સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧૨ને રોજ સાંજે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ ઝાડ ઉપર વરસાદ વરસે ને તેમનાં પાંદડાંમાં પાણી ભરાઈ જાય ત્યારે ઝાડની અને પાણીની બેયની હવાઓ આવે, તેમ મહારાજનો અને મુક્તનો ઉપરથી અને અંતરમાં બે પ્રકારે જોગ કરવો; તો દોષ ટળી જાય તે પાછા ફેર ઉદય ન થાય. જો એકલો ઉપરથી જોગ કરે તો સમીપમાં હોય ત્યાં સુધી દોષ દબાઈ રહે ને છેટે જાય ત્યારે ઉદય થાય; જેમ આકાશમાં મોદ બાંધી હોય તેની તળે રહે ત્યાં સુધી તાપ ન લાગે ને બહાર નીકળે એટલે તડકો લાગે તેમ. અંતરમાં જોગ કરવાથી તો જેમ આકાશમાં બધે વાદળાં ભરાઈ જાય તે સૂર્ય દેખાય જ નહિ તેમ. માટે બે પ્રકારે જોગ કરવો. કેટલાક વિદ્વાન અને ડાહ્યા હોય, પણ કામાદિક શત્રુ ન ટળે. કેટલાક કાંઈ ન સમજતા હોય, પણ મોટાની કૃપા થાય તો દોષરહિત થઈ જાય અને મૂર્તિના સુખે સુખિયા થઈ જાય. જેમ ઉપવાસીને જમવાની ત્વરા થાય છે તે રસોઈનો સામાન ભેળો કરીને રસોઈ કરે છે, તેમ તત્પર થઈને વિધિ એટલે સાધન કરે તો દોષ બળી જાય. જીવને મૂર્તિ ધારવાની શ્રદ્ધા નથી અને આળસ રાખે છે એટલે મૂર્તિ સિદ્ધ થાતી નથી. પુરુષપ્રયત્ન કરે તો મૂર્તિ દેખાય.”

“જેમ મોલમાં પાણી બહુ આવે તો રેચાઈને પીળો થઈ જાય તેમ સત્સંગના સમૂહમાં સદા રહે તેને મહિમા ન જણાય; પણ વર્ષે-બે વર્ષે દર્શન થાય તો સાક્ષાત્ શ્રીજીમહારાજનાં દર્શન જેટલો લાભ ને પ્રેમ થાય. જો આ સંત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે એમ વિચારે તો નિત્ય નિત્ય નવું હેત થાતું જાય. ને ભેળા રહ્યા થકા મહિમા સમજાય તો કામ પૂરું થઈ જાય. જેમ પાકશાળામાં બેઠો હોય તેને ભૂખ ન રહે અને ઉપવાસીને અન્નની ત્વરા બહુ રહે; તેમ સદા ભેળો રહેતો હોય તેને મહિમા ન જણાય. અને કોઈક દિવસ દર્શન થાય તેને મહિમા બહુ જણાય.”

“થોડા સંત હોય અને તે જો અંતર્વૃત્તિવાળા હોય તો તેના ભેળા મહારાજ ને અનંત મુક્ત હોય. એ મોટો જોગ છે તે સદા રાખવો. જેમ મંદવાડમાં ઊંડો ઊતરી ગયો હોય તેને બોલાવે તો બોલે નહિ, કેમ જે સુષુપ્તિમાં પણ સુખ આવે છે. તેમ મોટાના જોગવાળાને મહારાજનું અને મુક્તનું સુખ બહુ આવે છે. એને તો ઝાઝા મનુષ્યોમાં સુખ ન આવે; કેમ જે સાધનવાળાને ઉદ્‌ઘોષમાં શાંતિ ન થાય; તેને તો એકાંતમાં બેસીને ભજન કરવામાં શાંતિ રહે. અનાદિમુક્તને તો કાંઈ વિક્ષેપ છે જ નહિ. એમને તો અષ્ટાવધાનીની પેઠે સર્વે ક્રિયા સ્વતંત્ર થાય ને મૂર્તિ મુકાય નહિ. ઉદ્‌ઘોષ છે તે નવાને સમાસ કરનાર છે.” ।।૨૮।।