સંવત ૧૯૮૩ના કારતક સુદ-૮ને રોજ શ્રી ભારાસરના મંદિરમાં સવારે સભામાં વચનામૃત વંચાતું હતું.

તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ગાય-વાછરડાની પેઠે હીંસોરા કરતાં આવીને ભેળા થાઓ છો તે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમારૂપી ભાતાં બંધાય છે. આ વખત સારો છે તે જાણી લેજો. ‘પરમારથને કારણે પધાર્યા પૂરણકામ.’ આજ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, તે આપણને મળ્યા છે. અમે ડુંગરામાં રખડતાં આવીએ છીએ, પણ તમને દેખીએ છીએ ત્યારે શાંતિ થાય છે.”

ત્યારે સંત બોલ્યા જે, “આપ જે કહો છો તે તો અમારે કરવાનું છે. અમને દયા કરીને મૂર્તિમાં ખેંચી લેજો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “આપણે મૂર્તિનો આનંદ છે. આવા ભગવાન મળ્યા તે જરૂર ખેંચી લેશે. આપણે ભગવાન ભજી લેવા. આવા ગુરુ ને આવા ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે. આ લાભ મોટો છે; તેનો આનંદ સદાય રાખવો.”

બીજે દિવસે ભારાસરના મંદિરમાં બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “હરિજનો! આ સંતો બધા અનાદિમુક્ત છે ને ભગવાનરૂપ છે. તે પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ કરાવે છે અને અનુભવજ્ઞાન આપી સાક્ષાત્કાર કરાવે એવા છે એમ સમજજો. સત્સંગમાં કેટલાક સમજ્યા વિના સામસામા લડે છે. કોઈક તો અક્ષરથી બહાર નીકળતા જ નથી, એ તો અક્ષરમાં જ રહેવાના. આપણે તો આવા મુક્તનો જોગ રાખવો તો અનાદિમુક્ત થઈને મૂર્તિમાં રહેવાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “આ બધાને અનાદિ કરજો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આવશે તો અમારી નાય નથી.” પછી હરિભક્ત બોલ્યા જે, “અમે તો તમારા ચરણમાં છીએ, તો મહારાજનું સુખ અપાવજો.”

પછી સામતરાના ગોપાળ ભક્ત બેઠા હતા તેમને પૂછ્યું જે, “તમે ક્યાં સુધી પહોંચ્યા છો? ત્યારે તે કહે જે, “અક્ષર સુધી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “‘અક્ષર પર આનંદઘન, પ્રભુ કિયો હે ભૂપર ઠામ’ એ અક્ષરની સભા જુદી થઈ. આપણે તો અક્ષરથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છીએ. અહીં એક મંડળધારી આવ્યા હતા તે માથું કુટાવી કુટાવીને થકવી નાખ્યા, પણ માન્યું નહિ. એ બીજાનો શું ઉદ્ધાર કરીને મહારાજ પાસે લઈ જાય! સાકાર અક્ષરથી પર જે મહારાજના તેજરૂપ અક્ષરધામ તેમાં રહ્યા જે શ્રીજીમહારાજ તે પોતે પધારે ત્યારે તેમને ઓળખીને તેમનો આશરો કરે તો એ અનુભવજ્ઞાન આપીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી મૂર્તિમાં જોડી દે. કાં તો એ મૂર્તિમાં રહેનારા આવા અનાદિમુક્ત મળે તો એવી પ્રાપ્તિ કરાવે. તે વિના, સાધને કરીને એ સ્થિતિ પમાય નહિ. એવા મુક્તનો મહિમા તો અપાર છે. તે અ.મુ. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહેલ છે જે, ‘તમારા પરમહંસની મોટા મોટા દેવ તથા અક્ષરાદિક મુક્ત અને સર્વે અવતાર પ્રાર્થના કરે છે ને દર્શનને ઇચ્છે છે.’ એવી જ રીતે વિધાત્રાનંદ સ્વામીએ કરેલ ‘પુરુષોત્તમ નિરૂપણ’ તથા ‘ગોપાળાનંદ સ્વામીની વાતો’માં પણ મહિમા કહેલ છે.”

પછી તે દિવસે રાત્રિએ ગાંગજી પટેલે કહ્યું જે, “બાપજી! અમારા રંક ઉપર બહુ દયા કરીને પધાર્યા અને અમને બહુ સુખિયા કર્યા, બહુ કૃતાર્થ કર્યા.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે પથરામાં અને ભટુમાં ઊંટની ગાડીમાં પછડાતાં પછડાતાં આવ્યા તે જીવોનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. નહિ તો વૃષપુરના મંદિરમાં ઢોલિયામાં સૂતા હોઈએ નહિ! કોણ અમારો નિયંતા છે જે અહીં લાવે? બ્રહ્મા નથી, વૈરાજ નથી, પ્રકૃતિપુરુષ નથી, મહાકાળ નથી, વાસુદેવબ્રહ્મ નથી, અક્ષર નથી. એક શ્રીજીમહારાજ જ નિયંતા છે. એવડા મોટા અમે છીએ અને એવડા લાંબા અમારા હાથ છે, એ અક્ષરધામમાંથી અમે આવ્યા છીએ.”

પછી બોલ્યા જે, “આ મૂર્તિ ને આ સંત તે અનાદિ કરે એવા છે. આજ તો ખંપાળી નાખવા આવ્યા છીએ. તે જેમ લાંપડામાં ઝાકળ પડે તે ભીનું કરે, પછી ખંપાળી ફેરવે તે બધું તણાઈ આવે; તેમ આ સંત ભીના કરે છે. અમે ભેળા કરીએ છીએ એટલે મહારાજની મૂર્તિમાં લઈ જઈને સુખિયા કરીએ છીએ; તેમાં વળી કોઈ તરણું હેઠે પડી જાય તો પડ્યું રહે; તેમ કોઈ ન માને તો પડ્યા રહે છે.”

પછી આશાભાઈ પૂજા કરીને આવ્યા ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આશોબાપો પરવાર્યા તે કાંઈક નવા-જૂનું થવું જોઈએ એટલે અહીંથી ચાલવાનું થાય તેમ જણાય છે.” પછી એમ બોલ્યા જે, “આ સાચો સેવક છે.” ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, “આપને જોગે એ પણ મુક્ત થયા છે.” પછી બાપાશ્રી બોલ્યા જે, “શામળભાઈએ આપણે વિષે જીવ જોડ્યો છે તો હેત બહુ રાખે છે.”

એમ કહી બાપાશ્રી સંત-હરિજનો સહિત નાહવા પધાર્યા અને ત્યાંથી નારાયણપુર પધાર્યા. ।।૭।।