સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૧૩ને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રી નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનની ટૂંક બોલ્યા જે, “મે હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધી, કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને કોણ તાત, કોણ ભ્રાત ને કોણ ભગિની, બ્રહ્મ હમારી જાત.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! અમે હરિભક્તને ઘેર જઈએ છીએ ત્યારે હરિભક્તો કંઈક રમૂજો કરીને રાજી થાય છે. અમે તો એક મૂર્તિ સામે નજર રાખીએ છીએ. અમારે તો મહારાજના સિદ્ધાંત છે તે પ્રમાણે જીવનાં કલ્યાણ થાય તેમ કરવું છે તેથી જેમ તમે કહો તેમ કરીએ છીએ, હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ; પણ અમારે મૂર્તિનો ઠરાવ છે. અમે અહીં એટલા માટે આવ્યા છીએ. હસવું અને રમવું તેમાં રમતિયાળ થઈ જવાય અને તે રસિક માર્ગ છે. ગાવું, વગાડવું, કીર્તન બોલવાં તેમાં અંતર્વૃત્તિ હોય તો મૂર્તિ વિના કાંઈ દેખાય નહિ. જુવાની તો આવવા જ ન દેવી.”

સભા સામું જોઈને કહ્યું કે, “આ ઈશ્વરબાવો પાધરા જ વૃદ્ધ થઈ ગયા છે, એમ કરવું. રમતિયાળ ન થાવું.” પછી બોલ્યા જે, “જેમ મહારાજની પાઘના તોરામાં મધુકર ગુંજારવ કરે છે તે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે જે, ‘તોરા પાઘમાં રે તે પર મધુકર કરે ગુંજાર.’ તેમ મુક્ત મૂર્તિની ખુશબો લે છે. મૂર્તિ વિનાની ખુશબો કાર્ય છે. આપણે તો કારણને બાઝવું. કારણ જે મૂર્તિ તેની ખુશબો લેવી.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, “કાર્યથી કારણ મૂર્તિ રાજી થાય કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે તો કારણ જાણવું, કાર્ય ઉપર તાન ન રાખવું.”

‘તમે છો કારણના કારણ જીવન જાણું છું’ એમ કહીને કહ્યું જે, “સ્વામી! જુઓ આપણે સૌ માંડવીથી કરાંચી આવવા આગબોટમાં બેઠા તે અહીં આવ્યા ત્યારે કાંઠો દીઠો. અને બીજા તો આ જુએ, તે જુએ. મહાનુભાવાનંદ સ્વામી, લોકનાથાનંદ સ્વામી વાડીએથી નાહીને આવ્યા તેમને પૂછ્યું કે, ‘તમે ક્યાં નાહ્યા સ્વામી?’ તો કહે, ‘ક્યાં નાહ્યા તેની ખબર ન રહી.’ એમ મોટાના સિદ્ધાંત છે. મહારાજ અને મુક્ત એ બે વસ્તુ રાખ્યા જેવી છે. સ્વામી ભક્તિપ્રિયદાસજી પણ એમ કહેતા જે, ‘આપણે કાંઈ ન જાણીએ તો એમ જાણવું જે માંહી બાવો બેઠા છે.’ તે બાવો કિયા? તો મહારાજ પોતે. અમારા દેશમાં રાજાને બાવો કહે છે, પણ આ તો અનંત રાજાઓના રાજા માંહી બેઠા છે એમ જાણવું. તે ભગવાનને મૂકીને બીજે મન લોભાવા દેવું નહિ.”

“શ્રીજીમહારાજ કહે છે કે, ‘અમને વન, પર્વત, જંગલ બહુ ગમે છે. બીજા લોકમાં વૈભવ છે તે નથી ગમતા. તે વૈભવ દેખાય તો જાણવું જે એ તો દેખાડ્યા સારુ કર્યા છે.’ પણ જીવને મોહ થઈ જાય છે તે વિચાર રહે નહિ. સાણંદવાળા દરબારે અમને એમના વૈભવ દેખાડ્યા. પછી અમે કહ્યું જે, ‘આમાં શું જોવું છે?’ આપણે ઘોડા, રથ, પાલખી એવામાં શું? એમ જણાય. જગતના જીવને આવી વાતની ખબર ન પડે. રાજ્ય ને મોટાઈમાં કાંઈ સુખ છે? મહારાજ કહે, ‘અમારે મોટાઈવાળા સાથે બને નહિ, કેમ જે એમને રાજ્યનો અને ધનનો મદ હોય, ને આપણે ભક્તિનો મદ હોય; માટે કોઈ કહે ને નમી દે એવું કામ નથી.’”

પછી પોતાને લીંબડીના દરબારે બોલાવ્યા તેની વાત કરી જે, “રાજાના દીવાન ડાહ્યા ને વિવેકી સારા તે બહુ જ સરભરા કરી. સંતોને તથા અમને જમાડ્યા, ઘેર તેડી ગયા, બંગલે લઈ ગયા. એમનો ઓરડો હતો તેમાં મોટાં મોટાં ચિત્ર રાખેલાં હતાં. તેમને ડહાપણ ખરું તેથી સંતો આગળ પ્રાર્થના કરી જે, ‘મારા ઉપર રાજી રહેજો.’ તેથી સંતો રાજી થયા અને અમે પણ રાજી થયા. એમના કુંવરને માથામાં ચકરી આવતી હતી, તેને સંતોએ અને અમે આશીર્વાદ દીધો જે મહારાજ સારું કરશે. તેથી તે બહુ રાજી થયા.”

પછી સ્વામીશ્રીએ એમ કહ્યું જે, “બાપા! દીવાન ઝવેરભાઈએ આપશ્રીને બહુ રાજી કર્યા છે તે હવે તેમને કેવી પ્રાપ્તિ થશે?”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે તેમને ઠેઠ પહોંચાડવા છે. આપણે તો કોઈ દિવસ બીજો સંકલ્પ ન કરવો ને વૃથા બોલવું નહિ. અમારે તો એવો સિદ્ધાંત છે જે અધમ જેવા જીવ હોય તેને પણ મૂર્તિમાં મૂકી દેવા છે. તોય જીવ જડ-ચૈતન્ય માયાને આધીન થઈ જાય છે એટલે શું કરીએ! અક્ષરધામમાં મહારાજ અને મુક્ત બે જ છે, બીજાં સ્થાનમાં કાંઈ ને કાંઈ હોય, પણ ત્યાં બીજું કાંઈ ન મળે.”

પછી સાંવલદાસભાઈએ પૂછ્યું જે, “આપણા શાસ્ત્રમાં એમ લખ્યું છે જે સંત પ્રથમ મળે તો સંતથી મહિમા સમજાય અને ભગવાન મળે તો ભગવાનથી મહિમા સમજાય, પણ અનાદિનું બધુંય ભેગું હોય તેનું કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો સદાય ભેગા છે એ ક્યાં નોખા પડે છે! અમારે ગૃહસ્થ જુવાર વાવે તો કણસલામાં જુવાર આવે તે બધી જુવાર. એમ મહારાજ ને અનાદિ ભેળા જ છે, પણ જીવને અનાદિની હા ન પડે. પુરાણી કહેવાતા હોય, શાસ્ત્રી કહેવાતા હોય તેવા પણ જીવ, ઈશ્વર, માયા વગેરેને અનાદિ કહે અને જ્યાં અનાદિમુક્તની વાત થાય ત્યારે ‘આ નવો માર્ગ કાઢ્યો’ એમ બોલે. પાંચ ભેદ અનાદિ કહે તો રાજી થાય, પણ મુક્તને અનાદિ કહે તો મૂંઝાય; એવું ન કરવું.”

એમ કહીને પુરાણી ધર્મકિશોરદાસજીને કહ્યું કે, “તમે આવું ભણતા હો તો!” પછી લાલુભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને બોલ્યા જે, “આ કોઈ જૂના આવ્યા લાગે છે.” ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, “બાપા! એ વિશ્વાસી છે. મોટાને ને મહારાજને રાજી કરતાં એમને બહુ આવડે છે.”

પછી એમ વાત કરી જે, “અમારે ત્યાં બે સાધુ દર્શને આવેલા તેનો કોઈકે મહિમા જાણ્યો અને કોઈકે કાંઈ કીધું, પણ તે સંતો કહે કે, ‘આપણે તો ભારે જોગ થયો.’ એમ નાના-મોટાનાં અંગ હોય. સહુ પોતાની ગતિ પ્રમાણે લાભ લઈ જાય. નાના હોય ને સુખ લેતાં આવડે અને મોટા કહેવાતા હોય તોય ન આવડે તે બધું સમજણમાં રહ્યું છે.”

‘પંડે છોટો રે મોટા મેંગળને મારે’ એમ કહી પુરાણીને હાર પહેરાવ્યો ને બોલ્યા જે, “લ્યો! કારણ લ્યો! આમાં કારણ છે. તમે જાઓ સભામાં કથા મચાવો. અમે હમણાં આવીએ છીએ.” ।।૯૧।।