સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૯ને રોજ બપોરે શેદલાના કાનજીભાઈએ પૂછ્યું જે, “શ્રી ગોપાળાનંદ સ્વામી ચમત્કાર જણાવતા તેમ આજ મુક્ત કેમ નહિ જણાવતા હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ મોટા જો ચમત્કાર જણાવે તો મહારાજને મૂકીને મોટાને વિષે ચોંટે, ને કહ્યું પણ માને નહિ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ એવું પ્રકરણ રાખ્યું હતું તેમાં કેટલાક નીકળી ગયા ને કેટલાક અવળું સમજીને વાંસે અંધપરંપરા ચલવે છે. માટે એવું થાય તો બગાડ ઘણો થાય. તેથી મોટા ચમત્કાર જણાવતા નથી. કોઈકને ચમત્કાર કે ઐશ્વર્ય જણાવે કે આપે તે તો જેમ બાળકને રમકડું આપે તે રાજી થાય, પણ તેણે કરીને ભૂખ ભાંગે નહિ ને બળિયું પણ થાય નહિ. ચમત્કાર-ઐશ્વર્ય પણ તેવાં છે. દેખીને રાજી થવાય, પણ કલ્યાણ થાય નહિ. માટે તેને જોવા કે પામવા ઇચ્છવું નહિ.” ।।૧૭।।