સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૯ને રોજ સાંજે પ્રથમ પ્રકરણનું ૭૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં ૨૨મા પ્રશ્નમાં વિષમ દેશકાળમાં રહીને માર ખાવો નહિ એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કેવળ દેહનો માર ન સમજવો; જીવનો માર પણ સમજવો. તે કયો? તો નબળા દેશ-કાળમાં જીવનું બગડે એ જીવનો માર સમજવો. માટે ત્યાંથી આઘું-પાછું ખસી નીકળવું એટલે કુસંગ મૂકીને જ્યાં ભગવાન ભજાય એવું સ્થાન હોય ત્યાં જાવું. સાધુ હોય તેણે મંડળનો ત્યાગ કરવો. ગૃહસ્થોએ ગામનો તથા સંબંધીનો ત્યાગ કરીને જાતું રહેવું. ભલા થઈને માર ખાશો નહિ. એવા સંગનો ત્યાગ કરજો. જીવને માર ન ખવરાવશો. કોઈની મહોબતમાં લેવાવું નહિ. ગુરુ-શિષ્યે એકબીજાનો ત્યાગ કરવો.”

ત્યારે સાધુ હરિવલ્લભદાસજીએ પૂછ્યું જે, “દેહમાં કાળનું વિષમપણું આવે ત્યારે કેમ કરવું ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામના મહામંત્રનો જપ કરવો; તો દેશકાળ સારા થઈ જાય. માનસી પૂજા કરો, સંત-સમાગમ કરો, ધ્યાન કરો, તોપણ ઘાટ બંધ થાય નહિ; માટે અનાદિમુક્ત જ્યાં રહેતા હોય ત્યાં એમનો જોગ કરવો; તો ઘાટ ટળી જાય. માટે મોટાનો જોગ કરવો. જ્યાં મોટા રહેતા હોય તે સ્થાન નૈમિષારણ્ય ક્ષેત્ર છે. મોટાને તો એમ છે જે જીવ બિચારા ક્યારે આપણા ધામમાં આવે!”

“આજ તો શ્રીજીમહારાજે ખંપાળી (દંતાળી) નાખી છે. આગળ તો જીવની વાંસે સંતને ફરવું પડતું તોપણ કોઈ વર્તમાન ધારતા નહિ. આજ તો વર્તમાન ધરાવવા પોતાની મેળે આવે છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડવા માટે તો આજ શ્રીજીમહારાજને તથા મુક્તને જીવની કેડે ફરવું પડે છે. આજ કેવા કેવા સાધુ ને સત્સંગી છે! માયાને ઉડાડી મૂકે છે. મહારાજનો અને મોટાનો એ પ્રતાપ છે. મહારાજનો અને મોટાનો જેને સંબંધ હોય તે માયાને ઉડાડી મૂકે તેમાં શું કહેવું! આજ આપણને વેપાર બહુ જબરો મળ્યો છે. મૂળઅક્ષરકોટિથી પર શ્રીજીમહારાજના એકાંતિકની અને પરમ એકાંતિકની અને અનાદિમુક્તની એવી પરભાવની વાતો આવે છે. આ સભાનો જે અવગુણ લે ને બીજે ધોડા કરે તેને બહુ જ મોટી ખોટ આવે. આ ટાણે આ સ્થાન સારું છે.”

“આપણે શ્રી સ્વામિનારાયણના દીકરા છીએ માટે અક્ષરધામના રાજ્યને લાયક થાવું. જો ન થઈએ તો રાજ્ય ન સોંપે; એક કોરે રાખે. આ લોકમાં પણ આચાર્યમાં તથા રાજ્યમાં લાયકને ગોતે છે. માટે આપણે શ્રીજીમહારાજ પાસે રહેવાય એવા લાયક થાવું. શ્રીજીમહારાજ વિના બીજે પ્રીતિ ન રાખવી, ને દાસપણું રાખવું. શ્રી મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજને જ્યારે પ્રશ્ન તથા કાંઈક વાત પૂછતા ત્યારે હાથ જોડીને પહેલાં તો ‘હે મહારાજ!’ એમ કહીને પ્રશ્ન પૂછતા. એવું દાસપણું રાખવું.” ।।૧૮।।