(સંવત ૧૯૮૪, વૈશાખ સુદ-૧૪) સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રી સભામાં પધાર્યા, સૌને જય સ્વામિનારાયણ કરી ધ્યાનસ્થ બેઠા, તે વચનામૃતની કથા થઈ રહી ત્યાં સુધી એમ ને એમ બેસી રહ્યા.

પછી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોને કહ્યું જે, “તમને અમે પાછા તેડાવ્યા તે ઠીક થયું ને?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! બહુ દયા કરી.”

ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! આ ફેરે તમે ગયા હતા પણ અમને તમારા વિના સારું લાગ્યું નહિ. રામપુર એક રાત જઈ આવ્યા, પણ આ સભા વિના સૂનું લાગ્યું. અમને આવી સભા અખંડ ખપે. તમે પણ આ લાભ લઈ લેજો. અમે તો સૌને કારણ મૂર્તિમાં રાખીએ છીએ.”

“અહીં કેટલાક એમ જાણે છે જે, ‘બાપો અમારી નાતના છે.’ એવાને આ વાતની ખબર ન પડે. તમારામાંય કેટલાક અહીં મૂર્તિનું સુખ લેવા આવ્યા હોય ને હેત બહુ જણાવતા હોય, પણ જ્યાં કોઈ બે શબ્દ આમતેમ બોલે તેટલામાં તો બીજી રીતના ઘાટ-સંકલ્પ કરવા માંડે છે. એવાને આ જોગમાં સુખ આવે નહિ. પણ જેને દિવ્યભાવ છે તે તો આ સભાના જોગે ન્યાલ થાય છે.”

“મહારાજ સૌને સુખ આપે છે. બહારવૃત્તિવાળાને આવી વાતની ખબર ન પડે. આજ તો અમૃતના ઘન વરસે છે, તેથી એ સુખમાં સૌ રસબસ નાહ્ય છે. આમ સમજાય તો કાંઈ અધૂરું ન રહે. આવી બ્રહ્મસભામાં જે આવે તેનાં અનેક જન્મનાં પાપ નાશ પામી જાય છે. મહારાજના અનાદિની વાત જ જુદી છે. કેટલાક સત્સંગમાં આવી વાત જાણ્યા વિના દૃષ્ટાંત-સિદ્ધાંત મેળવતા હોય તેવાને કહીએ, સમજાવીએ તોય માને નહિ તેમ સમજે પણ નહિ અને તમારા જેવા વિશ્વાસી છે તે કામ કાઢી જાય છે.

“જ્યારે અનંત જન્મનાં સુકૃત ઉદય થાય ત્યારે આવા મોટાની ઓળખાણ થાય છે. ‘શ્રીજીમહારાજને તથા મોટા મુક્તને જે ન ઓળખે તે તો ખીજડા જેવા છે. અને આ દિવ્ય સભાને વિષે નિષ્ઠા હોય તે તો આંબા જેવા છે.’ એમ અ.મુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. તે ખીજડામાં તો સાંગર્યો જ આવે. મહારાજ તથા મોટા મુક્તને વિષે હેત ન હોય તો તેનો મોક્ષ કેમ થાય?” એવી રીતે બાપાશ્રી સવાર-સાંજ કથા પ્રસંગે મહારાજના મહિમાની ઘણીક વાતો કરતા.

એક દિવસ બપોરે બાપાશ્રી તથા સર્વ સંત-હરિભક્તો વાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ વાત કરી જે, “સ્વામી! અમે તો આવા ડુંગરામાં બેઠા છીએ, પણ મૂર્તિને સુખે સુખિયા છીએ. અમે મૂર્તિ વિના બીજું કાંઈ રાખ્યું નથી. અમારે તો એક મૂર્તિ આપવાનો જ ઠરાવ છે. આ વખતે સૌને તેડાવી યજ્ઞ કરવાની તાણ હતી તે પૂરી થઈ. તમને પણ ઠીક રાખ્યા. અમારે તો તમને સર્વે સંતોને આ ફેરે રાખવાનો વિચાર ઘણો હતો. અમને એમ હતું જે, આ આંબામાં હજી કેરીઓ નાની છે તે અષાઢ મહિનો બેસતાં બરાબર પાકી જશે, ત્યાં સુધી જો સંતો રાજી થઈને રહે તો રસપુરીની રસોઈ કરી ઠાકોરજીને તથા સંતોને જમાડીએ; કેમ કે હવે આપણે આવો જોગ વારે વારે ક્યાંથી આવે! તમ જેવા સંતનું મળવું બહુ મોંઘું છે. અંતર્વૃત્તિએ તો સદાય ભેગા છીએ, પણ આમ પ્રત્યક્ષ ક્યારે મળાય!”

“આ વખતે સત્સંગમાં શ્રીજીમહારાજે બહુ સુખ આપ્યું, તેમ આવા અનાદિના જોગ-સમાગમે અનેક મૂર્તિના સુખભોક્તા થયા. ધ્યાને કરીને મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તોપણ આવા જોગની વાત દુર્લભ છે. આ સભામાં જે કામ આ ટાણે થાય છે તે લાખો વરસ સાધન કરે તોપણ ન થાય. સ્થિતિવાળો પોતે તો સુખિયો રહે, પણ આમ કરોડો જીવને મૂર્તિના સુખમાં પહોંચાડી ન શકે. આ તો શ્રીજીમહારાજના સંકલ્પથી આવું સુગમ છે. એ લાભ આપણને મળ્યો છે, તે કેવાં મોટાં ભાગ્ય!”

“તમે રાજી થઈને રહો તો જ્ઞાનયજ્ઞ થાય. તમે અહીં રહેવામાં કાંઈ બીજો વિચાર ન કરશો, કેમ જે આપણે ઘેર કોઈ વાતની ખોટ નથી. અમારા છોકરા બાજરો પકવે છે તે આપણે ભેગા મળી ઠાકોરજીને જમાડશું ને મૂર્તિના સુખની વાતો કરશું. આ વખતે તો તમને જવા દેવાની મારી ઇચ્છા જ થતી નથી. હવે તમે બધા ભેળા થઈ વિચારી નક્કી કરો. જો જવાનું કરો તોય તમારી મરજી, ને રહો તો આપણે ભુજ, માધાપુર ભેગા જશું ને બ્રહ્મયજ્ઞ કરશું. આ ફેરે અહીં રહો તો ઠીક. અમે તમને અષાઢ માસમાં જરૂર છૂટા કરશું. તમારે તો જ્યાં જાઓ ત્યાં આ એક જ કામ કરવાનું છે. વળી, અમને પણ એવો જ સંકલ્પ થાય છે જે તમ જેવા સંત ભેળા બે મહિના રહેવાય તો ઠીક. તમે જો રહો તો ભલે અને તાણ હોય તો સુખેથી જાઓ.”

એમ કહી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. રાત્રે કથા-વાર્તા થઈ રહી પછી પોતે પોઢી ગયા અને સંતો વાડીમાં બાપાશ્રીએ વાતો કરેલ તેથી રહેવાનો કે જવાનો વિચાર કરતા હતા, પણ કાંઈ નિર્ણય થયો નહિ. પછી સર્વે સૂઈ ગયા. ।।૧૪૭।।