ચિંતવન કરે તે તેમય થઈ જાય,

શ્રીજી ચિંતી શ્રીજીમય થવું કીટ ભ્રમરને ન્યાય.”

હવે જેવી રીતે વચનામૃતમાં પારમાર્થિક સંયમ એટલે આપણા ઇષ્ટદેવ શ્રીજી સાથે સાધર્મ્યપણું પામી તાદાત્મ્ય સંબંધ વડે તદ્રૂપ, તલ્લીન થવારૂપ ઉપાસનાવિધિ છે અને તદાશ્રિત-તદુપયોગી વ્યવહાર સંયમ એટલે એ ઉપાસનાને ઉપયોગી સહાયરૂપ ઉપકરણ તરીકે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિનાં નિર્મળ નીર નજરે પડે છે; તેવી રીતે આપણા પ. પૂ. સ્મૃતિકારોના ગ્રંથોમાં પણ છે. ઉપાસક-ભક્તના બે પ્રકાર છે. અને વસ્તુતાએ જેમ કલ્યાણનો માર્ગ એક જ છે, તેમ ઉપાસનવિધિ પણ એક જ છે; છતાં પાત્ર પરત્વે અનેક પણ છે. તેમાં મુખ્ય બે પ્રકારના ભક્તોની અપેક્ષાએ બે પ્રકાર શ્રીજી ગણાવે છે. “તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિ ધારીને ભગવાનનું ભજન કરે.”

“આઠ પહોર ભજન કરવું જે હું દેહ નહિ ને દેહમાં રહ્યો એવો જે હું તે આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું; ને મારે વિષે પરમાત્મા-પરબ્રહ્મ-પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે.”

-સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી

“હરિભક્ત હરિકથાનું શ્રવણ-મનનાદિ સર્વ ક્રિયા કરે છે તે દેહાભિમાનરૂપ રાહુ ગ્રસ્ત થકા કરે છે, માટે વિવેકના વચનામૃત (અમ.-૨) પ્રમાણે નાહી-ધોઈ પૂજા કરવી. જીવને મોક્ષને માર્ગે ચાલવું કઠણ છે તે સંસારમાંથી સત્સંગી થવું, આજ્ઞા પ્રમાણે દશુંદ-વિશુંદ કાઢવી, સાધુ થવું, એકાંતિક સાધુને ઓળખી એમને સંગે રહેવું, આજ્ઞા પ્રમાણે વર્તવું, ભગવાનની નિરંતર સ્મૃતિ રાખવી (उपासनं स्याद् ध्रुवानुस्मृतिः), ઇંદ્રિયો- અંતઃકરણ જીતીને ભગવાનનું જીવમાં ભજન કરવું તે કઠણ છે. ને તે કરતાં ચાર પ્રકારના પ્રલયે કરીને ઉપશમ કરીને પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સાથે એક કરીને મહારાજની મૂર્તિનું ધ્યાન… અતિ કઠણ છે; ને તે સર્વ કરતાં પણ મૂર્તિમાં અતિ પ્રેમલક્ષણા ભક્તિએ કરીને સ્નેહ કરવો ને અક્ષરના સુખમાં ન લેવાય, મૂર્તિએ કરીને ગુલતાન રહે એવા મુક્ત થવું સર્વથી અતિશે કઠણ છે. તેને સાધનમાત્રનો અંત આવ્યો ને તે ભક્તને મૂર્તિનું કેવું સુખ આવે તો જેવું ભગવાનને પોતાનું સુખ આવે છે.”

-સદ્‌. ગોપાળાનંદ સ્વામી

“માટે પોતાને શ્રી પુરુષોત્તમરૂપ (પ્ર.પ્ર.-૫૧) માનવું અથવા શ્રીપુરુષોત્તમના મુક્તરૂપ (જે.-૧) અથવા તેજરૂપ (મ.પ્ર. ૩૦-૫૦) માનવું. જેમ ચંદ્ર વડે ચંદ્રનું દર્શન થાય અને સૂર્ય વડે સૂર્યનું દર્શન થાય, પણ ચંદ્ર વડે સૂર્ય જોવાય નહિ; તેમ શ્રી પુરુષોત્તમ વડે જ શ્રી પુરુષોત્તમનું દર્શન થાય, પણ મૂળઅક્ષર-રૂપ થવાથી શ્રી પુરુષોત્તમ પમાય નહિ; માટે પોતાને પુરુષોત્તમરૂપ માનવું.”

-શ્રી અબજીબાપા

ઉપાસક-ઉપાસ્યરૂપ થઈ ઉપાસ્ય (મૂર્તિ)નું સુખ ભોગવે, એ ઉપાસનાની અતિ ઉત્તમ દશા છે. ઉપાસક ને ઉપાસ્ય વચ્ચે કોઈ આવરણ અંતરાય કરી શકે નહિ અને સહેજે સાક્ષાત્ પ્રાપ્તિ થાય એ હેતુથી વિવર્તવાદાનુસાર નહિ, કિંતુ પરિણામવાદાનુસાર જ્ઞાનપ્રલય વડે સર્વ તત્ત્વોનો એકબીજામાં અંતર્ગત ભાવ કરી આપણા અનુભવસિદ્ધ મહર્ષિઓએ ત્રણ દેહ ને ત્રણ અવસ્થા તેથી વિલક્ષણ એવો જે આત્મા તેની સર્વત્રપૂર્ણ સચ્ચિદાનંદ બ્રહ્મ મૂર્તિનું તેજ તે સાથે અથવા મુક્ત સાથે અથવા સ્વયં શ્રીજી સાથે એકતા કરીને ચિંતવન-મનન કરવાનું કહ્યું છે.

‘ब्रह्म वेद ब्रह्म एव भवति’, ‘ मद्भावमागताः’, ‘परमंसाम्यमुपैति’, ‘देवो भूत्वा देवं यजेत्’, ‘अहं तदेव तदेवाहम्’, ‘सर्वंखल्विदंब्रह्म तजजलात्रिति शान्त उपासीत’, ‘अविभागेन दृष्टवात्’, ‘भोग मात्र साम्य लिंगा च’, ‘जगद्वयापार वर्जम्’ વત્

દરેક ઉપાસક સ્વયં શ્રીજી સાથે પોતાનું ઐક્ય સાધી શકે છે એટલે વ્યષ્ટિ પરત્વે દરેક મુક્તને એક શ્રીજી સિવાય અન્ય પરાન્વય નથી. પર્યાય શબ્દોમાં, મહારાજ ને મુક્ત વચ્ચે અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ નથી. શ્રીજી અપેક્ષાએ સૌ મુક્ત ન્યૂન છે, કિંતુ પરસ્પર સૌ સરખા છે. જેવા અનાદિ, તેવો જ આજ ગયેલો કે હવે પછી આવનારો. માટે બાપાશ્રી કહે છે કે, “ત્યાં ગયા પછી (મોક્ષદશામાં) જે સ્થળમાં સાધન કર્યું હોય તે સ્થાન કે એક શ્રીજી સિવાય આ અમુક વ્યક્તિ-મારી ગુરુ છે, એવું રહેતું નથી.”

માટે મૂર્તિના તેજરૂપ,મુક્ત કે પુરુષોત્તમરૂપ માનવું એ ભાવના-વિચાર-પ્રકર્ષ દ્વારા શ્રીજીપ્રાપ્તિ-શ્રીજી સાક્ષાત્કાર કરવો એ અલબત્ત કઠણ છે, પરંતુ સિદ્ધાંત નથી એમ નથી. માટે સ્વસાનુકૂળ એકાદ માર્ગે પ્રયાણ કરી સાક્ષાત્ શ્રીજીપ્રાપ્તિ સાધ્યા પહેલાં, ઇતર માર્ગ, સાધન કે વિચારશ્રેણીની ઉપેક્ષા-ઘૃણા કે નિષેધ કરી, સત્સંગસમાજમાં હાસ્યાસ્પદ બનવાનું સાહસ કોણ ખેડે?

વસ્તુસ્થિતિ આવી છતાં, વિશિષ્ટાદ્વૈત અને કેવલાદ્વૈતના સિદ્ધાંતોના તુલનાત્મક અભ્યાસશૂન્ય કેટલાક શંકા કરે છે કે, “એમાં તો મહારાજ ને મુક્ત અભેદ-એક થઈ જાય.” સદ્‌. નિત્યાનંદ સ્વામીને કોઈકે પૂછ્યું જે, “આમાં (અમુક અન્ય પ્રસંગમાં) બાધ ન આવે?” ત્યારે બોલ્યા જે, “બાધ-બાધકમાં જેટલું તમે સમજો તેટલુંય શુકમુનિ નહિ સમજતા હોય?” ઓછું વિચારવા જેવુ નથી. માટે આ શંકા એ સ્વતઃસિદ્ધ અનાદિમુક્ત સ્થિતિજન્ય જ્ઞાનશૂન્ય સાધારણ સાધકનું ચિહ્ન છે. જુઓ, બાપાશ્રી કહે છે કે, “મહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત રહે છે તે એક થઈ જતા નથી; જુદા રહે છે ને દાસપણે રહે છે. જેની દૃષ્ટિ એટલે પહોંચી ન હોય તેને એમ જણાય જે ભગવાન થઈ જવાય, પણ ભગવાન શી રીતે થઈ જવાય? કેમ જે ધણી પાસેથી સુખ લે છે તે ધણીને કેમ ભૂલી જવાય? માટે સ્વામી- સેવકપણું તો રહે જ.” ઉપાસક ઉપાસ્ય સાથે જેમ જેમ આત્મબુદ્ધિ-આપોપું કરતો જાય, તેમ તેમ શ્રીજીનો મહિમા, સુખ ને સામર્થી ને પ્રકાશ બીજા કરતાં અતિશય અપાર જણાય છે. માટે તેમને બીજા સૌ કરતાં વધારે સ્વામી-સેવકભાવ રહે છે, એ સ્વાભાવિક છે. માટે અનાદિ મુક્તો બીજા સૌ કરતાં શ્રેષ્ઠ છે. આનું નામ ઉપાસનવિધિ કે ઉપાસકશુદ્ધિ.

વળી અધિકારી ભેદ પરત્વે આ માર્ગ સરળ ને સુગમ પણ છેઃ- “ઇંદ્રિયો-અંતઃકરણ વશ કરવાં એ તો પૃથ્વીમાં ઘોડા ફેરવવા જેવું છે ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડા ફેરવવા જેવું છે. વળી ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં તે શીખવાં એ પૃથ્વીમાં ઘોડા ફેરવવા જેવું કઠણ છે ને ચોસઠ લક્ષણવાળા સાધુમાં જોડાવું (મુક્ત સાથે આત્મબુદ્ધિ-આપોપું કરવું) એ ફળિયામાં ઘોડા ફેરવવા જેવું સુગમ છે.”

-સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી

એક વખતે આપણા આપ્તતમ પ.પૂ. ઈશ્વરચરણદાસજી સ્વામીને એક સત્સંગીએ પૂછ્યું જે, “મૂર્તિમાં શી રીતે રહેવાય?” ત્યારે બોલ્યા જે, “તમે દેહમાં શી રીતે રહો છો? રોટલા ખાવા હોય તો અહીંથી ચાલીને ભંડારમાં જઈએ ત્યારે… ને, મૂર્તિમાં રહેવું ને મૂર્તિનું સુખ ભોગવવું એ તો સૂતાં સૂતાંય થાય!” કેવો સુંદર પ્રશ્નનો સુંદર ખુલાસો! માટે જે મૂર્તિમાં રહે તેને બહાર રહેવું ને જે બહાર રહે તેને મૂર્તિમાં રહેવું કઠણ જણાય છે.

આવી રીતે બ્રહ્મજ્ઞાન-વિચારાત્મક પદ્ધતિદ્વારા ‘प्राप्तंप्राप्तव्यम्’ વત્ ધ્યેયસિદ્ધિનો ઉલ્લેખ આપણી શ્રુતિ-સ્મૃતિઓમાં અનેક સ્થળે જોવામાં આવે છે. છતાં જેની ગ્રહણશક્તિ આ સ્થિતિ પકડી શકે નહિ તેના માટે બાદશાહી-ધોરી રસ્તો એ છે કે આપણા શ્રુતિ-સ્મૃતિકારોએ બતાવેલી ઉપાસનપદ્ધતિના સર્વ માર્ગ સત્ય છે, પણ જેને જે માર્ગે સહેજે ને તત્કાળ શ્રીજીપ્રાપ્તિ-શ્રીજીસાક્ષાત્કાર થઈ શકે તે માર્ગ, તે પદ્ધતિ, તે રીતિ તેણે મુખ્યપણે ગ્રહણ કરવી એટલે બસ.

(૨) ભક્તિ

‘माहात्म्यज्ञान युग्भूरि स्नेहो भक्तिश्चमाधवे’ (ભગવાનમાં માહાત્મ્ય જ્ઞાનેયુક્ત જે અત્યંત સ્નેહ તે ભક્તિ જાણવી). ‘सा परानुरक्तिरीश्वरे’ તે ભક્તિ સાધન અને સાધ્ય એમ બે પ્રકારની છે. સાધનભક્તિ શ્રવણાદિ નવ પ્રકારની કહી છે અને ૯×૯=૮૧ અને ૮૨મી સાધ્ય-પ્રેમલક્ષણા નામે કહી છે.

સ્વયં શ્રીજી એક પત્રમાં લખે છે કે, “એવી રીતે ભક્તિ તથા વિચારને આલંબને કરીને દેહને માંહી અવકાશ પ્રત્યે સ્વાધીનપણે પ્રવેશ કરે ત્યારે જીવના સ્વરૂપને, પુરુષોત્તમનું સ્વરૂપ જેવું પ્રત્યક્ષ છે તેને તથા બ્રહ્મમહોલાદિક ધામને દેખે ને સંશય નિવૃત્તિ પામે.”

વળી માનકુવાથી શ્રીજી રાજબાઈ આદિ સમસ્ત બાઈ-ભાઈ પ્રતિ લખે છે કે, “પ્રત્યક્ષ પ્રમાણ મૂર્તિ નખશિખપર્યંત ચિંતવન કરવી. પોતાની આંખમાં ભગવાનની આંખ, કાનમાં કાન, પગમાં પગ એવી રીતે સર્વત્ર અંગ જોવાં; પોતાને વિષે પોતાનું સ્વરૂપ તે (મૂર્તિ) જ માનવું; તેથી (મૂર્તિથી) પોતે જુદા ન માનવુ; તેમની આંખ વડે તેમને જોવા; હીરે હીરો વેંધવો; એક પ્રભુ જ છે; હું નથી; એવી રીતે વૃત્તિ ભજનમાંથી નીકસવા દેવી નહિ તેનું નામ ભક્તિ.”

આ બન્ને માર્ગમાં એકસરખો એક સાધારણ (Common) સૂર એક જ છેઃ અંતર્જ્ઞાન કે અંતર્દૃષ્ટિ. માટે શ્રીજી લખે છે કે, “વેદાંતશાસ્ત્ર (બ્રહ્મજ્ઞાન) કે ભક્તિશાસ્ત્ર (ભક્તિ)ને કહેવે-સાંભળવે સુખ કે શાંતિ નથી.” આગળ ચાલતાં શ્રીજી આપણને શીખવવા માટે અખતરો-પ્રયોગ કરી અજમાવવા માટે, આગ્રહપૂર્વક કહે છે કે, “અમે પણ એવી જ રીતે શાંતિને દીઠી છે. એ વચન જે અમારા હો તે સાચું માનજો.” હવે આ અંતર્જ્ઞાન કે અંતર્દૃષ્ટિ સંબંધે આપણા શ્રુતિસ્મૃતિકારોના વિચાર જોઈએઃ-

“મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ છે. અંતર્દૃષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ છે અને એમ ને એમ કરતાં કરતાં પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ તેનું ફળ છે.”

-ભગવાન સ્વામિનારાયણ

“સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તે કંઠમાં કરવું, હૃદયમાં કરવું ને જીવમાં કરવું, જ્યાં થાય ત્યાં કરવું; તે જોતે જોતે ભગવાન સામું જોઈ રહેવું.”

(સદ્‌. સર્વનિવાસાનંદ સ્વામીને ઉદ્દેશીને) “મૂર્તિ સામું જોઈ રહો.”

-સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી

“આત્મામાં પરમાત્માને અખંડ જોઈ રહે ત્યારે કાંઈ કરવું ન રહ્યું.” “મહિમા સમજે ત્યારે શ્રીજી સામું જોઈ રહેવાય.”

-સદ્‌. ગોપાળાનંદ સ્વામી

“માટે મહારાજની મૂર્તિને જોવા મંડ્યા રહેવું. તો મહારાજ જાણે જે આ બિચારો મંડ્યો છે તો મહારાજ ઝળેળાટ દર્શન આપે.” “પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, મેખોન્મેખ આંખમાંથી પાણીની ધારા ચાલે ત્યાં સુધી જોવું. એમ ખરેખરું અંતર્દૃષ્ટિથી જોઈ રહેવું.” “ધ્યાન કરતાં એકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી; જીવસત્તાએ જોવાય છે એમ જાણવું.”

-શ્રી અબજીબાપા

તીવ્ર વૈરાગ્યવાળા કરતાં નિયમવાળાને, કેટલીક વખતે, વિશેષ વિષય જીતાય છે તેમ બ્રહ્મજ્ઞાન કરતાં આ માર્ગ વધારે સરળ, સુગમ, સર્વગ્રાહ્ય ને સમન્વયાત્મક હોઈ સૌ કોઈ સહેજે સ્વીકારી શકે એમ છે. વળી, મુમુક્ષુને ઉચ્ચતર પાત્ર થવા માટે બ્રહ્મજ્ઞાન પૂર્વે અને ઉચ્ચતમ પાત્ર થવા માટે અથવા શ્રીજી પ્રસન્નતાર્થે અથવા લોકસંગ્રહાર્થે બ્રહ્મજ્ઞાન પશ્ચાત્ પણ ભક્તિમાર્ગની આજીવન આવશ્યકતા છે જ, એ તેની ખાસ વિશિષ્ટતા છે. માટે

भक्तया मामभिजानाति याबान्य श्चास्मि तत्त्वतः ।

ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥

भक्तया त्वनन्यया शक्य अहमेवं विद्योऽर्जुन ।

ज्ञातु दृष्टुं च तत्त्वेन प्रेवेष्टुं च परन्तप ॥

‘नैष्कर्म्यमप्यच्युत भाव वर्जितं’, ‘परिनिष्ठितोऽपिनैर्गुण्ये’, ‘आत्माराम श्च मुनयः’

‘Love thy Lord & love thy neighbour as thyself.’

જુઓ, લો.-૭માં જ્ઞાનની શ્રેષ્ઠતા કહી અને મ.-૧૦માં જ્ઞાન કરતાં ભક્તિને વિશેષ કહી છે, પરંતુ તે બન્નેની એકસરખી ગૌરવતા છે એવું શુદ્ધ સમન્વયાત્મક સમર્થન રહસ્યાર્થમાં બાપાશ્રીએ સ્પષ્ટ કરી આપ્યું છે. બ્રહ્મજ્ઞાન અને ભક્તિ તેમનાં સામાન્ય સ્વરૂપમાં ભિન્ન ભિન્ન ભાસે છે, પરંતુ બન્નેની પરાકાષ્ઠા જ્યાં છે ત્યાં તે પર્યાય બની જાય છે. જેમ પ્રાણને નિરોધે ચિત્તનો ને ચિત્તને નિરોધે પ્રાણનો નિરોધ થાય છે, તેમ એકાદ સાધનના સંપૂર્ણ અનુષ્ઠાનમાં બીજાની સ્વાભાવિક સિદ્ધતા થઈ જાય છે.

આવી રીતે પ્રત્યેક અથવા તદંગભૂત અનેક માર્ગ આપણી શ્રુતિ-સ્મૃતિ સિદ્ધ છે. માટે ઉપાસનપદ્ધતિના એકાદ માર્ગને માનવો ને બીજાનો નિષેધ કરવો એ આપણી સ્વયં શ્રુતિ-સ્મૃતિનો નિષેધ કરવા બરાબર છે. જેવી રીતે હઠયોગ, રાજયોગ, મંત્રયોગ, લયયોગ વગેરેનાં સ્વરૂપ જુદાં જુદાં છે, પરંતુ પ્રયોજન ને ફળ એક જ છે; તેવી રીતે આપણા ઉપરોક્ત સર્વ માર્ગ, સાધન, પદ્ધતિ કે વિચારશ્રેણીનાં સ્વરૂપ જુદાં જુદાં છે, પરંતુ પ્રયોજન ને ફળ એક જ છે.

હવે પ્રત્યેક મુમુક્ષુ વ્યક્તિગત પોતે પોતાને પૂછે કેઃ- ગોપીઓની પેઠે સર્વ સ્ત્રીઓ પોતાના પતિને વિષે પ્રીતિ કરે છે છતાં પ્રાપ્તિમાં ફરક કેમ પડે છે? માયાથી પરમધામમાં ગતિ થઈ તે પ્રતાપ લાકડાના રથ ને ઘોડાનો કે તેના હાંકનારનો? તેમ બ્રહ્મજ્ઞાન ને ભક્તિ સર્વકાળે સર્વ સંપ્રદાયોમાં માન્ય છે એટલે જે બીજે છે તે સત્સંગમાં છે, પરંતુ એક વસ્તુ (શ્રીજી સ્વયં) જે સત્સંગમાં છે તે બીજે છે? તો તેનો જવાબ શું મળશે?

આવી રીતે આપણા સત્સંગરૂપી વર્તુળ (Circle)નું મધ્યબિંદુ (Central Point) એક ને માત્ર એક શ્રીજી જ છે. અને બાપાશ્રી જેવા સર્વ અનાદિમુક્તો, ધામ કે તીર્થરૂપ સઘળા સદ્‌ગુરુઓ અને તેમની વાતો એ સર્વ છે સહાયક શક્તિઓ (Subjective faculties), ઉપકરણ, સાધન કે શ્રીજીરૂપ મધ્યબિંદુની ત્રિજ્યાઓ (Radii).

જેવી રીતે શ્રીજીએ વેદાદિ આઠ સત્શાસ્ત્રોનું સમર્થન કરી ‘एतेषु यानि वाक्यानि’ તથા ‘स श्रीकृष्ण…नः’ એ બે શ્લોકમાં શાસ્ત્ર સમજવાનો વિવેક બતાવ્યો છે, તેવી રીતે આપણા સદ્‌ગુરુઓએ શ્રીજી સિદ્ધાંતોનું જ સમર્થન અને શુદ્ધ સમન્વય સિવાય બીજું કશુંય કર્યું નથી.

હવે અહીં કદાચ કોઈ પૂછે કે આવા સુંદર સમન્વયાત્મક પદ્ધતિ પ્રતિષ્ઠિત સર્વોપરી સત્સંગમાં મતભેદ જણાય છે કેમ?

ખરેખર! આ પ્રશ્નનો કોઈ એકાદ ખાસ અર્થ કરવો એ તેના એકાદ અવયવને સ્પર્શ કરવા બરાબર છે; તેમ જ પાત્રની ગ્રહણશક્તિ ભેદે એકાદ પાત્રને જ અનુકૂળ થઈ શકે. માટે નાનાર્થ કરવા શુદ્ધ પ્રયત્ન કરેલ છે. મુમુક્ષુ તેનું સમર્થન કરી વ્યષ્ટિ-સમષ્ટિ સત્સંગાનુકૂલ સમાધાન સાધી શકે છે.

શાસ્ત્રમાં કેટલાક શબ્દ સાધનદશા/સિદ્ધદશા, અવરભાવ/પરભાવ, વસ્તુભેદ/દૃષ્ટિભેદ, અર્ધસત્ય કે ઔપચારિક સત્ય, પ્રારબ્ધ/ પુરુષાર્થ, ક્રિયાસાધ્ય/કૃપાસાધ્યના જોવામાં આવે છે. એ સર્વનો વિષયવિભાગ કરી, પાત્ર ને પ્રસંગ પરત્વે ઘટાડવા સમન્વય કરવો જોઈએ.

वादे वादे जायते तत्त्वबोधः | वेदवाद रतो न स्यात्

પ્રથમ ઉક્તિ ‘સો શાણે એક મત’ समान शीले व्यसने सुसख्यम् વત્ એકાંતિક પાત્ર પરત્વે સાર્થક નીવડે છે. શુદ્ધ એકાંતિક જ્ઞાનાત્મક ચર્ચા-મનન-આપ-લે મૌન (નિદિધ્યાસ)માં જ પરિણિત થાય છે. માટે બીજી ઉક્તિ ‘वेदवादरतो न स्यात’, ‘अंधवजजडवत् मूकवच्च महीं चरेत्’, ‘न ज्ञानं न च वैराग्यं प्रायः श्रेयो भवेदिह′, ‘ज्ञान च मयि संन्यासेत्’, उत्तमा सहजावृत्ति मध्यमा ध्यान धारणा ॥ शास्त्र चिंतनाधमाः प्रोक्ता तीर्थयात्रा धमाऽधमाः ॥

ઇત્યાદિ સૂક્ષ્મ દૃષ્ટ્યાત્મક વચનોવત્ શુદ્ધ એકાંતિક જ્ઞાનીને વિજ્ઞાનની ઉચ્ચતર ભૂમિકામાં દોરનાર આતિવાહિક છે. આ વચનો વિદ્વાનને સાધુતા ને સાધુને મુક્તદશાની દિશા બતાવી રહ્યા છે. આ દૃષ્ટિ જે મુમુક્ષુ કેળવે તે સ્વાત્મોન્નતિ મૂલક હેય પ્રતિનીક ગુણો સંપાદન કરી અખિલ સત્સંગ સમાજોન્નતિ સહેજે સાધી શકે છે. આવા આદર્શશીલ એકાંતિકને મતભેદ કે વિરોધ કોણ જાણે કઈ જાતનું પશુ કે પક્ષી હશે? વિજ્ઞાનભૂમિ-અનુભવપ્રદેશમાં પુસ્તકિયા જ્ઞાન સિંધુબિંદુવત્ ભાસે છે. જે સિંધુમાં વિહાર કરે તે બિંદુમાં બૂડવા બાથોડિયાં કેમ ભરે? અર્થાત્ શુષ્ક વાદવિવાદ કરી સમય ને શક્તિ કેમ વેડફે? માટે બાપાશ્રી કહે છે કે એ માર્ગે ચાલવું નહિ.

એક વખતે આપણા પ્રાતઃસ્મરણીય અનાદિ મુક્તરાજ સદ્‌. બ્ર. નિર્ગુણાનંદજી સ્વામી, જેઓ એક સિદ્ધ યોગીરાજ, અંતર્યામી, ત્રિકાળદર્શી, સર્વજ્ઞ ને મૂર્તિના સુખભોક્તા હતા એવું અનુભવનાર સત્સંગીઓ આજે પણ છે, તેમના ઉપર ગુજરાતથી કોઈકે કાગળમાં ‘અનાદિ મુક્તરાજ’ લખ્યા હતા એટલામાં તો ભુજના કોઈક ઊંચા-નીચા થઈ ગયા ને બાપાશ્રી પાસે તે કાગળ લઈ આવ્યા!! બાપાશ્રીએ તરત જ સંભળાવી દીધું કે, “જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષરાદિ સર્વેને અનાદિ કહેવાય; ને જે છે તેને ન કહેવાય?”

સંવત ૧૯૦૬માં અમદાવાદના સભામંડપમાં આપણા પ.પૂ. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીની પ્રગટ (સર્વોપરી) ઉપાસનાની વાતો કરી એ પ્રસંગનો સુંદર ચિતાર આ પુસ્તકમાં છે તે જાણવા જોગ છે. વળી, સ્વામીશ્રી તો કોઈને નામ ધર્માદાનો ઉપદેશ કરતા નથી એવું કોઈકે આચાર્યશ્રીને ભરવ્યું ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “હું જેના જીવનમાં સ્વામિનારાયણ ઘાલું છું તે બીજે ક્યાં ને કોને ધર્માદો આપશે?” વળી સ્વામીશ્રી પશુને જાતે દાણા નીરતા તે જોઈ કોઈકે કહ્યું, “લોભ તો જુઓ!” આવા ક્ષુદ્ર ને સંકીર્ણ વિચારોના ગુલામ, મતભેદ ને વિરોધના ભોગ થઈ પડે એ સ્વાભાવિક છે.

એક વખતે સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીના એક પરમજ્ઞાની, પવિત્ર ને ચારિત્ર્યશીલ સત્સંગીએ વાદવિવાદ ખાતર નહિ, પરંતુ શુદ્ધ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું જે, “બાપાશ્રીએ ચાલોચાલ, એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિ એવા નંબર (ભેદ) ક્યાંથી પાડ્યા?”

આ ઉપરથી તરત જ તેમને સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ‘સાધારણ ને એકાંતિક’ એમ બે પ્રકારની સ્મૃતિ કરાવી! આ બે પ્રકારને બાપાશ્રી ‘ચાલોચાલ ને એકાંતિક’ નામે કહે છે. અને (સ્વયં શ્રીજી) લો.-૬માં “સત્સંગ થયા પછી એકાંતિકપણું એમાં આવે એ અતિશે દુર્લભ છે!” આમાં એકાંતિક ને ચાલોચાલ અથવા સાધારણ એમ બે ભેદ સ્પષ્ટ છે. સદ્‌. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ‘જીવનમુક્ત, વિદેહમુક્ત ને કૈવલ્યમુક્ત’ એમ ત્રણ પ્રકાર કહ્યા છે. આને બાપાશ્રી ‘અનુક્રમે એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ’ કહે છે. અનાદિમુક્તનું લક્ષણ સદ્‌. ગોપાળાનંદ સ્વામી આ પ્રકારે કહે છે જે, “પૃથ્વી જળમાં રહી છે ને બહાર દેખાય છે તેમ કૈવલ્યમુક્ત તો સદા મૂર્તિમાં છે. નદીઓ સમુદ્રમાં લીન થાય છે ને મધમાં અનેક વનસ્પતિના રસ લીન થાય છે તેવી રીતે અનાદિમુક્ત (મોક્ષદશામાં) મૂર્તિમાં લીન થાય છે.” સદ્‌. બ્રહ્માનંદ સ્વામી પયસાકરવત્ લીનતા બતાવે છે. “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પયમાંહિ ભળી!”

આ સાંભળી તે બોલ્યા કે, “બાપાશ્રી, સદ્‌. ગોપાળાનંદ સ્વામી ને સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીની વાતો તો ‘ચાવલ ને ચોખા’ પેઠે એક જ છે. જ્યારે એક સાંખ્યપ્રધાન છે તો બીજી યોગપ્રધાન છે. सांख्ययोगौ प्रथग्बालाः प्रवदन्ति पण्डिताः” માટે સદ્‌. ગોપાળાનંદ સ્વામી ને સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીના જ્ઞાનમાં જુદાપણું જે સમજે છે તે પંડિત નથી; બાળક છે! શ્રીજી તો ડિમ્‌ડિમ્‌ વગાડી નિત્ય કહે છે કે, “મહારાજને ને મોટાને નિષ્કામી, નિર્લોભી, દિવ્ય જેવા જાણીશું તેવા આપણે પણ થઈશું.”

બાપાશ્રીને દિવ્ય નહિ જાણનાર સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને પણ કથનમાત્ર જ દિવ્ય જાણે છે. (ફૈષ્ઠી ફીજિટ્ઠ) માટે સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીના ખરા શિષ્ય થવા માટે આપણે બાપાશ્રીના ખરા શિષ્ય થવું જ જોઈએ! (ફૈષ્ઠી ફીજિટ્ઠ). માટે મુમુક્ષુ પોતે જ સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી કે પર્વતભાઈ જેવો જ ન થાય ત્યાં સુધી પોતાની માયિકબુદ્ધિ વડે તેમના દિવ્ય જ્ઞાનનું માપ કાઢે એ ભૂલ છે!

વળી એક સત્સંગીએ પૂછ્યું જે, “અક્ષરધામ એટલે શું? ક્યાં છે? કોને કહેવાય? તે જાણવાથી કેટલો સમાસ છે? કેમ જે સત્સંગમાં એક બાજુ એક વર્ગ એક ને માત્ર એક સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને જ ‘અક્ષરધામ’ માને છે; જ્યારે બીજો વર્ગ એક ને માત્ર એક સદ્‌. ગોપાળાનંદ સ્વામીને જ અક્ષરધામ માને છે એ મોટો મતભેદ છે. (૧) અને કેટલાક ‘રાધાકૃષ્ણ’ ‘સીતારામ’ વત્‌ ‘અક્ષરપુરુષોત્તમ’ = ‘સ્વામી+નારાયણ’ની યુગલ સ્વરૂપની ઉપાસનાને વધુ મહત્ત્વ આપે છે તે કેમ સમજવું?” (૨)

સત્સંગમાં કેટલાક સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને જ શ્રીજીને રહેવાનું ‘અક્ષરધામ’ માને છે. અલબત્ત, જ્યાં સુધી તેઓ પ.પૂ. સ્વામીશ્રીને અક્ષરધામ માને છે ત્યાં સુધી તે શ્રીજીસિદ્ધાંતથી અળગું નથી; કેમ જે સ્વયં શ્રીજી જ્યારે ગારમાટીના ઘર ને જે જે જગાએ પોતે હર્યાફર્યા તે તે તીર્થરૂપ સ્થાનકોને, શ્રીજીની મૂર્તિના તેજને, તેમજ ઉપાસકોના વ્યક્તિગત આત્મા પરત્વે સર્વને ‘અક્ષરધામ’ માનવાનું કહે છે તો પછી આપણા સદ્‌. સ્વામીશ્રીને ‘અક્ષરધામ’ નહિ માનવામાં શું હાંસલ?

પરંતુ જ્યારે આપણે સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને જ અક્ષરધામ માની, ઇતર શ્રીજી આશ્રિત સદ્‌. ગોપાળાનંદ સ્વામીને અક્ષરધામ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરીએ ત્યારે આપણે શ્રીજી સ્થાપિત સર્વોપરી સત્સંગમાં સાંપ્રદાયિકતા, સંકીર્ણતા ને વાદવિવાદને આમંત્રણ આપીએ છીએ; કેમ કે શ્રીજી આશ્રિત કોઈ પણ એકાદ વ્યક્તિ વિશેષને ‘અક્ષરધામ’ માની લેવાને આપણી પાસે આપણી પવિત્ર શ્રુતિ વચનામૃતનો એકેય આધાર નથી!

માટે બાપાશ્રી કહે છે કે એ સર્વને અક્ષરધામ માનવામાં જરાય વાંધો નથી, પરંતુ ‘धाम्ना स्वेन’ વત્‌ એક મૂર્તિને જ અક્ષરધામ માનવું એ સૌથી શ્રેષ્ઠ છે. યદ્યપિ આપણા શ્રુતિ-સ્મૃતિકારોએ પૃથ્વીથી પરમેશ્વર પર્યંત સર્વ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, પરંતુ તેમનું કેન્દ્રસ્થાન એક મૂર્તિ (સ્વામિનારાયણ) સિવાય અન્ય કોઈપણ તત્ત્વ નથી. માટે બાપાશ્રી કહે છે કે, “અક્ષરધામ તે શું? એક મહારાજની મૂર્તિ રાખવી.”

“મૂર્તિમાં વૃત્તિ રાખવાથી મૂર્તિ, મુક્ત ને ધામ દેખાય છે” એવાં અનેક વચનો છે; કિંતુ અક્ષરધામમાં વૃત્તિ રાખવાથી મૂર્તિ, મુક્ત ને ધામ દેખાય એવું એકેય વચન નથી. માટે આપણા શ્રુતિ-સ્મૃતિકારો એક મૂર્તિ સિવાય મૂર્તિના તેજરૂપ અક્ષરધામ, જડ કે ચૈતન્ય પ્રકૃતિ, ક્ષર કે અક્ષર, બદ્ધજીવ કે મુક્તજીવ સંબંધી સર્વ સંકલ્પ માત્રનો સંન્યાસ કરવા સૂચના કરી રહ્યાં છે. મુમુક્ષુ પોતે પોતાને પૂછી જુએ કે ભગવાનનું અક્ષરધામ છે કે અક્ષરધામના ભગવાન છે? મૂર્તિ એ અક્ષરધામની મિલકત છે કે અક્ષરધામ મૂર્તિની મિલકત છે? જ્યારે મુમુક્ષુરૂપી કન્યા પુરુષોત્તમને પરણશે ત્યારે પોતાના પતિની સ્થાવર-જંગમ મિલકત આપોઆપ દેખશે! ‘एकेन विज्ञातेन सर्वं विज्ञातं भवति’ માટે જે મૂર્તિમાં રસબસ રહે તેને તો એક મૂર્તિ સિવાય અન્ય અક્ષરધામની અપેક્ષા કે ઉપેક્ષા રહેતી નથી. માટે અનાદિમુક્તને મતે તો એક શ્રીજી જ પરમધામ છે. ‘परंब्रह्म परंधाम पवित्रं परमं भवान्’

‘स्वामिनारायणौ’ ‘स्वामिनारायणाभ्याम्’ એમ દ્વિવચનનો પ્રયોગ આપણાં શાસ્ત્રોમાં જણાતો નથી; ઊલટું એકવચનનો પ્રયોગ તો સ્થળે સ્થળે જોવામાં આવે છેઃ-

जयति श्रीहरिः स्वामी श्रीमद् दुर्गपुरे प्रभुः

-હરિવાક્ય સુધાસિંધુ

हरिकृष्णो घनश्यामो नीलकण्ठ श्च स्मृतः ।

स्वामी च सहजानंदः स्वामिनारायणस्तथा ॥

-સત્સંગિજીવન

मुक्तानंद मुनिर्नमामि तमहं श्रीस्वामिनारायणम

-વ્યાસસૂત્ર

त्वं साक्षात् पुरुषोत्तमोऽसि परमं ब्रह्माक्षरात्माक्षरः

श्रीकृष्णो हरिकृष्ण आदि पुरुषो धर्मात्मज ! श्री हरे !

हे नारायण ! वासुदेव ! परमानंद ! प्रभो ! सत्पते !

मायाधीश ! बृहत्पुरस्थनृतनो ! श्रीस्वामिनारायण !

-શ્રી હરિદિગ્વિજય

પ્રસ્થાન ત્રયીમાંઃ ‘जन्माद्यस्य यतः’,‘एकमेवाद्वितीयम्’, ‘यमेवैष वृणुते’, ‘तस्मिन् दृष्टे परावरे’, ‘पिताऽसि’, ‘मामेकं शरणं’ ઇત્યાદિ.

આવી રીતે પરોક્ષ કે પ્રત્યક્ષ સર્વ શાસ્ત્રો જોતાં યુગલ સ્વરૂપની ઉપાસના કરતાં એક સ્વરૂપ श्री स्वामिनारायण ની ઉપાસનાને વધુ મહત્ત્વ અપાયેલું જોવામાં આવે છે.

શ્રીજી સાથે સદ્‌. ગોપાળાનંદ સ્વામી કે સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી વગેરે હરકોઈ મુક્તનું ધ્યાન-ઉપાસના કરવી એ અલબત્ત શાસ્ત્ર વિરુદ્ધ નથી, કેમ જે ચાર પ્રકાર પૈકી સપાર્ષદ ધ્યાન પ્રમાણભૂત છે; પરંતુ એક સ્વરૂપની ઉપાસનાની અપેક્ષાએ આ ધ્યાન, આ ઉપાસના ગૌણ છે.

સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં રહી શકે છે, માટે માટીના ઢેફા જેવા પાત્ર રહેવું જોઈએ નહિ. એક વખત બાપાશ્રી પાસે એક હરિભક્ત વૃષપુર ગયા, દર્શન કર્યાં ને રાજી થયા. પછી કેટલાક સમય બાદ ‘અક્ષર બ્રહ્મધામ’ સંબંધી એક વિદ્વાનના વિચારો જુદા સાંભળી નારાજ બની ગયા ને સત્સંગની દિશ પણ ભૂલી ગયા! અમારા એક વખતના પ્રતિપક્ષી વિદ્વાન મિત્ર કહે છે કે, “રહસ્ય પ્રદીપિકા ટીકાકાર તો અનાદિમુક્ત છે, પરંતુ તેના સંગ્રહકર્તા પણ અનાદિમુક્ત જ છે; હોવા જ જોઈએ.”

રહસ્ય પ્રદીપિકા ટીકામાંથી ઘણા ઘણાને ઘણું ઘણું જાણવું હોય તો મળી શકે તેમ છે. બાકી Faultfinders shall find faults even in paradise. મહાશય લેન્ગવીન લખે છે કે, “જે બીજા કરતાં સુંદર કાર્ય કરી બતાવી શકતો નથી તે મૂર્ખ બીજાના દોષો પકડી શકે છે.” મહાશય ગોલ્ડસ્મીથ અને કોલરિજ પરછિદ્રાન્વેષી મૂર્ખ કહી ધિક્કારે છે. મહાશય શેલી લખે છે કે, “ગ્રંથકારો પાછળ ધૂળ ઉડાડનારાઓમાં મોટો ભાગ મૂર્ખ અને પરગુણદ્વેષી હોય છે.”

વિદ્વત્તા સાધુતામાં પરિણમે છે ત્યારે પ્રેમ, દયા અને ચિત્તની શાંતિ આવે છે. પછી ટીકા ઉપર ટીકાવેડા કરવા ટાઈમ ક્યાં? આ સદગુણો સિવાય અલબત્ત મનુષ્ય વિદ્વાન બની શકે છે, પરંતુ સાધુ કદાપિ નહિ. માટે આવા મુમુક્ષુએ જાણવું જોઈએ કે સત્સંગને વિદ્વાનોની જરૂર છે, પરંતુ અનેકાનેક શુદ્ધ ચારિત્ર્યશીલ સત્પુરુષો ઘડી શકે એવા મુક્તાત્માઓની સત્સંગને વિશેષ જરૂર છે.

વિદ્વાનોને સાધુ થવાનું છે, સાધુતા શીખવાની છે; જ્યારે મુક્તાત્મામાં તે સ્વભાવસિદ્ધ છે. વિદ્વાનને પોતાના પ્રારબ્ધાદિ કર્મનો ક્ષય કરવાનો છે, જ્યારે મુક્ત બીજા જીવોનાં કર્માદિનો સંકલ્પ માત્રે નાશ કરી પોતા જેવા જ કરે છે. ગોપાળાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વશરામ સુતાર અને શ્રી અબજીબાપા વગેરેના જીવન પ્રસંગોમાં આવાં અનેક દૃષ્ટાંતો આપણે જોઈએ છીએ.

માટે બાપાશ્રી કહે છે કે, “લાખો કરોડો જન્મનાં કર્મ તે પણ દર્શનમાત્રમાં નાશ કરી નાખે એવો મોટાનો પ્રતાપ છે. જેવો પર્વતભાઈએ દેહ મૂકતી વખતે યજ્ઞ કર્યો હતો તેવો આ યજ્ઞ છે. આ વખતે જેણે જેણે વાતો સાંભળી તે સર્વને ઠેઠ મૂર્તિમાં પહોંચાડશું.” વળી, “જો અમો ખોટું કહેતા હશું તો અમને પાપ લાગશે ને તમો વિશ્વાસ રાખશો તો જેટલું ઇચ્છશો તેટલું મળશે.” કેવો શ્રીજી સમો સદાગ્રહ! માટે જે કામ એક મુક્ત એક મિનિટમાં કરી શકે તે કામ કરોડો વિદ્વાન મળીને કરોડ વરસે પણ કરી શકે નહિ. “અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મનાં પાપ” એવું તો આપણે રોજ ગાઈએ છીએ.

માટે મોટાની સમજણનું માયિક બુદ્ધિથી મૂઢ મુમુક્ષુ માપ કાઢે તે પહેલાં ઉપરોક્ત વિવેકનું મનન કરી મૂર્તિને માર્ગે ચાલે તો આધુનિક માનીનતાના મતભેદોમાંથી સહેજે બચી, સહેજે શ્રીજીરૂપ થઈ સ્વાત્મોન્નતિ સાધી શકે. એ દૃષ્ટિ હરકોઈ શાસ્ત્ર કે સત્પુરુષનો સંગ કરતાં પહેલાં મુમુક્ષુ કેળવે તો તેના મારગમાં મતભેદ મળે જ નહિ.

કેટલાક કહે છે જે, “દેહ મૂકીને ભગવાનના ધામનાં જવાનું છે ને ત્યાં ભાગવતી તનુ-અપ્રાકૃત દેહ વડે શ્રીજીસેવામાં રહેવાનું છે. જીવ હંમેશાં અણુ હોવાથી વિભુ થઈ શકતો નથી અને દેહમાંથી ઉત્ક્રમણગતિ અનિવાર્ય-આવશ્યક છે જ; કેમ જે અક્ષરધામ એકદેશસ્થ સ્થાન છે. અને ‘અણુમાત્ર છેટું નથી’, ‘છતે દેહે ધામને પામી જ રહ્યો છે’ એવાં વચનો તો માત્ર ચિદાકાશનું અક્ષરધામ સાથે સાધર્મ્યપણું સૂચવે છે તે કેમ સમજવું?”

રામાનુજ મતાનુસાર, જીવ હંમેશાં અણુ છે તે વિભુ થઈ શક્તો જ નથી ને તેને (ધામમાં) અપ્રાકૃત-દિવ્ય દેહ મળે છે; પરંતુ શ્રીજીસિદ્ધાંત એવો છે કે (મોક્ષદશામાં) શ્રીજી ઇચ્છાથી સ્વયં જીવ સાકાર સ્વરૂપે આવિર્ભૂત થાય છે (પ્ર.પ્ર.-૩૭). (વળી ત્યાં ત્રણ ભેદ અનાદિ છે તો અહીં પાંચ છે). આવી રીતે વિશિષ્ટાદ્વૈત વિરુદ્ધ નહિ, પરંતુ તે કરતાં શ્રીજી સિદ્ધાંત આગળ પડતો (ઈહરટ્ઠહષ્ઠીઙ્ઘ) છે. બીજાં ધામોની હદ છે, પરંતુ અક્ષરધામની હદ નથી. જેમ શ્રીજી એકદેશી થકા સર્વદેશી છે તેમ શ્રીજીનું ધામ સર્વત્ર છતાં સર્વથી પર વિલક્ષણ-શ્રેષ્ઠ છે. અને જ્ઞાની-અજ્ઞાની બન્નેને દેહમાંથી ઉત્ક્રમણ ગતિ છે એવું ન માનવું એ ભૂલ છે; પરંતુ વિજ્ઞાની-અનુભવીને છતે દેહે મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે-સ્થિતિ થાય છે તેને ગતિ નથી એમ ન માનવું એ બેવડી ભૂલ છે. બહારદૃષ્ટિવાળાને અક્ષરધામ લાખો ગાઉ છેટું છે ને જવાનું બાકી છે; અંતર્દૃષ્ટિવાળાને અણુમાત્ર દૂર નથી ને તેને જવાનું બાકી નથી. માટે બાપાશ્રી કહે છે કે, “જવું-આવવું તે સકામને મતે છે.”

“શ્રી નરનારાયણની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે અને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે”, (પ્ર.પ્ર.-૭૪) “આપણે કોઈનો અવગુણ લેવો નહિ” આવાં વચનો ઉપરથી કેટલાક ‘પગરખાં પહેર્યાં એટલે પૃથ્વી મઢાઈ ગઈ’ એવી એકદેશી વૃત્તિને જન્મ આપે અને ‘સત્સંગ સુધારણા’ માટેનાં શ્રીજીવચનો (પ્ર.પ્ર.-૧૮) તરફ બેદરકાર રહે તો સત્સંગ સમગ્રનું હિત તેમના હૈયે નથી; તેઓ ‘ધર્મપાલક’ કહેવાય, પરંતુ ‘ધર્મરક્ષક’ કદાપિ નહિ. સમય ને સંજોગાનુસાર, દરેક સત્પુરુષને સત્સંગોન્નતિનાં જુદાં જુદાં સાધનો જણાય છે; કેમ જે કોઈ પણ બળવાન આત્મા નિર્બળ દેહમાં રહી શું કરી શકવાનો? સને ૧૯૨૦નો દાવો આને આભારી હતો. આવી રીતે અંગ ને પંડ, વ્યષ્ટિ-સમષ્ટિ સત્સંગોન્નતિ સાધવામાં બાપાશ્રીનો હાથ પ્રથમ, અજોડ ને મોટો છે.

આવી રીતે ‘यतो वाचो’/ ‘निरंजनः परमं’, ‘अनेक जन्म संसिद्धो’/ ‘श्रद्धावान लभते ज्ञानं’, ‘घटवत सर्गादि विनश्यति’/ ‘सर्व खल्विदं ब्रह्म’; અક્ષરધામ છેટું છે / અણુ માત્ર દૂર નથી; જેને ભવબ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ / ભવ બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો; કસરવાળાને શ્રીજી અન્ય ધામમાં મૂકે છે / બંધ કીધા બીજા બારણાં રે; બધા સરખા છો / બધા સરખા જાણે તે વિમુખ; મૂર્તિનું સુખ માગવું / ન માગવું; અન્વયપણુ/વ્યતિરેકપણુ; અવગુણ લેવો/ન લેવો; વ્યક્તિ ઉપાસના / સામુદાયિક ઉપાસના; વ્યષ્ટિ / સમષ્ટિ સત્સંગોન્નતિ; મૂર્તિમાં પય-સાકરવત્ પ્રવેશ / મૂર્તિ બહાર થકો એના મનનું નિરંતર અનુસંધાન રહે તે પ્રવેશ; જેમ લોભીનો ધનમાં, ઇત્યાદિ; આવાં વચનોનો સમન્વય મુમુક્ષુએ કરી લેવાનો છે.

જેવી રીતે ‘યોગ’ શબ્દની અનેક વ્યાખ્યાઓ છેઃ- જેમ કે ‘योगः कर्मसु कौशलम्’, ‘समत्वं योगमुच्यते’, ‘योगश्चित्त वृत्ति निरोधः’, ‘योगस्समाधिः’ તેવી રીતે મૂર્તિમાં ‘પ્રવેશ’ની અનેક વ્યાખ્યાઓ છે અને તે સર્વ સત્ય છે. જેમ અષ્ટાંગ યોગમાં પહેલા પાંચ બહિરંગ પણ યોગના જ અંગ છે અને બીજાં ત્રણ અંતરંગ પણ યોગનાં જ અંગ છે; તેમ મૂર્તિ સન્મુખ રહી મૂર્તિનું સુખ ભોગવવું એ પણ મૂર્તિમાં ‘પ્રવેશ’ કહેવાય અને મૂર્તિમાં રસબસ રહી મૂર્તિનું સુખ ભોગવવું એ પણ મૂર્તિમાં ‘પ્રવેશ’ જાણવો.

એક વખતે બાપાશ્રીને પૂછ્યું જે, “મૂર્તિમાં કેમ રહેવાય? અને મારો ચૈતન્ય મૂર્તિમાં રહ્યો છે એવી ખાત્રી શી રીતે થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “માળા, માનસી પૂજા, ધ્યાન, ભજન કરતાં કરતાં થાય.” વળી આવા જ પ્રશ્નનો બીજા પાત્રને બીજો જવાબ આપ્યો જે, “જીવ દેહમાં રહે છે તેમ મુક્ત મૂર્તિ જેવડા મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે; નવા આવતા જાય છે તો પણ મૂર્તિ પુષ્ટ થતી નથી ને એ બધા લોકકલ્યાણાર્થે બહાર (સત્સંગમાં) દેખાય તોપણ મૂર્તિ દૂબળી પડતી નથી.”

સદ્‌. વૃંદાવનદાસજી સ્વામીને કોઈકે પૂછ્યું જે, “મુક્ત મૂર્તિમાં રહે છે એ વાત નવી કે જૂની?”

ત્યારે બોલ્યા જે, “સ્વામિનારાયણ ભગવાન છે એ વાત નવી કે જૂની?”

એક બીજા ધ્યાનનિષ્ઠ અનુભવીને કોઈકે પૂછ્યું ત્યારે તે બોલ્યા જે, “સદગ્રંથોમાં આવી વાર્તા તો છે, પણ જે ખોળતો નથી તે એક ભૂલ કરે છે, જાણ્યા છતાં અનુભવવા પ્રયત્ન કરતો નથી તે સો ભૂલ કરે છે ને જે આ સુંદર શ્રીજી સિદ્ધાંતનો ઇન્કાર કરે છે તે કરોડ ભૂલ કરે છે.”

तस्मिन्नेव सायुजयेन स्थुः | सर्वजनादृश्याः श्रीकृष्णमात्र दृश्या भवन्तीत्यर्थः (શિક્ષાપાત્રી ભાષ્ય શ્લોક-૧૧૧)

સા.-૧૧મામાં “લક્ષ્મીજી ક્યારેક લીન ને ક્યારેક તો નોખાં રહે છે તેમ તે ભક્ત પણ ક્યારેક તો લીન ને ક્યારેક તો મૂર્તિમાન થકો સેવામાં રહે છે.” હવે શ્રીજી સન્મુખ નોખા જ રહીને મૂર્તિની સેવામાં રહેવાનું હોય ને મૂર્તિમાં રસબસ લીન રહેવાનો સિદ્ધાંત જ ન હોય તો સ્વયં શ્રીજી “ક્યારેક લીન ને ક્યારેક મૂર્તિમાન નોખા” એમ બે પ્રકાર કહેત જ નહિ. સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્‌. મુક્તાનંદ સ્વામી, સદ્‌. બ્રહ્માનંદ સ્વામી, સદ્‌. નિષ્કુળાનંદ સ્વામી તથા સદ્‌. ભૂમાનંદ સ્વામીનાં વચનો જોતાં પણ અનેક સ્થળે આ બન્ને પ્રકારની સ્થિતિનો ઉલ્લેખ જોવામાં આવે છે. માટે અનાદિ મુક્તોની મૂર્તિમાં લીનતા-પ્રવેશ શાસ્ત્રસિદ્ધ, અનુભવસિદ્ધ ને મોટાએ પ્રમાણ કરેલ તથ્ય છે.

હવે તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં જડ-જડ પ્રકૃતિ (આકાશાદિ પંચભૂત) પરસ્પર વિશિષ્ટ રહી શકે છે, જડ-ચિત્ પ્રકૃતિ પરસ્પર વિશિષ્ટ રહી શકે છે; તો પછી ‘જે’ નિરાકાર ચૈતન્યને દિવ્ય સાકાર કરી શકે છે ‘તે’ મુક્તાત્માઓને સિદ્ધદશા-મોક્ષદશામાં પોતાની મૂર્તિમાં રસબસ વિશિષ્ટ ન રાખી શકે એવું કહેવું એ શ્રીજી-સામર્થ્ય અને સિદ્ધાંતની કિંમત ઘટાડવા બરાબર ગણાય. માટે મૂર્તિમાં એના મનનું નિરંતર અનુસંધાન રહે એ ‘પ્રવેશ’ની વ્યાખ્યાનો ઇન્કાર કરનારે વિચારવા જેવું છે, પરંતુ મહારાજ ને મુક્ત પયસાકરવત્ રસબસ છે એ ‘પ્રવેશ’ની બીજી સુંદર વ્યાખ્યાનો ઇન્કાર કરનારાઓએ શ્રીજી સિદ્ધાંતનું વિચારપૂર્વક પુરશ્ચરણ કરવા જેવું છે. મહારાજ ને મુક્ત રસબસ એટલે એક જ વસ્તુ હતી અથવા એક જ વસ્તુ બની જાય છે (સ્વરૂપલય- One and the same entity) એમ નથી; પરંતુ બન્ને વસ્તુ વિશિષ્ટ- રસબસ ને સત્ય છે (Identical & real entities).

માટે રસબસ સ્થિતિને શ્રીજી સિદ્ધાંતમાં સ્થાન ન આપવું એ સ્વયં શ્રીજી રહસ્યને બાદ કરવા બરાબર છે. ખુદ શ્રીજીના એક વચનને સત્ય માનવું ને બીજાનો ઈન્કાર કરવો એ સ્વયં શ્રીજીવચનનો જ અનાદર કર્યા બરાબર છે. માટે બન્ને પ્રકારની ‘પ્રવેશ’ની વાસ્તવિક વ્યાખ્યાઓને પાત્ર પરત્વે ઘટાવી મુમુક્ષુએ સમન્વય કરવો એ જ શ્રેયસ્કર છે.

આવી રીતે આપણી શ્રુતિ-સ્મૃતિજન્ય આધુનિક માનીનતાઓનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો સ્થૂળ દૃષ્ટિને (સાધારણ સત્સંગીને) મોટો મતભેદ જણાશે, પરંતુ તે માનીનતા પાછળ સૂક્ષ્મ દૃષ્ટિને (એકાંતિક) માત્ર શ્રીજી કથિત સત્યનું જ દર્શન થશે અને સાથે સાથે આ વાતો તથા રહસ્ય પ્રદીપિકા ટીકાની યોગ્ય સમયે યોગ્ય જરૂરિયાત હતી અને તે સ્વયં શ્રીજીએ બાપાશ્રી દ્વારે પૂરી પાડી આપણા ઉપર અસીમ કૃપા કરી છે તેનીય સાક્ષાત્કાર ખાત્રી થશે.

આપણા આપ્તતમ અનુભવસિદ્ધ સદ્‌ગુરુઓએ પાત્રભેદ પરત્વે વિધ વિધ વિચારશ્રેણી-સાધન-ઉપાય-લટક-મંત્ર-માધ્યમ (medium) કે નાના પ્રકારની પ્રક્રિયાઓ બતાવી છે અને તે સઘળા રસ્તા ‘All roads lead to Rome’ પ્રમાણે એક શ્રીજીની પ્રાપ્તિમાં જ પર્યવસાન પામે છે. માટે એકાંતિક સત્સંગીને તો જ્યાં એક જ મંત્ર-એક જ દીક્ષા-એક જ શાસ્ત્ર-એક જ ઉપાસના-એક જ સંપ્રદાયમાં મતભેદ કે વિરોધ ન ભાસે એ તો સ્વાભાવિક છે; પરંતુ ઇતર સાંપ્રદાયિકો-અધ્યાત્મ પંથ પથિકોને ‘मम वर्त्मानुवर्त्तन्ते’ વત્ દેખે છે.

શ્રીજી ને સદ્‌ગુરુઓનું જ્ઞાન એક છે, વચનામૃત ને વાતોનું જ્ઞાન એક જ છે, એકબીજા સાથે સંપૂર્ણ રીતે મળતું છે; છતાં મુમુક્ષુની ગ્રહણશક્તિ, સમજણ ને શ્રદ્ધાની તારતમ્યતા પરત્વે અનેક ભેદ હોવાથી શબ્દ ને શબ્દાર્થને વળગી રહેનારા અભ્યાસશૂન્ય ચાલોચાલ સત્સંગીને મતભેદ ભાસે એ સ્વાભાવિક છે; પરંતુ એકાંતિક સત્સંગીને -પછી ભલે તે કોઈપણ અનાદિમુક્ત, ધામ કે તીર્થરૂપ સદ્‌ગુરુ, કોઈ પણ શ્રુતિ-સ્મૃતિ કે કોઈપણ મંડળવિશેષનો હોય- તેને તો શ્રીજી તથા સદ્‌ગુરુઓના જ્ઞાનમાં મતભેદ કે વિરોધ જેવું કશુંય ભાસતું નથી; કેમ કે તેણે તો બાપાશ્રી તથા સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીના જ્ઞાનનું રહસ્ય ચાખ્યું છે જે, “મોટાનાં વચનોની હારો (ગોઠવણી) કરવી.” સામ્ય વિચારોનું એકીકરણ કરવું અને બીજું બીજા માટે રહેવા દેવું એટલે બસ. આ શ્રીજીનું રહસ્ય. આ બાપાશ્રીનું રહસ્ય. આ વચનામૃત ને વાતોનું રહસ્ય. આ આપણી શુદ્ધ શ્રુતિ-સ્મૃતિઓનું રહસ્ય.

જેમ વિષયનો સ્થૂળ દેહે ત્યાગ કરવાથી વાસના કુંઠિત થાય છે, પરંતુ નિર્મૂળ તો ‘परं दृष्टवा निवर्तते’; તેમ સમન્વય કરવાથી પ્રમાણગત સંશય દૂર થાય છે, પરંતુ પ્રમેયગત સંશય તો નિદિધ્યાસ પ્રકર્ષથી જ થાય છે. કેવળ શાસ્ત્રજ્ઞાન વાચ્યાર્થ છે. वंदन-मुपासनं स्यात જ્ઞાન જ્યારે અંતર્દૃષ્ટ્યાત્મક શ્રીજીની તૈલધારાવત્ અવિચ્છિન્ન સ્મૃતિની પરાકાષ્ટાએ પહોંચે છે, ત્યારે स्मृति लम्भे सर्व ग्रंथीना विप्रमोक्षः તેની સઘળી ગ્રંથિઓ છેદાઈ જાય છે; પરિણામે લક્ષ્યાર્થ જ્ઞાન પ્રકટ થાય છે.

“બહાર વૃત્તિએ પ્રશ્ન-ઉત્તરમાં બધાં શાસ્ત્ર ભેળાં કરીએ તો પણ તેનો યથાર્થ ઉત્તર ન મળે. મહારાજને તથા મુક્તને અંતરમાં ધારીએ એટલે સર્વે ખુલાસા તરત થઈ જાય.”

-શ્રી અબજીબાપા

“અતિશય ઉપશમરૂપ સામર્થી પામ્યો હોય તે તો શાસ્ત્રના રહસ્યને પોતાની મેળે સમજે.” “વૃત્તિને અંતર સન્મુખ રાખે ત્યારે યથાર્થ જ્ઞાન થાય અને શાસ્ત્રનો અર્થ પણ યથાર્થ સૂઝે.”

– સદ્‌. ગોપાળાનંદ સ્વામી

“પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી”

– સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી

આવી રીતે એકાંતિક સત્સંગીને સાક્ષાત્ શ્રીજી તથા અનાદિમુક્તની પ્રાપ્તિ થવાથી બાપાશ્રી આદિ સર્વ સદ્‌ગુરુઓના જ્ઞાનમાં એક સરખો પ્રેમ ને આનંદ સ્વાભાવિક થઈ જાય છે. અવરભાવ-પરભાવ, સાધનદશા-સિદ્ધદશા, વસ્તુભેદ-દૃષ્ટિભેદનો વિવેક યથાર્થ સૂઝે છે. તેથી એ તો આશ્ચર્યપૂર્વક પૂછે કે વિરોધ ક્યાં છે?

भिद्यते हृदय ग्रंथीः छिद्यन्ते सर्वं संशयाः ।

क्षीयन्ते चास्य कार्माणि तस्मिन् दृष्टे परावरे ॥

બાપાશ્રીની વાતોની પ્રસ્તાવના લખવી એ તો સૂર્યને મધ્યાહ્નકાળે મશાલ વડે દેખાડવા બરાબર વ્યર્થ પ્રયત્ન ગણાય, પરંતુ સુજ્ઞ સત્સંગી આ બધું સત્સંગની વર્તમાન પરિસ્થિતિને આભારી જાણી, હંસ-ક્ષીર ન્યાયે યોગ્ય કરશે અને તેમાં જે કાંઈ ક્ષતિ કે ત્રુટિ જણાય તે લેખકની ગ્રહણ શક્તિને આભારી ગણી, પોતે પણ શ્રીજી તથા બાપાશ્રી વગેરે સદ્‌ગુરુઓના જ્ઞાનમાં સામ્ય વિચારો કયા કયા છે તે સત્સંગ સમક્ષ મૂકશે તો પછી બાકીના ખરાબાનો (મતભેદનો) નિકાલ કેમ કરવો તે અખિલ સત્સંગ સમાજ આપોઆપ સમજી શકશે. એ જ પ્રાર્થના સાથે વિરમું છું.

सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः ।

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात ॥

પ્રસિદ્ધકર્તાના

જય સ્વામિનારાયણ