(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૩) પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, “ગૃહસ્થ સત્સંગી હોય તેને ખરું કુટુંબ આ સત્સંગ જાણવો. તે વિના આ ગૃહસ્થનું કુટુંબ છે તે તો ખાડ કહેવાય. ખરું કુટુંબ અને ખરું ઘર એ તો સત્સંગ છે. કુસંગી દીકરો હોય તો તે પણ કુટુંબ ન કહેવાય. તેમ સગાંનું પણ જાણવું. બીજા દેહનાં સગાંથી આખું બ્રહ્માંડ ભર્યું છે તેનો કાંઈ પાર આવે તેમ નથી. એક બાપના દીકરા તે તો સત્સંગી જ કહેવાય. મહારાજ આપણા સર્વેના બાપ છે એમ જાણી કથા-વાર્તા કરી સુખિયા રહેવું. કથા-વાર્તા છે તે તો ધ્યાનમાં ને ભગવાનની મૂર્તિના સુખમાં પોષણ આપે છે.”

“સિદ્ધદશાવાળા તો મૂર્તિથી બહાર નીકળતા જ નથી. તેમને તો મહારાજનો અખંડ સંબંધ છે. માટે જેટલું ચલાય તેટલું ચાલવું; પણ મોટા મુક્ત સાથે મન બાંધવું તો અંત વખતે તે પૂરું કરી દે. મહારાજ અને મોટા મુક્ત રખવાળા છે તે જેમ સમુદ્ર ઊતરવો હોય તો વહાણને પ્રતાપે કરીને ઊતરાય, તેમ મહારાજ વિના મોક્ષ ન થાય. આંધળો હોય તેને દોરવો પડે તેની પેઠે મહારાજ અને મોટા મુક્ત જીવની બહુ રક્ષા કરે છે, નહિ તો જીવનો શો આધાર! આ ખજીનો બહુ મોટો છે તેનું જતન રાખનાર શ્રીજીમહારાજ અને મોટા મુક્ત છે, નહિ તો વિઘ્ન ઘણાં છે. બાળક હોય તે એમ જાણે કે મને વસ્તુ આપશે કે નહિ? પણ મા-બાપ તો તે માટે જ રાખે છે, તે કેમ ન આપે? તેમ મહારાજની મૂર્તિનું જે સુખ તે જેને ખરી ઉપાસના હાથ આવે તેને માટે એ વસ્તુ રાખી છે તે જરૂર આપશે જ.”

“આપણને બહુ મોટો લાભ મળ્યો. આ તો અલભ્ય લાભ. ક્યાં મહારાજ! અને ક્યાં મોટા મુક્ત! ને ક્યાં આપણ! તેનો ઓચિંતાનો સંબંધ થઈ ગયો. જેમ ઇંગ્રેજ ને ગરીબ હમેલિયો તેનો ઓચિંતાનો સંબંધ થઈ જાય તેની પેઠે આપણને મહારાજ તથા મોટાનો મેળાપ થઈ ગયો છે. શ્રીજીમહારાજના લાડીલા સ્વતંત્ર અનાદિ મહામુક્તને વિષે હેત, નિષ્ઠા અને અનન્યપણું થયું તેનું અધૂરું ન રહે. આપણું સુખ તો મહારાજ અને મોટા ભેગું કરી રાખે છે. પાત્ર વિના મહારાજનું સુખ જેમ છે તેમ આવે તો પોતે ભગવાન થઈ બેસે અથવા બીજાને ભગવાન કરી બેસાડે. જીવને ખરેખરી વસ્તુ દેખાય તો જીરવાય નહિ; માટે પાત્ર થઈને મૂર્તિના સુખની ત્વરા રાખવી, પણ પોતાપણું આવવા દેવું નહિ.”

“આ શબ્દ ને આવી વાતો અને આવો જોગ તે ક્યાંથી મળે! માટે અપચો થવા ન દેવો. પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલો હોય તેને આ સત્સંગ દિવ્ય ભાસે. જે મોટાનાં વચનમાં વર્તે છે તે શ્રીજીમહારાજનાં વચનમાં વર્તે છે. શ્રીજીમહારાજ અને મોટાના શબ્દ એક જ છે અને તે તો તેમના પડછંદા છે, એવી એકતા છે. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય જાણવું. માયિક દૃષ્ટિવાળાને માયિક ભાસે, પણ છે તો દિવ્ય. મોટા સંત પણ અહીં રહ્યા થકા બીજે દર્શન આપે છે ને તેમની સામર્થી છુપાવી રાખે છે. એમની કૃપામાં જે આવે તેને પણ મહારાજ અને મુક્ત વિના બીજું કાંઈ ભાસતું નથી. એવા મોટા મુક્તનો સંબંધ થયો તેને થોડાકમાં કામ થઈ જાય. મહારાજ ને મોટા મુક્ત કાંઈ છેટે નથી. બધો મુદ્દો આપણને હાથ આવ્યો છે.”

“મૂર્તિના તેજની સામર્થી ને સુખના ભોક્તાની આ દેહે કરીને ઉપમા દેવાય તેવી નથી. તેનો પાર પમાય નહિ. દિવ્ય દેહે પણ પાર પમાતો નથી; જેમ સમુદ્ર બાહુબળે કરીને તરાય નહિ તેમ. માટે ખરેખરા ખેલાડુ થઈ આવા મોટા મુક્તને ઓળખી, સમાગમ કરીને સુખ લઈ લેવું. એ સુખ વિના અંતર ટાઢું થાય તેવું નથી. શ્રીજીમહારાજની મૂર્તિનો મહિમા સમજાય તો સુખમાં દૃષ્ટિ પહોંચે અને તરત પાછું વળાય; નહિ તો મંદિર સર્વે સોનાનાં કરે તોય અંતર ટાઢું થાય નહિ; માટે પોતાનું પૂરું કરી લેવું. મહારાજના મુક્ત જેવા પ્રગટ જોઈએ તેવા સત્સંગમાં છે. તેમની સાથે મન, કર્મ, વચને જીવ જોડે તો તેને માયા પરાભવ ન કરે. લૂ વાતી હોય ને વરસાદ વરસે એટલે સર્વે ટાઢું થઈ જાય, એટલો તો માયિકનો પ્રતાપ છે; તો શ્રીજીમહારાજ જેના ભેળા અખંડ રહ્યા હોય તેને કોઈ જાતનો તાપ નડે નહિ તેમાં શું કહેવું? માટે ખરેખરા મોટા પુરુષ મળે તેમને ઓળખીને જોગ-સમાગમ કરે તો સર્વે કામ થઈ જાય.”

“આ તો બહુ જબરું સુખ અને જીવ નાનો તેથી જીરવી શકે નહિ. દેહ મૂકીને મહારાજ પાસે જઈએ ત્યારે આપણી કમાણીની ખબર પડે. મહારાજની મૂર્તિનું તેજ શીતળ, શાંત ને સુખરૂપ છે, તેમાં શ્રીજીમહારાજ અખંડ રહ્યા છે. ખરું સુખ તો એ મૂર્તિમાં જ છે. અત્યારે આપણને ખરેખરો વખત મળ્યો છે, પણ જીવ અનાદિનો નાદાન છે તેથી ભગવાન સન્મુખ થતો નથી. આપણો માર્ગ જુદો છે માટે બીજા કોઈની માનીનતા ન રાખવી અને પોતાને અપૂર્ણપણું ન માનવું. પૂર્ણપણું માનીને છકી પણ જાવું નહિ. કથા, વાર્તા ને મોટા મુક્તનો સમાગમ કર્યા કરવો. ‘મોટાની કૃપાએ હું તો મહારાજ સાથે જ છું, ક્યાંય જવું-આવવું નથી’, એમ જે સમજે તેને આત્યંતિક કલ્યાણ કહેવાય. મહારાજની મૂર્તિમાં મુક્ત સર્વે રહ્યા છે. તે પરસ્પર એકબીજાને કેવી રીતે ઓળખે છે? તો જેમ પુષ્પમાંથી સુગંધ આવે છે તે સુગંધી ભિન્ન ભિન્ન છે, તેથી જુદીજુદી જાતનાં પુષ્પની ખબર પડે છે તેમ.”

એમ વાત કરી સંતો તથા હરિભક્તોને બાપાશ્રીએ સાકરની પ્રસાદી વહેંચી.

તે સમે પુરાણી હરિપ્રસાદજીએ પૂછ્યું જે, “બાપા! આ પ્રસાદી જમનારને કેવી પ્રાપ્તિ થશે?

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અક્ષરધામમાં મહારાજની મૂર્તિના સુખની. આ પ્રસાદી મળવી અતિ દુર્લભ છે, આ સાકર તો અક્ષરધામની દિવ્ય વસ્તુ જાણવી. અને જ્ઞાનમાર્ગમાં તો એમ જે આ થકી આ, ને આ થકી આ, આ ખોટું, આ સાચું, એમ વર્ણન હોય; પણ અમને તો એક સાચી જણસ સ્વામિનારાયણની મૂર્તિ લાગે છે અને એ જ જ્ઞાન ખરું છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમનારાયણ શ્રીજીમહારાજ છે એ કારણ મૂર્તિ. તે મૂર્તિને જ્ઞાને સર્વે ખોટું કરી નાખવું એટલે થયું; કેમ કે આપણે એક મૂર્તિ જ પામવી છે. ખોટાને સાચું કોણ કહે? હજાર રૂપિયા હોય તેમાંથી ખોટા હોય તે જુદા કાઢી નાખો, પછી તેને સાચા કોણ કહે? આપણે તો સાચી વસ્તુ શ્રી સ્વામિનારાયણ તે રાખવા. દિવ્ય સ્વરૂપ મૂર્તિનું અને દિવ્ય સ્વરૂપ મુક્તનું, એ બેય સ્વરૂપ દિવ્ય છે. એમને જોગે કરીને સર્વે દિવ્ય થાય છે.”

“મહારાજ જય સચ્ચિદાનંદ કહે છે તે પોતાના મુક્તને કહે છે. જેમ આ લોકમાં કોઈ બીજાને ત્યાં જમવા જાય ત્યારે પોતાનાં ઘરનાંને તથા છોકરાંને સંભારે છે તેમ ‘જય સચ્ચિદાનંદ કહી મહારાજ પોતાને ઉતારે પધાર્યા’ એમાં તો પોતાની દિવ્ય સભાને સંભારી છે. એ સભા તો છે છે ને છે જ. સડેલાં હશે તે એક કોર પડ્યા રહેશે. મુક્ત, મુમુક્ષુ એ સર્વે મહારાજને આશરે છે. જ્યારે અનુભવજ્ઞાન ખરેખરું થાય ત્યારે મૂર્તિને ખેંચે.”

તે ઉપર મૂળજી અને કૃષ્ણજીનું દૃષ્ટાંત દીધું. “આ તો બહુ મોટી વાત છે, પણ આ લોકના ડહાપણે જીવને વિશ્વાસ આવતો નથી. માટે મહારાજ તથા મોટાનો વિશ્વાસ રાખે તો કામ થઈ જાય.” ।।૯૩।।