(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૮) બપોરે મેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે, “આપણે તો મહારાજ, મુક્ત, સંત, હરિભક્તો સર્વે દિવ્ય છે એવો મહિમા રાખવો, પણ બીજું ન સમજવું. ‘ચૈતન્યરૂપી ભૂમિ રે હરિજન ચૈતન્ય હજારું.’ ભક્તજનોને રહેવાને ભૂમિ પણ ચૈતન્ય છે. આ અલભ્ય લાભ છે, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો. આવો મોટો જોગ થયો છે તેથી એમ જાણવું જે આ વેપારમાં આપણે કરોડો મનવારો ભરી લાવ્યા છીએ તે ખૂટે તેમ નથી. આ બધા હરિભક્તો જમે છે તે બધું અક્ષરધામનું દિવ્ય સુખ છે. કોણ પીરસે છે અને કોણ સુખ આપે છે એ જોવું. સર્વે દિવ્ય છે. મહિમા ઓછો હોય તો એમ જાણે જે રોટલા ખાઈને આવ્યા, પણ સમજ્યા વિના રોટલામાં તો ઓટલા વળી જાય.”

“કેટલાક શાસ્ત્ર ભણીને દિગ્વિજય કરે, ભારે ભારે વાતો કરે, તોય પણ શું! આવી નવીન મહારાજ અને મોટા મુક્તની વાતો તેનો બીજા કોઈથી પાર પામી શકાય એવો નથી. બીજાના જોગથી તો બીજાના ગુણ ગરી આવે. આ બધું સુખ ચૈતન્યમાં લેવું. ખરેખરો પાત્ર થઈ જાય તો સળંગ સુખની ધારાઓ છૂટે છે. જ્યાં મહારાજ અને મોટા વિચર્યા ત્યાં ઝાડ, પહાડ, વસ્ત્ર, વાહન આદિ સર્વે ચૈતન્યમય જણાય છે. તેમ મોટા મુક્તને વિષે પણ એવું નિર્ગુણપણું થવું જોઈએ. જ્યાં લગી કલેવરના ભાવ હોય ત્યાં લગી સુખ નથી. માટે એ ભાવ ટાળવો. મહારાજના સુખમાં દૃષ્ટિ ન પહોંચી હોય તો ક્યાંય ને ક્યાંય ભમે, પણ મોટા અનાદિને વિષે વિશ્વાસ હોય તો કૃપા કરી પૂરું કરી આપે. તોપણ આજ્ઞા, નિયમ, ધર્મ પાળવાં અને સર્વેને દિવ્ય જાણવા.”

“દિવ્ય સિંહાસનમાં તેજોમય મૂર્તિ છે, એ મૂર્તિના સુખમાં રસબસ રહેવું. મૂર્તિમાંથી તેજ ફરર ફરર નીકળ્યે જાય છે. મૂર્તિનું તેજ એ સિંહાસન છે; તેમાં શ્રીજીમહારાજ બિરાજે છે. તે મૂર્તિમાં મહા અનાદિ મુક્તરાજ સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, તથા વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિક સર્વે છે, મંદ મંદ હસે છે ને સુખ લીધા જ કરે છે.”

પછી એમ વાત કરી જે, “મહારાજના મોટા મુક્ત ઉપરથી સૂતાં જણાય, જાગતાં જણાય, જમતાં, નહાતાં, ઊઠતાં, બેસતાં, વાતો કરતાં એમ સર્વે ક્રિયા કરતાં જણાય; પણ તે તો મૂર્તિનું સુખ રસબસભાવે લીધા જ કરે છે. તેને મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. જેમ આકાશને પૃથ્વીનો કોઈ ઠેકાણે સંબધ નથી તેમ એ તો મહારાજની મૂર્તિમાં નિરંતર રહ્યા છે તેને ક્યારેય પણ માયાનો સંબંધ નથી. જેમ વાયુ ઝાડને ભૂટકાય છે તે દેખાતો નથી તેમ મોટા મુક્તને વિષે જોવાનો, ખાવાનો, સાંભળવાનો ભાવ દેખાય, પણ એ તો સુખના સમુદ્રમાં ઝીલતા, ઝીલતા ને ઝીલતા જ રહે છે. કેટલુંક તો મહારાજનો મહિમા જણાવવા માટે ઉપશમ આદિ જણાવે છે એમ જાણવું; પણ એ તો ઉદરમાં નથી આવ્યા.”

એમ કહીને બોલ્યા જે, “આ કલેવર તો બધાયને સુખિયા કરવા માટે રહ્યું છે એમ કહેવાય, પણ મહારાજને અને મોટાને કલેવર જ નથી; એ તો સદાય દિવ્ય મૂર્તિ જ છે. એવા મોટાને જોગે શ્રીજીમહારાજની મૂર્તિમાં ત્રણે અવસ્થામાં જોડાઈ જાય તે નિષ્કામભાવ અને સાધને કરી ઇંદ્રિયો સંકોચાઈ જાય તથા સમાધિ થાય તે સકામભાવ ગણાય. આ તો બહુ જબરી વાત છે, અતિ મોટી પ્રાપ્તિ છે. જેને મળવે કલ્યાણ, સ્પર્શે કલ્યાણ, ઉપરથી વાયરો આવે તોય કલ્યાણ એ કાંઈ થોડી વાત કહેવાય? વરસાદ વરસે અગર ઝાકળ પડે તો ડહેલામાં વસ્તુ હોય તોપણ હવાઈ જાય. આ તો ‘અમૃતના સિંધુ ઊલટ્યા, રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી’ એમાં શું બાકી રહે? બાકી તો નહિ, પણ આપણા ઠરાવ બાકી છે. જુઓને! આ લોકમાં માયિક વસ્તુ ઘી, ખાંડ, ગોળ, આદિક ખાધાથી બળ આવે છે તો આ તો ચૈતન્યનું બળ તે શું ઓછું સમજવું?”

એમ કહીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમને તો અનેકને મૂર્તિના સુખભોક્તા કરો એવા કરીશું ને ભેળા રાખીશું.”

એમ કહીને અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું જે, “ગરીબને ઝાઝું સુખ દઈશું. આ તો દિવ્ય સેવા, દિવ્ય મુક્ત, દિવ્ય મહારાજ; સર્વે સાથે મળ્યું છે, પણ કાષ્ટના લાડવામાં મોતૈયાનું મૂલ આવે નહિ. તેમ આવી પ્રાપ્તિ વિના મૂળઅક્ષરનો અધિકાર આવે તોપણ આ જેવું નથી. આ તો અનાદિમુક્તની પંક્તિમાં ભેળવ્યા, પણ સમજણ વિના કોઈ મૂંઝાઈને કહે જે મને કાંઈ ન મળ્યું તો તેનું તે જાણે. આપણે તો આ જ્ઞાનગંગામાં નાહ્યા તથા આ બ્રહ્મયજ્ઞ કર્યો તેથી સર્વેનાં આગળ-પાછળનાં ગમે તેવાં પાપ હોય તે બળી ગયાં એમ જાણવું ને હવેથી નવાં કર્મ કરવાં નહિ. ખબડદાર થઈને મહારાજની આજ્ઞા પાળજો. અંતઃકરણરૂપી માયા કાંઈ વિઘ્ન કરવા આવે તો મહારાજ તથા મોટાને હથિયારબંધ જોડે રાખવા; સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ પ્રાર્થના કરવી.”

“મોટા અનાદિમુક્ત છે તે તો બારિસ્ટર જેવા છે. જેમ અહીંના બારિસ્ટર છે તે એક શબ્દ સૂઝે તેવો આંટીવાળો હોય તેને તોડીને આ લોકમાં જેમ સુખ થાય તેમ કરી આપે છે; તેમ જે અક્ષરધામના બારિસ્ટર છે તે એક શબ્દે માયારૂપી આંટી તોડીને અક્ષર પર અનાદિની સ્થિતિ કરાવી આપે છે. અહીંના બારિસ્ટર જેમ એક શબ્દના રૂપિયા પાંચસો અથવા હજાર લે, તેમ આવા મહામુક્ત જે મૂર્તિનું સુખ પમાડે છે તેને શું આપીએ? માટે મોટાને તો સેવાએ જ પ્રસન્ન કરવા. ને એવા મોટા સાથે મન, કર્મ, વચને જીવ બાંધી દેવો; તો અક્ષરધામનું તથા પુરુષોત્તમનું સુખ જીવને પ્રાપ્ત થાય.” ।।૬૭।।