સંવત ૧૯૭૩ના વૈશાખ વદ-૮ને રોજ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા કથા વાંચનાર પુરાણી ધર્મકિશોરદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી એ બે તથા સ્વામી ભગવત્સ્વરૂપદાસજી તથા પુરાણી હરિપ્રસાદદાસજી તથા સ્વામી કૃષ્ણસેવાદાસજી તથા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી આદિ સર્વે કુંભારિયે ગયા.

ત્યાં કથાની ગોમટી બહાર વાડામાં જોઈને બાપાશ્રીએ ભુજના સંત તથા કુંભારિયાના હરિજનોને કહ્યું જે, “ઇંદ્ર અતિશે ઘેલો થયો છે, માટે માંડવામાં ગોમટી કરી છે તે મંદિરમાં લાવો.” એમ બે-ત્રણ વાર બોલ્યા, પણ સંત હરિજનોએ મંદિરમાં સાંકડ પડે એમ જાણીને ત્યાં જ કથા કરવાનું રાખ્યું.

પછી બાપાશ્રીએ આસને પધારીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “કહી કહીને થાકી ગયા, પણ સાધુએ કે હરિભક્તોએ માન્યું નહિ. સાધુ ઝાલ્યું મૂકતા નથી. અમે નહિ હોઈએ ત્યારે કોઈનું નહિ માને ને એમનાં પોત ઉઘાડાં થશે ને કેટલાયને દુઃખિયા કરશે અને પોતે દુઃખી થશે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, ઇંદ્રને ના પાડો જે આવે નહિ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સાધુ ને સત્સંગી માનતા નથી ને ઇંદ્ર કેમ માને?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “બાપા, આ સંત-હરિજનો તો આપનાં છોકરાં છે તે છોકરાં તો કદાપિ ન માને, પણ ઇંદ્ર તો બિચારો ચાકર છે તે ચાકરને તો જેમ આજ્ઞા કરો તેમ કરવું પડે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ત્યારે હવે તો ઇંદ્રને જ કહેશું; નહિ તો અમારી લાજ જાય જે આવા મોટા કહેવાય છે ને વરસાદે વિઘ્ન કર્યું તે ટાળી શક્યા નહિ.”

પછી કથા બેઠી તે જ દિવસે વરસાદ આવ્યો ને ગોમટી ઉપર ટાટપટીઓ બાંધી તોપણ ઘણો આવવા માંડ્યો.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “બાપા! ઇંદ્રને હવે કાંઈક કહો.”

પછી બાપાશ્રીએ ઇંદ્રને કહ્યું જે, “આ ગામની અંદર ન વરસીશ ને આ ગામના ફરતો બીજે બધે વરસજે.”

પછી વરસાદ ગામ ફરતો થાય ને બીજે બધે થાય ને નદીએ પૂર આવ્યું, પણ ગામમાં ન આવ્યો.

પછી બારશને દિવસે સાંજની કથામાં વરસાદ બહુ ચઢી આવ્યો, ત્યારે જયરામભાઈએ કહ્યું જે, “બાપાશ્રીનું આસન નેવાં તળે છે તે ટાટપટી તળે લાવો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપાશ્રીનું આસન નેવાં તળેથી ટાટપટી તળે લાવશો તો વરસાદ વરસશે; માટે ત્યાં ને ત્યાં રહેવા દો.”

તોપણ હરિભક્તો આસન ઉપાડવા ગયા, પણ બાપાશ્રીએ આસન ઉપાડવા દીધું નહિ. પછી વરસાદ રહી ગયો અને ફરતાં ગામડાંમાં વરસાદ બહુ થયો ને તળાવોમાં છ છ મહિનાનાં પાણી થયાં ને નદીઓમાં પૂર પણ ઘણાં આવ્યાં. વાગડ દેશમાં તો રાજાનું ખડ હતું તેમાં વીજળી પડી તે ચાર લાખ મણ ખડ બળી ગયું. એવું દેશાંતરમાં વરસાદનું તોફાન ઘણું થયું, પણ કુંભારિયામાં ન વરસ્યો. તે કથામાં બાપાશ્રીએ જે વાતો કરી તે લખી છે. ।।૧૭૭।।