એક સમયને વિષે બાપાશ્રી નારાયણપુર જાદવજીભાઈને ઘેર પધાર્યા હતા ને મેડા ઉપર રાત્રિએ ખાટલા ઉપર સૂતાં સૂતાં ઘણીવાર વાતો કરી તે ધનજીભાઈના ઘરનાં કેશરબાઈ પણ સાંભળતાં હતાં. પછી જાદવજીભાઈએ કહ્યું જે, “સર્વે સૂઈ રહો.” પછી સર્વે સૂઈ ગયા, પણ કેશરબાઈ તો નીસરણીનાં પગથિયે બેસી રહ્યાં. અને ઘડીકવાર થઈ ત્યાં તો તાળીઓ પડવા માંડી. પછી ઘણાક મોટા મોટા સંતો આવ્યા. તે પરસ્પર મળ્યા ને સામસામી વાતો કરે તે આપણા જેવું બોલે તે બધુંય સંભળાય, પણ સમજાય નહિ. એમ આખી રાત્રિ દેખ્યું.

પછી તો પરોઢિયું થયું ત્યારે બાપાશ્રીએ ઊઠીને નીસરણીના પગથિયાં તરફ જોયું, ત્યાં કેશરબાઈને પગથિયે બેઠેલાં દેખીને કહ્યું જે, “અમે તો સૂઈ રહ્યા હતા અને તમે તો હજી બેઠાં છો?” ત્યારે તેણે કહ્યું જે, “તમારું સૂઈ રહેવું તે બધું આજ જાણ્યું.” ત્યાં જાદવજીભાઈ ઊઠ્યા ને કહ્યું જે, “શું જાણ્યું?” પછી તે કહે જે, “કાંઈ નહિ.” પછી જાદવજીભાઈએ કહ્યું જે, “ના, કાંઈ છે ખરું.” પછી કેશરબાઈએ આ બધી વાત કહી. ત્યારે જાદવજીભાઈ કહે જે, “જેમ ઈતરડી ઔમાં રહે તોય દૂધનો સ્વાદ ન લે અને વાછરડું છેટે રહે તોય દૂધ ધાવે; તેમ હું ભેગો પાસે સૂઈ રહ્યો ને કાંઈ જાણ્યું નહિ અને તમે જાગીને બધી વાતનું સુખ લીધું.” ।।૫૫।।