(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૮) સભામાં કથા પ્રસંગે સંતો માંહોમાંહી વાત કરતા હતા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવની માનીનતા એવી છે કે કોઈકનો માલ ને કોઈકનો ખજાનો, પણ ધણી પોતે થઈ બેસે છે. બહિર્ભૂમિ ગયાની સત્તા પોતાનામાં હોય નહિ ને પોતે ભગવાન થઈ બેસે. માટે મહારાજને તો જુદા ને જુદા જ રાખવા; તેજમાં તેજ ભળી જાય એવું પણ ન સમજવું, મહારાજ તો સદાય દિવ્ય સાકાર, અખંડ, અવિનાશી છે. વચનામૃતને મથાળે મહારાજનું સ્વરૂપ વર્ણવ્યું છે તેના સામી નજર જોઈએ. માંહી બધાંય વચન ચમત્કારી છે. તેનો દિવ્યભાવ આવે તો ભારે કામ થઈ જાય. આ તો દરરોજ સમૈયા કહેવાય. પૂછનારા કેવા છે, સાંભળનારા કેવા છે તે બધાય પ્રગટ જાણવા. શ્રીજી શ્રીજી કહે અને જ્ઞાન ન સાંભળે તેથી શું સમાસ થાય!”

“માટે આ વચનામૃત ભણે તો બધાં શાસ્ત્ર આવી જાય. એને લઈને બેસે તો કોઈ અટકાવ કરે નહિ. આ તો ઠેઠ હજૂરનો ખુલાસો છે. જેથી નીચલી કોર્ટવાળાનું કાંઈ ચાલે જ નહિ. માટે વચનામૃત બરાબર ભણવાં અને એમાંથી ભગવાનનો રસ આવે એટલે સુખિયો; નહિ તો લૂખો. રસ વિના જ્યાં ત્યાં ડાચિયું નાખે તો ધૂળ-કાંકરા આવે તોય રસને ખોળવાની જીવને આસક્તિ થતી નથી. કચ્છ દેશમાં ધ. ધુ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. ત્યારે વચનામૃતની કથા કરાવી હતી. તે વખતે માંહી ભારે ભારે વાતો આવતી, પણ કેટલાક શાસ્ત્રના ભણેલા પરોક્ષ દૃષ્ટાંતે વાતો કરે તેને અમે કહેતા જે, ‘લૂગડાં પહેર્યાં, શણગાર પહેર્યા, પણ હાથેવાળો બાકી રહ્યો.’ તેમ જેણે આ વચનામૃત જેવાં દિવ્ય શાસ્ત્ર ન જાણ્યાં તેણે હાથેવાળો મેળવ્યો ન કહેવાય. એક શબ્દના લાખ અર્થ થાય અને કરોડ કરો તો તેટલા થાય; જેટલા કરવા હોય તેટલા થાય એવું આ દિવ્ય શાસ્ત્ર છે.”

પછી એમ બોલ્યા જે, “મૃત્યુ આવ્યું જાણીને પોતાનું પૂરું કરી લેવું. મૃત્યુ આડી એક ઘડી હોય ને પૂરું થાય તો કૃપાસાધ્ય જાણવું. એવું બધાયને હોય નહિ. એવો જોગ તો કોઈકને જ મળે. ચાર હથિયારવાળા પડખે ચાલ્યા આવતા હોય તો ચોરથી ચોરી થઈ શકે નહિ. તેમ આવા મોટા શ્રીજીમહારાજના અનાદિમુક્ત જેના ભેળા હોય તેની પાસે કાળ-કર્મ-માયા વગેરે કેમ આવી શકે? આવો જોગ હોય ને ન કરી લે તો પછી તેને કેવો જાણવો? સિંધ જેવા દેશમાં પણ આવો ધમકાર વર્તાવી દીધો છે એ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ છે. મહારાજના મોટા મુક્તને અને સત્શાસ્ત્રને જાણ્યાં હોય તેને આ વાત સમજાય. મહારાજે કહ્યું છે જે, ‘શાસ્ત્ર સત્પુરુષના મુખથી સાંભળવાં, પણ પોતાની બુદ્ધિબળે સમજવા જાય તો ખરી વસ્તુ રહી જાય.’”

“શ્રીજીમહારાજ પોતાનો દિવ્ય સાજ લઈ પધાર્યા છે તેથી અક્ષરધામની ને અહીંની એકતા છે. માટે ધામમાં સ્ત્રી-પુરુષનો ભાવ નથી. લક્ષ્મીજી બહાર સેવામાં રહે છે તથા ચિહ્ન રૂપે હૃદયમાં રહ્યાં છે તે બધા વર્તમાન કાળના ભાવ છે. ધામમાં ગોખ, જરૂખા, મેડીઓ, ફુવારા છે તે બધા ભાવ અહીં ઘટાડવાના છે. ભુજ, મુળી કે ગુજરાતના સંત તેડવા આવ્યા, રથ પાલખીઓ આવી એ બધુંય અહીં ઘટાડવું. બધુંય દિવ્ય છે, પણ માયિક દૃષ્ટિથી ન જોવું. આ સર્વે સંતો તથા હરિભક્તો તેજોમય બ્રહ્મની મૂર્તિઓ છે એમ જાણે તેને માયિક ભાવ ન આવે. પોતે દુખિયો હોય તેને બીજા પણ દુખિયા દેખાય, માટે પોતાના ભાવ હોય તેવું દેખાય છે.”

“આપણો તો અહિંસા ધર્મ છે. અહિંસા ધર્મ એટલે કોઈને મન, કર્મ વચને દુભાવવો નહિ. અધિકારવાળાએ કોઈને કહેવું પડે તેથી બીજા દુઃખાય અને ન કહે તો સરખું ચાલે નહિ. તે વખતે બરાબર સત્સંગની લટક શીખી રાખી હોય અને મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ હોય તો ઠીક રહે. મહારાજે કહ્યું છે કે, ‘ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણાય હોય’, પણ જે મૂર્તિ પાસે રાખે તેને વાંધો નહિ.”

“વ્યવહાર તો બીજા પણ કરી લે. એ કાંઈ અટકે નહિ. મોટા મોટા સંતો, હરિભક્તો અધિકારવાળા હતા, પણ પાસે સત્સંગની લટક હતી તેથી શોભ્યા. મહારાજ તથા મોટા અનાદિનો મહિમા ખરેખરો સમજવો. એને ખરેખરું પોતાનું જીવન માનવું. તે વિના બળ આવે નહિ. માછલું છે તો અલ્પ ગજાવાળું, પણ તેને પાણી સાથે એટલું જીવનપણું છે કે એક ઘડી પણ વિયોગ થાય તો તરત જ તરફડીને મરી જાય. માટે મહિમા સમજવો તો એવો સમજવો કે વિયોગ થાય એટલે જીવનપણું મટી જાય. અને મહિમા સમજે તો ગમે તેવા અલ્પ જીવ હોય પણ માછલાંની પેઠે બળ આવે છે.”

પછી કથાની સમાપ્તિ થઈ તે વખતે સહુ હરિભક્તો આગળ આવ્યા.

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, “બાપા! સૌને તમારી વાતોની તાણ મટતી નથી.”

ત્યારે બાપાશ્રી કહે, “અમે મૂર્તિ વિના બીજું કાંઈ ભણ્યા નથી.”

એમ કહીને વાતો કરવા લાગ્યા જે, “મહારાજની મૂર્તિ વિના કાંઈ જોયા જેવું નથી; કેમ કે તે વિના સર્વે વિઘ્નકર્તા છે. તે કેવી રીતે? તો એક વખત ગઢપુરમાં મહારાજે સિદ્ધાનંદ સ્વામી ઉપર વાત કરી ને એમ બોલ્યા જે, ‘મોટા સાધુ થઈને હરિભક્તના અંતર જોતાં ફરે છે ને હરિજનને બિવરાવે છે તેમ શું કરવા કરતા હશે? તે જોવામાં શું ફાયદો પડતો હશે? તે તો નબળી વસ્તુનો ટોપલો લઈને કોઈ જતું હોય તેમાં જોવાનું મન થાય તેવું છે.’ ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ જાણ્યું જે, ‘મારા ઉપર વાત કરી છે. તે હું સર્વે જીવના અંતરની વાત કરું છું તેવું મહારાજે જાણી લીધું.’ પછી ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘હે મહારાજ! એમ કોણ જુવે છે?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘આ તમે છો તે નાહવા જતા હો ત્યાંથી બીજે જ્યાં ત્યાં સ્ત્રી આદિક તથા બીજા નબળા-સબળા પદાર્થ તેના સામું જોવાની શું જરૂર? જવું ત્યાંથી જ સરત રાખવી અને આપણને મળ્યા જે ભગવાન તેમને જોવા તે વિના બીજું જોવાનું શું પ્રયોજન હોય?’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજ! એ ખરું.’ ત્યારે વળી મહારાજે કહ્યું કે, ‘આપણને જે વસ્તુનું કામ હતું તે વસ્તુ હાથ આવી તો તેના સામું જોઈ રહેવું, પણ બીજું શું કામ જોવું પડે છે?’ એમ કહીને મહારાજે સિદ્ધાનંદ સ્વામીને જે પ્રતાપ આપ્યો હતો તે પાછો સંકેલી લીધો. પછી મહારાજની મૂર્તિનું સુખ રહ્યું ને બીજું સામર્થ્ય જીવના અંતર જોવાનું હતું તે ગયું.”

“જેમ બાળકનું ધન મા-બાપ સાચવે તેમ મહારાજ ને મોટા મુક્ત જીવને સાચવે છે. માટે મોટાનો વિશ્વાસ રાખી આનંદ માનવો અને પોતાને કૃતાર્થ માનવું. નહિતર આવા મોટાનો જોગ થાત નહિ. આમ જાણીને ભગવાનને ભજ્યા કરવું.”

પછી એમ બોલ્યા જે, “સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ પોતાના શિષ્ય શ્રીકૃષ્ણદાસજીને કહ્યું જે, ‘તમારે કોઈ ઐશ્વર્યની અભિલાષા રહેતી હોય તો પ્રાપ્ત કરાવીએ.’ ત્યારે શ્રીકૃષ્ણદાસજી બોલ્યા જે, ‘ના સ્વામી! એમાંથી તો અવળું પડે તો મારું ઠેકાણું રહે નહિ’ એમ કહ્યું. ત્યારે સ્વામી તેના ઉપર ઘણા રાજી થયા. માટે મોટા રાજી થઈને ઐશ્વર્ય આપે તોપણ એમ માગવું જે, ‘અંત સમયે ભગવાનના ધામમાં લઈ જજો અને તમારી જોડે મહારાજની સેવામાં રખાવજો’ એવું માગવું.” ।।૬૫।।