સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૯ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૪૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં બીજા પ્રશ્નમાં ભક્તિનું રૂપ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે; કેમ જે શ્રવણ ભક્તિથી જે કરવાનું છે તે સમજાય છે. તેથી પ્રેમલક્ષણા ભક્તિ શ્રેષ્ઠ છે; કેમ જે તેથી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે છે. અને તે કરતાં અનુભવજ્ઞાન શ્રેષ્ઠ છે કેમ જે તેથી આત્યંતિક મોક્ષ થાય છે. આત્યંતિક મોક્ષવાળો તે અનુભવી જાણવો. તે અનુભવી કર્તા, અકર્તા, ઉપશમ અવસ્થાવાળો ને નિર્લેપ છે. અનાદિમુક્ત તો સ્વતંત્ર છે ને અનુભવીથી અતિશય શ્રેષ્ઠ અને અતિશય સમર્થ છે. જેમ શ્રીજીમહારાજ સત્તાવાન છે તેમ તેમના અનાદિમુક્ત પણ શ્રીજીમહારાજના જેવા જ સત્તાવાન છે. એવા અનાદિમુક્તથી સુખ પામ્યા હોય તેને આ લોકમાં અનાદિમુક્તનો વિયોગ થાય એટલે મુક્ત અદૃશ્ય થાય ત્યારે શોક થવો જોઈએ. જો શોક ન કરે તો કૃતઘ્ની કહેવાય ને રઘુનાથદાસની હારમાં ગણાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મોટાને દેન દેવા જાય છે ત્યારે ઉત્સવ કરતાં કરતાં કેમ લઈ જાય છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રાકૃત લોકની પેઠે પ્રસિદ્ધ રોવું-કૂટવું નહિ, પણ અંતરમાં તો શોક કરવો; પણ પ્રાકૃત જીવ જેમ દેહના સંબંધનો શોક કરે છે તેમ ન કરવો. જીવના સંબંધનો શોક તો કરવો જ; કેમ કે જીવન ગયું એમ જાણીને શોક કરે તો શ્રીજીમહારાજ રાજી થઈને ભજન, સ્મરણ આદિક સાધનમાં સહાય કરે છે; પણ શોક ન કરે ને રાજી થાય તો મહારાજ કુરાજી થાય છે. જેમ મંદિર બળતું હોય તેને દેખીને કોઈ રાજી થાય તો મંદિરમાં ભગવાન રહ્યા છે તે કુરાજી થાય તેમ. માટે શોક કરવો; પણ રાજી ન થાવું.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મોટા અંતર્ધાન થવા ઇચ્છતા હોય ને કોઈક ઉપાધિ કરીને ઉદાસ કરે તે નિમિત્તે અંતર્ધાન થાય તો તેનું ઉદાસી કરનારને પાપ લાગે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાને તો આ લોકમાં રહેવાની ઇચ્છા ન હોય, પણ અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જાય તેનું ઘણું પાપ લાગે.”

તે વખતે બાપાશ્રીને તાવ હતો ને ઊલટી થઈ. ત્યારે નારાયણપુરના પ્રેમજીભાઈ બોલ્યા જે, “આ મંદવાડ કોઈકને આપીને તમે સુખેથી વાતો કરો તો ઠીક.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “લેનાર કોણ છે?”

ત્યારે તે બોલ્યા જે, “મોકલો મારી પાસે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ખમાશે નહિ.”

પછી તે કહે જે, “ગમે તેમ થાય; પણ મોકલો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “ઠીક.”

ત્યાં તો પ્રેમજીભાઈને તાવ ચઢ્યો ને ઊલટી થવા માંડી. પછી ગાડું જોડીને તેમને ઘેર પહોંચાડ્યા ને બાપાશ્રીને તરત તાવ ઊતરી ગયો. ।।૭૩।।