એક વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીને આંખમાં રોગ હતો તે પીડા બહુ થતી હતી ને કાંઈ ગરમ વસ્તુ ખવાતી નહિ ને વંચાય પણ નહિ. પછી બાપાશ્રીએ કહ્યું જે, “આંખોનો રોગ મટી જશે ને જે મળે તે સર્વે જમજો. તમને નડશે નહિ.” વળી એક વખત સ્વામીને કેડમાં આંટી પડી હતી તે બેઠું રહેવાતું નહોતું તેથી સૂઈ રહ્યા હતા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “સભામાં તો બેઠા રહેવું જોઈએ.” પછી સ્વામીએ કહ્યું જે, “કાંઈક ભાર ઉપાડવાથી કેડે આંટી પડી ગઈ છે તેથી બેઠું રહેવાતું નથી ને સૂઈ રહેવું પડે છે.” પછી તેમનું કાંડુ ઝાલીને બોલ્યા જે, “બેઠા થાઓ.” એટલે તરત આંટી છૂટી ગઈ ને પીડા ટળી ગઈ.

વળી એક સમયે મુળી જતાં સ્વામીને રેલમાં બહુ શૂળ આવતું હતું તે ખમાયું નહિ, ત્યારે બાપાશ્રીને કહ્યું જે, “શૂળ ખમાતું નથી.” પછી તેમણે હાથ ફેરવ્યો એટલે મટી ગયું. ।।૩૬।।