સંવત ૧૯૭૨ના મહા વદ-૧૦ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પૂર્વના ઋષિ કરતાં આજના સંત-હરિજનોનાં વચન અધિક માનવાં. જેમાં શ્રીજીમહારાજ કે સંત નાહ્યા હોય તેમાં નહાય કે પાણી પીએ કે તેના ઉપર પક્ષી ઊડીને જાય તેનું પણ કલ્યાણ કરે, એવો આજનો મહિમા છે.”

“શ્રીજીમહારાજને અને મોટાને અંતર્યામી ન જાણે ને અખંડ સ્મૃતિ ન રાખે તે નાસ્તિકપણું છે. એક તો વિદ્યાએ કરીને મોટાઈ હોય ને એક તો વયે કરીને મોટાઈ હોય, પણ મૂર્તિમાં જોડાય તે મોટપ ખરી. ભુજમાં બાળમુકુંદદાસજીને કોઈ આગળ બેસારતા નહિ, પણ એ તો મૂર્તિ સાથે રમૂજ કરતા. માટે મહાપ્રભુજીની વાત અટપટી છે. બાધિતાનુવૃત્તિ હોય ત્યાં સુધી પોતાની અને મહારાજની મોટાઈની ખબર પડે નહિ, જેમ બળદેવજીને પડી નહિ તેમ. આજ તમને શ્રીજીમહારાજે એવું બળ આપ્યું છે. આ વખત બગાડી નાખે એટલે પોતાનું પૂરું ન કરે તેને જન્મ ધરવો પડે ને તે નીચ કહેવાય.”

“ભગવાનના ભક્તનો દેહ પ્રફુલ્લિત હોય ને વાણી પણ પ્રફુલ્લિત હોય ને એનાં દર્શન જે કરે તે પણ કૃતાર્થ થઈ જાય. તે ભક્ત જો આ સત્સંગથી બહાર નીકળે તો શબ જેવો થઈ જાય તે કોઈ અડે પણ નહિ. માટે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈ રહેવું ને એક મૂર્તિની ને મૂર્તિના સુખની ઇચ્છા રાખવી. ઐશ્વર્યની કે કાંઈ જોવાની કે નિરાવરણ થાવાની કે અંતર્યામીપણાની ઇચ્છા રહે તો તે જગતની કોરનો લોચો કહેવાય. તેમ જ મૂર્તિ વિના નકરું મૂર્તિનું તેજ જે અક્ષરધામ તે દેખાય તે પણ લોચો છે. એક મૂર્તિ ને મુક્ત બે જ સર્વત્ર દેખાય એ અંતર્વૃત્તિ કહેવાય અને તે લોચાથી રહિત કહેવાય. માટે મૂર્તિમાં રસબસ થઈ રહેવું.”

“તે ક્યારે રહેવાય? તો મહિમા યથાર્થ જાણ્યો હોય તો રહેવાય. આ લોકમાં પૈસાનો મહિમા જાણ્યો છે તો ચાર-ચાર મહિના સુધી સમુદ્રમાં રહે છે ને વહાણમાં સ્ત્રી-છોકરાં સારુ દુઃખ વેઠે છે. તેમ શ્રીજીનો ને સંતનો મહિમા જાણ્યો હોય તો સેવા કરવામાં શ્રદ્ધા બહુ રહે.”

“શ્રીજીમહારાજની ને એમના મુક્તની સેવા કરવી તથા એમને જમાડવા. તે સેવાનું ફળ જે અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ તે મળે છે. વ્યવહારમાં દેહ ઘસી નાખે તે તો સૂકા લાકડાને પાણી પાય તો સડી જાય તેવું છે. અને આ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરી દે છે. જેમ લીલા ઝાડને પાણી પાય તો સુકાવા આવેલું હોય તોપણ એક કલાકમાં લીલું થઈ જાય; તેમ સેવાનું પણ એવું ફળ થાય. સેવા ગ્રહણ કરનારને પણ એવો ખટકો રહે જે, ‘આ સેવા કરનારને ઝટ ધામમાં લઈ જઈએ.’ સત્સંગની સેવા કરે તેથી પણ શ્રીજીમહારાજની ને અનાદિમુક્તની સેવા મળે તે શ્રેષ્ઠ છે; કેમ જે તે મૂર્તિમાં જોડી દે અને સર્વોપરી એવા જે સ્વામિનારાયણ તેમને જીવમાં પધરાવી દે; માટે એવાની સેવા કરવી.”

“સર્વ ઠેકાણે શ્રીજીમહારાજનું કર્તાપણું સમજવું; પણ માયા, કર્મ, સ્વભાવ, કાળ, બ્રહ્મ, અક્ષર એ કોઈનું કર્તાપણું ન સમજવું. જો વિપરીત દેશ, કાળ, સંગાદિક તથા રાજાનો ઉપદ્રવ થાય અથવા કોઈક મરે ત્યારે કાળે કર્યું એમ જાણે તો તેણે ભગવાનને કાળ જેવા જાણ્યા. અને માયાએ કરીને કે કર્મે કરીને કે સ્વાભાવિક થાય છે એમ જાણે તેણે માયા જેવા, કર્મ જેવા ને સ્વભાવ જેવા ભગવાનને જાણ્યા. વરસાદ, વાયરો, ટાઢ, તડકો વધુ-ઓછો થાય ત્યારે ગાળો દે તેણે ભગવાનને કર્તા ન જાણ્યા. આપણે તો સર્વ ઠેકાણે શ્રીજીમહારાજનું કર્તાપણું સમજવું, પણ બીજા અક્ષરાદિક કોઈનું કર્તાપણું ન સમજવું. અને ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાથી છેટે રહેવું, અને શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. જે શ્રીજીમહારાજનાં વચન પ્રમાણે વર્તે તે પોતાનું ને પોતાના સંગીનું સારું કરે એવો થાય.”

એમ વાત કરીને બોલ્યા જે, “આ કલેવર પડે તો લાકડાના ભારા ઉપાડવા મટી જાય ને ચક્રવર્તી રાજ્ય જે શ્રીજીની મૂર્તિનું સુખ તે મળે; માટે ધામમાં જાવામાં પણ અતિ આનંદ માનવો. દાતરડાં ને બંધિયા સંભારવાં; એટલે એમ જાણવું જે આ સત્સંગમાં જો ચાળે ચઢી જવાશે તો પાછું હતું તેવું દુઃખ આવશે.”

“અક્ષરધામથી ઓરા અક્ષરાદિક સર્વે રોકનાર છે. માટે શ્રીજીમહારાજને અને મોટા મુક્તને સાથે રખવાળ રાખવા, પણ લૂંટણિયાને ભેગા ન રાખવા. તે લૂંટણિયા ઘણા છે. પંડિત થઈને લૂંટે, શિષ્ય થઈને લૂંટે, બુદ્ધિવાળો થઈને લૂંટે અને છેલ્લી વારે શ્રીજીમહારાજની પ્રસાદી પણ લૂંટે; કેમ જે જે પ્રસાદિયો હોય તે જેના પક્ષમાં રહ્યો હોય તે પક્ષમાં અન્યાય થતો હોય તોયે તેની તેને હા એ હા કરવી પડે તેનો દોષ લાગે ને મોક્ષના માર્ગથી પડી જાય. માટે બીજી ઇચ્છાઓ મૂકીને એક મૂર્તિ જ રાખવી.” ।।૧૫૦।।