સંવત ૧૯૪૪ની સાલમાં અનાદિ મુક્તરાજ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી મુળીમાં ચાતુર્માસ કરવા રહ્યા હતા. ત્યાં બાપાશ્રી તથા કુંવરજી પટેલ આદિ ઘણા હરિભક્તો આવેલા હતા. એક દિવસે બપોરના ત્રણ વાગે જ્યાં સ્વામીને નાહવા માટે ચોકડી કરી છે ત્યાં સ્વામીશ્રી તથા બાપાશ્રી શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા હતા. તે વખતે પુરાણી શ્રીકૃષ્ણદાસજી તથા માળિયા ઠાકોર મોડજી દરબાર પાસે બેઠા હતા.

તે વખતે સ્વામી નિર્ગુણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, “અહીં બેઠા થકા જીવને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દે એવા કોઈ અત્યારે હશે?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા. ત્યાગીમાં તો મારી પાસે બેઠા છે તે અને ગૃહસ્થમાં તમારી પાસે બેઠા છે તે છે.” એમ મર્મવચનથી દિવ્યભાવ જણાવ્યો. ।।૨।।