સંવત ૧૯૬૮ના આસો સુદ-૧ને રોજ સવારે સભામાં અમદાવાદના શેઠ બળદેવભાઈએ પૂછ્યું જે, “‘अंते या मति सा गति’ એ શ્રુતિનો શો અર્થ સમજવો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાનના ભક્તને સદા અંત અવસ્થા જેવું સમજવું; કેમ જે દેહનો નિરધાર નથી. આ ક્ષણ આ ઘડીમાં જરૂર મરવું છે. જેમ ખળામાં દાણાનો ઢગલો પડ્યો હોય ને ચારેકોરથી વરસાદ ચઢીને ઘૂઘવતો આવે તે દાણા ઢાંકવાની ઉતાવળ થાય; તેમ અંત અવસ્થા સદા સમજાય ત્યારે પૂરું કરવાની આતુરતા થાય.”

“સાધનિકને મોટાએ વચન આપ્યું હોય ને તેને કદાપિ માયાના ગુણ અંતરાય કરતા હોય તોપણ તેને કેફ રહે. જેમ બાપે દીકરાને કહ્યું હોય જે, ‘આ ઠેકાણે દ્રવ્ય દાટેલું છે’ તો તેનો કેફ છોકરાને રહે છે જે, ‘મારું દ્રવ્ય દાટેલું છે’; તેમ જેને મોટા મુક્ત મળ્યા હોય તેને કેફ રહે જે, ‘મારું કામ કરશે જ’, તો એને સર્વે કામ પૂરાં થઈ જ રહ્યાં છે.”

“જેને મોટા મળ્યા નથી તેને કામ, ક્રોધ, માન, સ્વાદ એ આદિકનો ભાર ઘણો જ રહે તેથી તેનું અંતે અધૂરું રહે. માટે કલ્યાણકારી સંતને એટલે મુક્તને જાણવા. અને કામ, ક્રોધ આદિકના અંકુર ઊઠવા દેવા નહિ; તેને ટાળવાનો આદર રાખવો તો મોટા સહાય કરીને ટાળી નાખે. માટે મોટાને વિષે જોડાવું.” ।।૧૧૮।।