(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૮) બપોરે મંદિરની ઓસરી પર બાપાશ્રી પાટ ઉપર બેઠા હતા, ત્યાં સંત-હરિભક્તો આવીને બેઠા.

તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, “મોટા મુક્ત પાંચસો ગાઉ છેટે રહેતા હોય કે હજાર ગાઉ છેટે રહેતા હોય અને બહુ હેતવાળા હરિભક્ત મૂંઝાય ત્યારે તેને દર્શન દઈને વચન કહે કે, ‘તમે મૂંઝાશો મા, આપણે ભેળા છીએ’; તો તેને આવરણ ટળી જાય. એમ મોટાનાં વચન સદા સત્ય છે. અને જ્યારે કામ-ક્રોધાદિક સંકલ્પ થાય તથા બીજા મલિન ઘાટ થાય તેને પોતાના સ્વરૂપના વિચારે કરીને, મહારાજ તથા મોટાના મહિમાના બળે કરીને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ એવાં નામના ઉચ્ચારે કરીને તથા મોટા સદ્‌ગુરુનાં નામ લઈને ટાળી નાખવા. પછી એ દોષ, સંકલ્પ, ઘાટ તેને વારંવાર સંભારવા નહિ. એક મૂર્તિ જ સંભારવી. આપણે અક્ષરધામ સુધી વર્ણન કરીને રહેવા દઈએ, પણ જો તેમાં શ્રીજીમહારાજનો શબ્દ આવે નહિ તો તે વર્ણન શું કામનું! માટે જે જે વર્ણનમાં અને બીજા પણ તેવા તેવા પ્રસંગમાં સર્વ વાતે, સર્વ શબ્દે સર્વ સંબંધ શ્રીજીમહારાજની મૂર્તિને લગાડવો એ ઉત્તમ ભક્તનું લક્ષણ છે.”

પછી માથકવાળા અમીચંદભાઈએ પૂછ્યું જે, “બાપા! પરોક્ષ જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને યથાર્થપણે ભજનારા ભક્ત તે શ્રીજીમહારાજને જાણતા કે ઓળખતા ન હોય તેથી પ્રતીતિ પણ ન આવે તેનો મોક્ષ થાય કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી પરોક્ષ અવતારોના ભક્તોને એ અવતારોથી તેડવા આવી શકાય નહિ. તેમને તો શ્રીજીમહારાજ સત્સંગમાં જન્મ ધરાવીને પોતાની ઉપાસના સમજાવી અક્ષરધામમાં લઈ જાય. તે સદ્‌. નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે, ‘બંધ કીધાં બીજાં બારણાં રે, વહેતી કીધી અક્ષરવાટ; પુરુષોત્તમ પ્રગટી રે.’ આમ શ્રીજીમહારાજે આ સમે આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામનાં બારણાં ઉઘાડાં મેલ્યાં છે, પણ આ લોકમાં મહારાજને રાજી કરવામાં આવરણ ઘણાં છે– નાત-જાતનાં, કુટુંબનાં, સગાં-સંબંધીનાં. એ આવરણને તો જીવ બળિયો થાય તો ન ગણે; પણ પૃથ્વીનાં, જળનાં, તેજનાં, વાયુ અને આકાશ આદિકનાં આવરણ ભેદવાં બહુ કઠણ છે.”

ત્યારે ઠાકરસીભાઈએ પૂછ્યું જે, “બાપા! એ આવરણ કેમ ભેદાય?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજ ને તેમના મોટા મુક્ત જેને પ્રત્યક્ષ મળ્યા તેને એ આવરણ તથા બીજાં અક્ષરકોટિ સુધીનાં તમામ આવરણ ભેદાઈ ગયાં એમ જાણવું. આવી વાત પોતાની બુદ્ધિબળે સમજવી બહુ કઠણ છે, પણ મહારાજ તથા મોટા મુક્ત મળે તેને કાંઈ કઠણ નથી. તે પ્રત્યક્ષ દૃષ્ટિગોચર હોય કે પ્રતિમા રૂપે દર્શન દેતા હોય અને આપણને કોઈ વાતની મૂંઝવણ થઈ હોય ને તેમને સંભારીએ તો તરત દર્શન દઈ મૂંઝવણ ટાળી નાખે; અથવા મનમાં કોઈક શંકા ઉત્પન્ન થઈ હોય તે વખતે તેમને હેતે સહિત સંભારીએ તો તે શંકા પણ ટાળી નાખે, ત્યારે એમ જાણવું જે મહારાજ તથા મોટાએ મારી એ શંકા ટાળી. એમ સદાય તે તો પોતાના આશ્રિતની રક્ષામાં જ છે.”

“મહારાજના મોટા અનાદિમુક્ત સર્વે વાતને હસ્તામળ જાણે છે. એવા મોટાને જીવના અનંત જન્મની ખબર છે તેથી એ કોઈને અવળું પડે તેમ કહે કે કરે નહિ; પણ કદાચ કાંઈ કહ્યું ને આપણે જાણીએ કે મારે વિષે તો આવું કાંઈ નથી તો એ બીજા જન્મનું હશે એમ જાણીને મોટા મુક્તનું વચન સત્ય માનવું, પણ તેમાં તર્ક કરવો નહિ ને મૂંઝાવું પણ નહિ. એવા મોટા મુક્ત મનુષ્ય જેવા દેખાય છે, પણ મનુષ્ય જેવા ન જાણવા. એ તો સદાય દિવ્ય જ છે. ‘નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ’ એમ એ તો સદા દિવ્ય મૂર્તિ છે. અને ‘શ્રીજીમહારાજના સંબંધને પામ્યાં જે વસ્ત્ર, વાહન, પરિચર્યાના કરનારા સેવક, ખાન-પાન સર્વે દિવ્ય છે’ એમ મહારાજે વચનામૃતમાં લખ્યું છે તેથી એમને વિષે ક્યારેય મનુષ્યભાવ લાવવો નહિ.”

પછી માસ્તર મોહનલાલે પૂછ્યું જે, “બાપા! પરમાર્થ તે શું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવને અવળે રસ્તેથી પાછો વાળીને શ્રીજીમહારાજને વિષે અને મોટા મુક્તને વિષે જોડવો તે તથા તેમનો સ્પર્શ, યોગ, સમાગમ કરાવવો એ ખરો પરમાર્થ કર્યો કહેવાય.”

પછી બાપાશ્રી મેડા ઉપર આસને પધાર્યા ત્યાં છેલ્લા પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં બાઈઓએ હરિભક્તનું માહાત્મ્ય ઝાઝું સમજવું નહિ, તેમ હરિભક્તોએ બાઈઓનું માહાત્મ્ય ઝાઝું સમજવું નહિ; પણ સમપણે સમજવું. જો એમ ન સમજે તો એમાંથી મોટું વિઘ્ન થાય એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાનના ભક્ત પુરુષો ને બાઈઓ તેમનો પરસ્પર પ્રસંગ બહુધા રાખવો નહિ તથા તેમની પાસેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહિ. પોતાને વિકાર ન ઊપજતો હોય ને દેહભાવ ન હોય અને કદાપિ કોઈ વાત સંભળાય તોપણ પોતાના મનનો તપાસ પોતાને જ કરવાનો છે; કેમ કે એ રસિક માર્ગ છે. તે માટે વિચાર રાખવો અને મહારાજની આજ્ઞામાં ખબડદાર રહેવું ને મહારાજને એક પળ માત્ર પણ વિસારવા નહિ.”

તે ઉપર વાત કરી જે, “જેમ અસવાર ઘોડીને કુંડાળે નાખે છે તે ઘોડી કુંડાળે પડે, પણ અસવાર મૂકીને જાતી નથી. તેમ ભગવાનના ભક્તને અનેક પ્રકારની વ્યાવહારિક ક્રિયાઓ, તથા ભક્તિમાર્ગની ક્રિયાઓ ભગવાનને ભૂલીને કરવી નહિ.”

“મહારાજ તથા તેમના અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો, કેમ જે એમનું પ્રગટપણું અનંત જીવોના કલ્યાણને અર્થે છે. એવા મુક્તને જન્મ ધરવો અને દેહત્યાગ કરવો એ કેવું છે? તો ફક્ત અજ્ઞાનીને મોહે કરીને દેખાવા માત્ર જ છે. મહારાજની મૂર્તિમાં મોટા અનાદિને રસબસભાવે રહેવાપણું છે તે તો અતિ અલૌકિક વાત છે. તે દૃષ્ટાંતે કરીને શું સમજાવાય! એ તો જેમ છે તેમ ને તેમ છે, પણ દેખાવા માત્ર આવ્યા-ગયાપણું છે એમ જાણવું. બીજું કાંઈ મોટાના મહિમામાં સમજતા ન હોઈએ તો છેવટ એટલું સમજીએ કે બધો સત્સંગ માનતો હશે ત્યારે કાંઈક હશે ખરું. એવા મોટાનાં દર્શન કર્યાં હોય અને તેમનું નામ સાંભળીને પછી તે સંભારવા માંડે તોય તે સર્વે પાપ થકી મુકાઈને બળિયો થાય છે. તેની મહારાજ અને મોટા ખબર રાખે છે એમ જાણવું.” ।।૬૮।।