સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૧ને રોજ બપોરે સભામાં મધ્ય પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં ગુણાતીત ભક્ત હોય તે ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સુષુપ્તિ તે ઉપશમ કહેવાય તે ઉપશમથી પણ સાક્ષાત્કાર થાય તે શ્રેષ્ઠ છે, અને તેથી પણ ભગવાન જેવું સ્વતંત્રપણું આવે તે અતિ શ્રેષ્ઠ છે. તે તો જેવા શ્રીજીમહારાજ સ્વતંત્ર છે તેવા કહેવાય. એવા થાવાના ઉપાયમાં રહેવું, પણ દેહના સુખના ઉપાય ન ગોતવા. જે ટાણે જેવું મળે તેણે કરીને ખાડો પૂરવો, પણ સારાં સારાં ભોજન મળે તેટલાં ગ્રહણ કરવાં નહિ.”

“જેને પરિપક્વ નિશ્ચય હોય તેને પદાર્થરૂપે સિદ્ધિઓ આવે છે, તેને ભોગવે તો તે સિદ્ધિઓમાં લોભાણો કહેવાય. જો પોતે ન ભોગવે ને બીજાને આપી દે તો સિદ્ધિઓમાં લોભાણો ન કહેવાય. જુઓને! અમારી પાસે કેટલાં પદાર્થ આવે છે! પણ અમે કોઈ દિવસ ગ્રહણ કરીએ છીએ?”

ત્યારે સંતોએ કહ્યું જે, “એના ધણીને દઈ દો છો. કદાપિ સેવક પરાણે મૂકી જાય તો અમને તથા સત્સંગીઓને વહેંચી આપો છો; પણ આપ તો કોઈ દિવસ જમતા નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને સર્વેને શીખવવા સારુ અમે જમતા નથી. જેટલું આવે તેટલું ભોગવવું નહિ. સૌ સંત-હરિજનો સમજજો; પણ ‘લૂણકે ગઈ, લૂણકે ગઈ’ એમ ન જાણશો. સાકર જમવા જડે તોપણ ‘લૂણકે ગઈ’ એમ કરે; તેવું ન કરવું.”

પછી સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, “‘લૂણકે ગઈ’ તે શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગધેડી લૂણ લેવા જતી હતી, તેના ઉપર સાકર ભરી, પણ તેણે તો લૂણ ભર્યું છે એમ જાણ્યું. તેમ આ સભામાં સમાગમ કરવા આવ્યા છો તે સમાગમ કરી લેવો; પણ આવ્યા તેવું જવું નહિ. બાળકિયા સ્વભાવ ન રાખવા, જે અહીંથી અહીં ને અહીંથી અહીં એમ ન કરવું એટલે અહીં બેસવું ને ફરવું, એમ કરીને દિવસ ન નિર્ગમવો. અને ત્રણે અવસ્થાનો જન્મ થવા દેવો નહિ. અમારા જેવા વૃદ્ધ થઈ પડવું. ગૃહસ્થને તથા ત્યાગીને આ સભા ફેર નહિ જડે. પરદેશથી કામકાજ પડ્યાં મૂકીને દરિયો ઉલંઘીને આવ્યા છો તે આ જ્ઞાન લઈ જજો, પણ જઈ આવ્યા તેમ ન કરશો. ખાખરિયાથી તથા ગુજરાતથી આવ્યા છો તે આવ્યાનો લાભ લઈ જજો. અમને તાવ આવે છે તેથી તમને વાતોનું બરાબર સુખ અપાતું નથી, તોપણ તમારા હેત સારુ વાતોનું સુખ આપીએ છીએ; માટે આ સુખ લઈ જજો. આ મુક્તના પ્રસંગથી ભાગવત ધર્મ આવે ને પછી કારણ જે શ્રીજીમહારાજની મૂર્તિ તે આવે ત્યારે તે ભક્ત પડેય નહિ ને આખડેય નહિ; માટે મૂર્તિ સિદ્ધ કરવી.”

“આ દેહરૂપી બ્રહ્માંડમાં મદિરા એટલે વિષય અને પાતર્યું એટલે ઇંદ્રિયો છે તે કાઢી જોઈશે અને બીજું રૂડા ગુણનું પણ માન કાઢવું જોઈશે. તે માન તો જેમ ‘આપકા જાયા આપકું ખાય’ એવું છે. જેમ વીંછણને પોતાનાં બચ્ચાં ખાઈ જાય છે, તેમ પોતે સિદ્ધ કરેલાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક તેનું માન તે પોતાને ખાય છે. વળી નિર્માનીપણાનું પણ માન આવે છે તે પણ એમ જણાવે જે, ‘હું નિર્માની છું’ તો એ નિર્માનીપણાનું માન પણ પોતાને ખાય છે; માટે નિર્માનીપણાનું માન પણ ટાળવું.”

“બીજું, મોટા પુરુષને વિષે દોષ ન પરઠવો; ગુણ પરઠવો. જો મોટાને વિષે ગુણ પરઠે તો રાજ્ય તથા દીકરા આદિક જે ઇચ્છે તે મળે; ને નિષ્કામી, નિર્લોભી થવા ઇચ્છે તો તેવો થાય; અને ગમે તેવું વિઘ્ન આવનારું હોય તોપણ નાશ પામે; અને કાળ, કર્મ માયાથી રહિત થઈ જાય અને મોક્ષ પામે.”

“પાપી જીવ હોય તે પણ જો અંત વખતે સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે તો તેનો મોક્ષ થાય એટલે બીજબળ થાય; અને બીજે જન્મે સત્સંગમાં આવીને પ્રતિમાને દિવ્ય જાણે ને સર્વોપરી ઉપાસના સમજે ને આત્યંતિક મોક્ષને પામે.” ।।૧૦૦।।