ભુજના સાધુ રામચરણદાસજી (વૃષપુરવાળા)ને ભુજની સભામાં અષાઢ વદ-૧૦ને રોજ શ્રીજીમહારાજનાં દર્શન થયાં. તે દિવ્ય તેજોમય અને ચારેકોર અનંત કોટિ મુક્તો પ્રાર્થના કરતા એવાં ઝળઝળાટ તેજમાં દર્શન થયાં અને ચરણારવિંદમાં સોળ ચિહ્ન જોયાં અને પડખે એવા જ તેજોમય બાપાશ્રીને દેખ્યા. પછી તેમણે પૂછ્યું જે, “હે બાપા! તમે તો અપાર તેજોમય છો.” તે સાંભળી બાપાશ્રી કહે, “અમે તો સદાય દિવ્ય તેજોમય છીએ.” પછી તે સંત શિખરમાં મૂર્તિઓનાં દર્શન કરવા ઊઠ્યા તે સુખસજ્જામાં શ્રીજીમહારાજની મૂર્તિ પાસે પણ બાપાશ્રીનાં દિવ્ય તેજોમય દર્શન થયાં અને સર્વે અંગોઅંગમાં દિવ્ય તેજની શેડો છૂટે અને મોતી જડ્યાં હોય તેમ ભાસ્યું; એવું અતિ અલૌકિક તેમને દર્શન થયું. ।।૧૦૮।।