(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૩) સાંજે સભામાં કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી બોલ્યા જે, “આ તો પ્રત્યક્ષ પુરુષોત્તમની સભા છે અને મોટા અનાદિના સંકલ્પ ચાલે છે. તે હજારો રૂપે થઈને હજારો જીવને અક્ષરધામમાં મૂકી આવે છે. એવા અનાદિમુક્ત જ્યાં રહેતા હોય ત્યાં જીવને અપરંપાર લાભ થાય છે. એવા અનાદિમુક્ત આ રહ્યા. અમે ખોટું કહેતા હોઈએ તો અમને પાપ છે.” એમ ત્રણ વખત કહ્યું.

પછી હીરાભાઈએ કહ્યું જે, “બાપા! આવા મોટાને ઓળખે તેને કેવો લાભ થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઓળખે છે કોણ? જો ઓળખે તો તેને અમારા જેવા કરીએ. જેને વેદ નેતિ નેતિ કહી ગાય છે ને જે વસ્તુ પામવી છે તે આ ટાણે છે. શ્રીજીમહારાજ વિના બીજું જોવાની ઇચ્છા રહે તો મોટી ખોટ કહેવાય અને નાસ્તિકભાવ કહેવાય માટે બીજે જોવાનું કાંઈ બાકી નથી.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “સિદ્ધદશામાં મુક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણ રહેતા હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સિદ્ધદશામાં બીજા ગુણ કહેવાય નહિ. સિદ્ધદશામાં તો એકલું અનુભવજ્ઞાન રહે છે. તે અનુભવજ્ઞાનની વાત જબરી છે. મહારાજની મૂર્તિમાં ને મહારાજના સુખમાં અપારપણું રહે એ અનુભવજ્ઞાન કહેવાય. મૂર્તિના સુખનું, અનંત મુક્તનું, અને અક્ષરધામનું એ સર્વનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે. જેમ આ લોકમાં માયિક પદાર્થનું જ્ઞાન અહીંના જ્ઞાનથી થાય છે તેમ પરભાવમાં મૂર્તિ, મુક્ત, ધામ, સુખ એ સર્વનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે.”

“સૌના કારણ શ્રીજીમહારાજ છે. એ મૂર્તિને ખરેખર તેજોમય સમજવી. મનુષ્યભાવ કે પ્રતિમાભાવ એ મૂર્તિમાં નથી. દિવ્ય મૂર્તિ છે. જળસ્‌ જળસ્‌ તેજ છૂટે છે; અતિ તેજોમય છે. માટે એને વિષે મનુષ્યભાવ-પ્રતિમાભાવ ન સમજવો. આ સભા પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણની છે તેમાં બેઠા છો. આ સભામાં બેસવાનું ક્યાંથી મળે! જોગ ખરેખરો છે. આ જોગમાં પડી રહે તો કામ થઈ જાય, માટે જોગ કરીને મૂર્તિમાં જોડાવું. તે જેમ વૃક્ષ સાથે છાલ વળગી છે તેમ મુક્ત મૂર્તિમાં વળગ્યા છે. અનાદિ જેમ વૃક્ષમાં રસ વ્યાપી રહ્યો છે તેમ મૂર્તિમાં જોડાઈ ગયા છે. તેવી રીતે આપણે મૂર્તિમાં જોડાવું. મોટાનો જોગ કરવાથી તેવું થવાય છે. મોટાના જોગ વિના તેવી પ્રાપ્તિ થાય નહિ. આ સભામાં અનાદિમુક્ત અને મહારાજ બિરાજે છે, ઝળળળ ઝળળળ તેજ ઝળકે છે, સૌ સંત જોઈને રાજી થાય છે, હસે છે, એ મહારાજ વિના આવો આનંદ હોય નહિ. પણ જીવને નાસ્તિક ભાવ છે તેથી આવી મોટી વાત સમજાય નહિ. આ સભા અક્ષરધામની છે, દિવ્ય છે, અખંડ છે, અનાદિ છે. પૂર્વે શુકદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા તો આ સંત વૃક્ષમાં રહીને બોલે કે ન બોલે?”

એમ કહીને બોલ્યા જે, “વૃક્ષમાં રહીને બોલે તેમાં શું? આ સંત તો અક્ષરપર્યંત સર્વમાં બોલે ને જ્ઞાને કરીને મહારાજ વિના સર્વને ખોટા કરી દે. સંતો! તમે તો મહારાજ સન્મુખ જબરા વેગવાળા છો, પણ તમને તમારા બળની ખબર નથી. તમારા તો સંકલ્પ ચાલે છે. આ લોકમાં ચક્રવર્તી રાજા ખંડિયા રાજાને કાંઈ પોતાનું બધું આપી દેતા નથી અને મહારાજ તો પોતાનું બધુંય સુખ આપી દે છે, એવા દયાળુ છે; માટે સર્વકર્તા એક શ્રીજીમહારાજ જ છે. મહારાજ વિના કાળ, કર્મ, માયા, દેવ, મંત્ર, ઔષધિ એ આદિક કોઈને કર્તા ન જાણવા. મહારાજ વિના કોઈથી તૃણ તૂટવા સમર્થ નથી. ‘મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય.’”

ત્યારે સાધુ હરિજીવનદાસજીએ પૂછ્યું જે, “અવળી ક્રિયા કોણ કરાવતું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નબળી ક્રિયામાં મહારાજ ભળે નહિ. મહારાજ તો જે શુદ્ધ પાત્ર હોય તેના ભેળા રહે ને સારી ક્રિયા કરાવે. પાત્ર ન હોય તેના ભેળા રહીને મહારાજ ક્રિયા ન કરે; તેમાં તો માયા રહીને તેના સ્વભાવ પ્રમાણે કરાવે તે મહારાજે કર્યું ન જાણવું.”

પછી મધ્ય પ્રકરણનું ૨૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં સમાધિની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સમાધિની વાત જબરી નહિ, મહારાજના સ્વરૂપનો પરિપક્વ નિશ્ચય જોઈએ. નિશ્ચયની વાત જબરી બહુ. નિશ્ચયવાળો ભક્ત હોય તે ત્રિવિધના તાપમાં ક્યાંય લેવાય નહિ. સો કાળ સામટા પડે અને અન્ન ખાવા ન મળે અથવા રાજાના માણસો કહે, ‘ચાલો, પકડો, બાંધો’ અને બાંધીને મારવા માંડે જે હમણાં પ્રાણ જતા રહેશે; એવાં ત્રિવિધ તાપનાં દુઃખ આવી પડે તોપણ એમ સમજે જે, ‘મહારાજની મરજી વિના કોઈ કર્તા નથી.’ દેહ પડવાનો થાય ત્યારે આનંદ થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. દેહ પડવાનો થાય ત્યારે જાણે જે, ‘બધા રહ્યા ને મારે જાવું પડશે’; એમ ન જાણે અને એમ જાણે જે, ‘ક્યાં જાવું છે? ધામમાં, ખરે ઘેર મહારાજ પાસે જવું છે.’ એમ જાણીને રાજી થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. જો મહારાજ તથા મોટાને પોતાની મરજી પ્રમાણે કરાવે તો અપરાધ થાય અને મોટી ખોટ આવે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મોટા અનાદિ મળ્યા પછી શું કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં રસબસ થઈને આનંદના સમુદ્રમાં ઝીલવું. તે મૂર્તિનું સુખ યથાર્થ જણાય તો માયિક સુખ સર્વે ખારાં થઈ જાય છે અને જો માયિક સુખ સારું લાગે તો દુખિયો થઈ જાય છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પ્રથમ પ્રકરણના ૭૮મા વચનામૃતમાં નિર્મળાનંદ સ્વામીના પ્રશ્નમાં રામકૃષ્ણાદિક અવતારનો મહિમા વિચારવાનું કહ્યું છે તે અવતાર અન્વય સ્વરૂપના સમજવા કે વ્યતિરેક સ્વરૂપના સમજવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ વચનામૃતમાં કહ્યું છે તે રામકૃષ્ણાદિક તથા અક્ષરાદિક અન્વય સ્વરૂપના અવતાર છે અને મહારાજની ઇચ્છાએ અનાદિ તથા પરમ એકાંતિક મુક્ત આવ્યા હોય તે વ્યતિરેક સ્વરૂપના અવતાર સમજવા.”

“શ્રીજીમહારાજે આત્યંતિક કલ્યાણ વર્તમાન કાળે અનાદિમુક્ત દ્વારાએ સુગમ કર્યું છે. શ્રીજીમહારાજના આશ્રિતને વચનામૃત, ભક્તચિંતામણિ જેવા ગ્રંથ એ જ પોતાને કલ્યાણકારી શાસ્ત્ર સમજવાં. એ વિના શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજવામાં પરોક્ષ શાસ્ત્ર એકે કામ ન આવે. સીતાજીને વચને રામાયણ થઈ અને દ્રૌપદીને વચને ભારત થયું. તેવાં શાસ્ત્ર કોઈ મહારાજ સુધી પહોંચે નહિ. મહારાજનો મહિમા તો મહારાજના મુક્ત જ વર્ણવે, આપણે તો એ જ શાસ્ત્ર મોક્ષનાં છે. વેદ વૈરાજ સુધી પહોંચે છે. પ્રકૃતિપુરુષનું ઐશ્વર્ય વૈરાજમાં આવ્યું છે. તે વૈરાજ દ્વારે પ્રકૃતિપુરુષનું ઐશ્વર્ય વેદ વર્ણવે છે. બીજાં શાસ્ત્ર તો પ્રકૃતિપુરુષ સુધી પહોંચે, પણ મહારાજ સુધી કોઈ એ શાસ્ત્ર પહોંચે નહિ. ક્યાં હાથી! અને ક્યાં વાંદરું! તેમ ભગવાનની કેવી મોટાઈ! તોપણ દયા કરીને જીવ સાથે જોડ કરે છે.”

આપણે તો મૂર્તિ અને મુક્ત અખંડ સંભારવા. મૂર્તિ હોય તો ઘેર જાણવો અને ન હોય તો બહાર કહેવાય. અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, ઈશ્વરકોટિ, માયાકોટિ ને જીવકોટિ આદિને ન સંભારવા; એને તો ભૂલી જ જાવું. તેલધારા મૂર્તિમાં વૃત્તિ રાખવી. અખંડ વૃત્તિ બહુ કામ કરે છે. માળા ફેરવામાં, માનસી પૂજા કરવામાં ઉપશમ થઈ સંલગ્ન મૂર્તિમાં જોડાઈ જવાય તેમ કરવું. મૂર્તિની સ્મૃતિ રાખવી. કીર્તન, કથા-વાર્તાની કકડાટી વગાડવી, પણ આડા-અવળા બેસી ન રહેવું. મહારાજની આજ્ઞામાં ખરા ખબડદાર થઈને વર્તવું. ત્યાગીને પંચવર્તમાન કહ્યા છે અને ગૃહસ્થને અગિયાર નિયમ કહ્યા છે તેમાં ફેર પડે તો પ્રાયશ્ચિત્ત કરવું. જો ન કરે તો જીવ ચટણો થઈ જાય. એકવાર કરે, બેવાર કરે, એમ કરતાં કરતાં જીવ ભ્રષ્ટ થઈ જાય. માટે આજ્ઞામાં બરાબર વર્તવું.”

પછી પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, “મહારાજની આજ્ઞા પ્રમાણે પાંચ વર્તમાન તથા અગિયાર નિયમમાં રહ્યો હોય અને ઉપાસના પરિપક્વ હોય, પણ તેને ત્યાગ-વૈરાગ્ય તથા ધ્યાન કરવા આદિકમાં મંદ શ્રદ્ધા હોય, પણ મોટાનો દૃઢ વિશ્વાસ હોય તો તેનું મોટા પૂરું કરે કે ન કરે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાનો વિશ્વાસ હોય અને ઉપાસના પરિપક્વ હોય ને બીજી વાતમાં કાંઈક કસર હોય તોપણ તેનું આત્યંતિક કલ્યાણ મોટા કૃપાસાધ્ય છે માટે કરે.”

“પ્રથમ પ્રકરણના ૨૭મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘એવો ભગવાનનો ભક્ત અનંત ઐશ્વર્યને પામે.’ તે ઐશ્વર્ય તે શું? તો મૂર્તિનાં નાના પ્રકારનાં સુખ, તેને પામે છે. એ વચનામૃતમાં કહ્યું છે જે, ‘એવા ભક્તના નેત્રમાં ભગવાન જોનારા છે, પગમાં ચાલનારા ભગવાન છે.’ એ સાધનદશામાં એકાંતિકની સ્થિતિ કહી છે અને જે અક્ષરધામમાં શ્રીજીમહારાજની સન્મુખ સિદ્ધ મુક્ત રહ્યા છે તેને તો એક મહારાજ જ છે.”

પછી હીરાભાઈએ પૂછ્યું જે, “અક્ષરધામમાં આથમણું-ઊગમણું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાધનકાળમાં છે. સિદ્ધકાળમાં તો મહારાજ અને મુક્તને દિવસ-રાત્રિ નથી, આથમણું-ઊગમણું નથી. પૂરો વિશ્વાસ હોય તો તત્કાળ પૂરું થઈ જાય અને દિવ્યભાવ આવે. આ સભા પુરુષોત્તમ ભગવાન અને અનાદિમુક્તની છે. મહારાજ અખંડ બિરાજે છે; પણ મનાય નહિ એ નાસ્તિકભાવ છે. વિશ્વાસ હોય તો મોટા પૂરું કરી દે; માટે વિશ્વાસ જોઈએ. આ પિંડનું આવરણ મોટું છે, એ ટળી જાય તો મહારાજ અને સભા પ્રત્યક્ષ છે. જેમ આંખને પડળ હોય તે દેખે નહિ, પડળ ઊતરે એટલે દેખાય છે.”

તે ઉપર ગોવિંદપ્રિયદાસજીની વાત કરી જે, “તેને પડળ ઊતર્યાં એટલે તુરત દેખાણું. તેમ માયાનું આવરણ મોટા ટાળી નાખે ત્યારે સભા, મૂર્તિ સર્વે દેખાઈ જાય; પણ આવવું-જવું ક્યાંય નથી. માટે મોટાનો પરિપક્વ નિશ્ચય કરવો. વચનામૃતમાં પણ મહારાજે એમ કહ્યું છે જે, ‘આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ દેખાતું નથી.’ તે સ્થિતિની વાત છે. એવી સ્થિતિ થાય તેને મૂર્તિ વિના કાંઈ દેખાતું નથી. અક્ષરધામ વિના અણુમાત્ર ખાલી નથી.”

“મહારાજે કહ્યું જે, ‘મૃત્યુ સમે એક ઘડી આડી હોય, ત્યારે પણ નિર્વાસનિક થઈ મૂર્તિમાં જોડાય તો કસર ટળી જાય છે.’ તે અંત સમે તો મોઢું ફાટ્યું રહે, આંખ્યો ફાટી રહે, ત્યારે મૂર્તિમાં ક્યાંથી જોડાવાય? પણ જો આવા મોટા અનાદિને વિષે દિવ્યભાવ હોય, વિશ્વાસ હોય, હેત હોય અને આજ્ઞામાં રહ્યો હોય તો મોટા કૃપાસાધ્ય છે તે કૃપા કરીને કસર ટાળી નાખે છે અને અનાદિમુક્ત જેવું અનુભવજ્ઞાન આપે છે, અનંત કોટિ મુક્તને મેળાવે છે અને અનંત પ્રદક્ષિણા-દંડવત કરાવે છે. ત્યારે મહારાજ કૃપા કરીને પોતાની મૂર્તિમાં જોડીને, મૂર્તિને સજાતિ અનાદિમુક્ત જેવા અનાદિ કરે છે.”

“જેમ વૃક્ષની કલમ સંધાડે ત્યારે કલમ ચોંટીને એક વૃક્ષ થાય છે અને ફળ જુદાં થાય છે તેમ મહારાજ સાથે એકતા થાય છે તોપણ સ્વામી-સેવકપણાનો ભાવ કોઈ દિવસ જતો નથી; સદાય રહે છે. માટે મોટા તેનું કામ કરી દે છે એમ જાણવું. તે જો મોટાનો મહિમા સમજાય તો વિશ્વાસ આવે અને વિશ્વાસ આવે ત્યારે હેત થાય. જ્યારે હેત થાય ત્યારે હેતે કરીને મોટામાં જોડાઈ જાય. હેત ને વિશ્વાસથી બહુ કામ થાય છે. જો મહિમા સમજાય તો વિશ્વાસ ને હેત થાય. માટે જોગ સારો છે, કહેનારા સારા છે, તેવા સમયમાં પોતાનું પૂરું કરી લેવું.”

પછી મિસ્ત્રી લાલજીભાઈએ પૂછ્યું જે, “અક્ષરધામમાં મહારાજની મૂર્તિ દિવ્ય છે તે દિવ્ય મૂર્તિની સેવા કરવાની શું હશે?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિનું સુખ ભોગવવું તે જ ધામમાં સેવા કરવાની છે. પણ બીજી સેવામાં તો ગુણ આવે. ચંદન-પુષ્પ વડે તો અવરભાવમાં સેવા કરવાની છે. પરભાવના ને અવરભાવના શબ્દ ભેળા હોય તે જ્યાં ઘટે ત્યાં ઘટાડવા. પણ દિવ્ય મૂર્તિ, દિવ્ય સભા અને દિવ્ય સેવા, ‘નરનારાયણ દિવ્ય મૂર્તિ, સંતનકો વિશ્રામ.’ તે દિવ્ય મુક્ત, દિવ્ય મૂર્તિ તેથી સેવા પણ દિવ્ય થઈ ગઈ. ‘મારી મૂર્તિ રે મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે’ એમ મહારાજ કહે છે. પરોક્ષ શાસ્ત્રવાળાને અવતારનું કર્તાપણું રહી જાય. મહારાજ આગળ અવતાર તો કાંઈ ગણતરીમાં નથી. જેમ રાજા આગળ તેની પ્રજા ગરીબ હોય તેવા છે.”

પછી લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નમાં આવ્યું જે ભૂંડો દેશકાળ વર્તતો હોય ત્યાં ન રહેવું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભૂંડા દેશકાળમાં ન રહેવું તે પરિપક્વ નિશ્ચયવાળો ન હોય તેને માટે કહ્યું છે, પણ પરિપક્વ નિશ્ચયવાળાને તો મહારાજ વિના કોઈ કર્તા નથી. તેને બીજે જવાનું કહ્યું નથી. ભૂંડો કાળ પણ બે પ્રકારનો છેઃ એક તો ભૂંડાનો સંગ તે ભૂંડો કાળ કહેવાય, બીજો દીર્ઘ રોગ આદિક ઉપદ્રવ હોય તે પણ ભૂંડો કાળ કહેવાય. તેમાં ભૂંડાનો સંગ તે રૂપી ભૂંડો કાળ હોય ત્યાં ન રહેવું, પણ મરવાના ભયે કરીને દીર્ઘ રોગ આદિથી ભાગવું નહિ; કેમ જે ભક્ત હોય તે તો મરવું મંગળ જાણે. મહારાજના ખરા ભક્ત હોય તે મહારાજ વિના ઔષધ, વૈદ, ચોઘડિયું, મુહૂર્ત આદિ કોઈને કર્તા ન જાણે તે છેલ્લા મુદ્દાની વાત છે. ક્રિયમાણ કરવું પડે તે કરવું, પણ તેનો ભાર રાખવો નહિ. તેમાં મહારાજની મરજી હોય તો મટે એમ જાણીને કરવું, પણ ક્રિયમાણરૂપ ન થવું. એક મહારાજને જ કર્તા જાણવા. મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય તેની આપણને ખબર પડે નહિ.”

“મુક્તાનંદ સ્વામીના સાધુને પેટમાં અતિ દુઃખવા આવ્યું. ત્યારે બીજા સર્વે સંતોએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, ‘આટલી બધી પીડા આ સાધુને થાય છે તે મટાડે એમ મહારાજને કહોને.’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજ! આ સંતને દુઃખ ખમાતું નથી.’ ત્યારે મહારાજ કહે, ‘ચાર જન્મની કસર છે તે ચાર દિવસમાં ભોગવાવવી છે. તે જો ચાર જન્મની કસર કોઈ લ્યો તો પેટમાં દુઃખતું તુરત મટાડીએ.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘મહારાજ! એમ હોય તો ભોગવાવો.’ માટે મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય એમ સમજવું.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે મોટું પાપ છે. માટે સાધુ કે હરિભક્ત કોઈનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણનું નામ લેતો હોય તેનો અવગુણ લઈએ તો આપણું ભૂંડું થાય. માટે સત્સંગમાં સૌના દાસ થઈ રહેવું. આ સભામાં કોઈનો વાંક હોય, અગર ન હોય તોપણ પંચ મળી વ્રત-ઉપવાસ કરવાનું કહે તો કરવું. જો નિર્માની થઈને કરે તો તેના ઉપર શ્રીજીમહારાજ રાજી રહે. વાંક હોય અને ન કરે તો તેને બહુ દોષ લાગે છે. વાંક ન હોય અને ન કરે તો સભાનું અપમાન કર્યું કહેવાય; માટે દોષ લાગે; તેથી નિર્માની થઈને પંચ કહે તેમ કરવું.”

વળી બીજી વાત કરી જે, “સત્સંગમાં દેશ-વિદેશમાં ગામોગામ ફરીને મોટા એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ હોય તેને ઓળખવા ને તેમનો જોગ કરવો અને પોતાની ખોટ્યું હોય તે કાઢવી. જેમ દતાત્રેયે સર્પ, સમળીમાંથી ગુણ લીધો તેમ આપણે પણ સંત-હરિભક્તમાંથી ગુણ લેવો અને વૈરાગ્યનો તથા સુખ-દુઃખ સહન કરવાનો લક્ષ લેવો.”

તે ઉપર વાત કરી જે, “અમારે ત્યાં હરિભક્ત બે વાગે ઊઠીને નાહી પૂજા કરીને કામ કરવા મંડે છે. તેને ખાવાના પણ રોટલા હોય, છાસ-મરચું કોઈકને મળે ને કોઈકને ન મળે; તોપણ દાખડા કરીને પોતાનો નિર્વાહ કરે છે અને ઠાકોરજીની તથા સંતની સેવા કરે છે. આપણને તો તૈયાર જોઈએ તેવું મળે છે તો આપણે પણ બે વાગે ઊઠીને માળા, ધ્યાન, ભજન કરવું; પણ સૂઈ ન રહેવું.” ।।૪૧।।