સંવત ૧૯૮૨ના માગશર સુદ-૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મુક્તજીવનદાસજીના ડોસા કલ્યાણ ભક્ત હતા તે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા અને ઢોલિયે વિરાજ્યા હતા તેમને કહે જે, ‘આ શ્રીજીમહારાજ છે.’ પછી તે તેડવા આવ્યા ત્યારે તે બોલ્યા જે, ‘આ ખાટલાવાળા ભગવાન મને તેડવા આવ્યા છે.’ એવા ભક્ત હતા; તેમના જેવા થાવું. અમારા ગામમાં એક કૂવો હતો તેમાંથી અયોધ્યાપ્રસાદજી મહારાજ પાણી પોતે સીંચીને નાહવા મંડ્યા એવા એ આચાર્યજી હતા. વાહ રે વાહ! અયોધ્યાપ્રસાદજી મહારાજ! તેઓ કારણ જે મહાપ્રભુજી તેમના સુખને સુખ માની તે સુખે સુખિયા રહેતા, તો ખારા-મોળાની ખબર નહોતી ને દૂધપાકમાં મીઠું જમી ગયા.”

“દેહાભિમાન હોય તો ચેલા કહે જે, ‘સ્વામી! ઊઠો, પાણી થયું છે’, ત્યારે સ્વામી નાહવા ઊઠે. માટે કારણમાં સુખ માનવું ને કારણ હાથ રાખવું. અમારે ગામ શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પધાર્યા તે છ ઘોડાની ગાડી હતી, તેમાં એક ઘોડો માંદો થયો તે બીજો લઈ આવ્યા ત્યારે ગામમાં પેઠા. આજ તો કાર્યમાં સુખ મનાય છે. તેમને અમે કહ્યું જે, ‘અયોધ્યાપ્રસાદજી મહારાજ બળદની ગાડીમાં એકલા આવ્યા હતા’, પછી તે હસ્યા.”

“જડ નડે છે. એક સાધુ બારની સાલમાં આવ્યા હતા, તેમને એક હરિજને રૂપિયા પાંચ દીધા, તેમને અચ્યુતદાસજી સ્વામીએ પ્રાયશ્ચિત્ત કરાવ્યું. વિદ્વાન હોય, પંડિત હોય, પણ જડમાં લોભાય તો તેથી ભગવાન કુરાજી થાય અને જો પ્રાયશ્ચિત્ત ન કરે તો જન્મ ધરાવીને પણ પ્રાયશ્ચિત્ત કરાવે, પછી મોક્ષ કરે.”

“‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન’ એક કારણ શ્રીજીમહારાજ તે ઓળખવા, અને સંત ઓળખવા જોઈએ તો જ આજ્ઞા પળે, પણ તે વિના તો આજ્ઞા પણ પળે નહિ ને મોક્ષ પણ થાય નહિ. કેવડા આદિક પુષ્પમાંથી સુગંધી આવે છે તે કળાય છે તેમ મુક્તને ઓળખવા.”

“શ્રી ગોપાળાનંદ સ્વામી તથા મહારાજ ચાર-પાંચ બ્રાહ્મણને તેડવા ગયા તેમને સંતોએ પૂછ્યું જે, ‘બ્રાહ્મણને તેડવા ગયા તેનું શું કારણ?’ પછી મહારાજે કહ્યું જે, ‘અમારા ગોપાળાનંદ સ્વામીનો વાયરો અથડાયો હતો તે પ્રતાપે તેડી ગયા.’ તે ખબર કેમ પડે? તો એમાં જીવ ખેંચાય તેથી માલમ પડે. માટે વિશ્વાસ અને હેત રાખવું તો મોક્ષ થાય, અને તર્ક કરે તો કાંઈ મોક્ષ ન થાય. તમે ગોપાળિયું જ્ઞાન કહેતા અને હવે ગાંડા થઈને વાંસે વાંસે કેમ ફરો છો?”

ત્યારે સ્વામી બોલ્યા જે, “હવે તો સ્વામીશ્રી નિર્ગુણદાસજીની વાતોએ રોટલા મળે છે.”

બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ વિનાના તે વાંઝિયા કહેવાય. જો ખરેખરો મહિમા સમજાય તો વાંધો રહે નહિ અને કોઈનો ડગાવ્યો ડગે નહિ. જો મહિમા ન હોય તો દાદા ખાચરનો દરબાર વંચાય છે એમ કહે, પણ એનો રસ ન લેવાય. આ અમારે મુખે મહારાજ પંડે વાતો કરે છે, આ મહારાજનાં વચન છે એમ જાણજો.”

પછી બોલ્યા જે, “વાંચો મહારાજ.”

એમ કહીને બોલ્યા જે, “મૂર્તિમાં રસબસ થઈ જાય તો મહારાજને ને એને છેટું ન રહે અને નિશ્ચય પણ એ જ કહેવાય. નિશ્ચય કાચો હોય તો કોઈ પાડી નાખે જે આમ કરે છે, આમ કરે છે; તેથી ડગી જાય. મહારાજની મૂર્તિ અખંડ રાખે તો જ એવો નિશ્ચય થાય અને જેને એવો નિશ્ચય હોય તે એમ જાણે જે મહારાજ ને મુક્ત તો જેમ છે તેમ ને તેમ છે અને અકર્તા ને નિર્લેપ છે. તમે બે ભુજાવાળા ભગવાન છો, પણ તે ઓળખવા દુર્લભ છે. જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી તે આ લીલા છે, તે અવતાર આ બેઠા છો; કેમ? છો કે નથી?”

ત્યારે સંત બોલ્યા જે, “બાપા, તમો કહો તો છીએ, શું કરવા ના પાડીએ?”

પછી બોલ્યા જે, “બીજા અવતારે કરીને શું થાય? કાંઈ ન થાય. આ અવતારથી આત્યંતિક મોક્ષ થાય. જેમ શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ ચાલતા તેમ તમે સંકલ્પ છો. માયિક આકારના ફોટા પાડીને તેની મૂર્તિ પડે છે તો દિવ્ય મૂર્તિના સંકલ્પની મૂર્તિ થાય તેમાં શું? એની લડાઈ કુંભારિયામાં ચાલી હતી. તેને ધનજીભાઈએ જવાબ આપ્યો જે, ‘સર્વે સૃષ્ટિ સંકલ્પની જ છે એમાં શું?’ માટે સત્સંગમાં મન બાંધવું. સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામી ઈસ્પિતાલના મેડા ઉપર રહેતા તે કોઈ હરિભક્ત જાય તેને એક સાધુ કહે કે, ‘જાઓ ઉપર એમની પાસે, અમારામાં તો કાંઈ નથી’ એમ બોલે. શાથી જે કારણ હાથ નહોતું આવ્યું તેથી લૂખું રહેવાતું.”

પછી મધ્ય પ્રકરણનું ૪થું વચનામૃત વંચાતું હતું તેમાં વાત આવી જે ભગવાન પ્રકૃતિપુરુષમાં આવે તોપણ જેવા છે તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે.

પછી બાપાશ્રી બોલ્યા જે, “ભગવાનને આવવું-જવું પડતું નથી. એ તો મહાતેજમાં રહ્યા થકા જ દેખાય છે, પણ આ લોકની દૃષ્ટિએ અવરભાવવાળાને મતે આવ્યા-ગયા છે.”

પછી બોલ્યા જે, “ઉદ્ધવ, નારદ, સનકાદિક અહીં સત્સંગમાં છે. ગોપીઓ તે અહીં છે, પણ બહાર લેવા ન જાવું. આ બધા સંત તમે ગોપીઓ છો ને આ સત્સંગી ઉદ્ધવાદિક છે એમ જાણવું. ‘પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.’ માટે મહારાજની આજ્ઞામાં ન વર્તાય તો ખોટ આવી જાય. મોટા હોય તે પ્રારબ્ધ ટાળી નાખે.”

ત્યારે ધનજીભાઈ બોલ્યા જે, “હા, બાપા. તમે મને આયુષ્ય વિના રાખ્યો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને સત્સંગના કામ માટે રાખ્યા છે. સત્સંગીને સુખ-દુઃખ પડે ત્યારે તમે બહુ કામના છો. તમે સત્સંગીને ઢાલરૂપ છો, તેથી અમે તમારું પ્રારબ્ધ ઠેલી મૂક્યું. કુંભારિયામાં એક વર્તમાન ચૂકેલો આવ્યો હતો તેને એના પક્ષમાં ભળીને ત્યાંના ભગવા લાવ્યા હતા, પણ તમે તરત ઉઠાડીને કાઢી મૂક્યો અને સાધુનું કાંઈ પણ ચાલ્યું નહિ. અને અમારો સંબંધી હતો, પણ અમે તેનો પક્ષ ન રાખ્યો; માટે સંબંધ જવા દેવો, પણ ધર્મ ન જવા દેવો.” એમ વાર્તા કરી.

પછી વાત કરી જે, “કથા, વાર્તા, માળા, કીર્તન, માનસી પૂજા કરે; પણ ધ્યાનમાં ન બેસાય તે મનુષ્યભાવે મહિમા સમજ્યો છે અને ધ્યાનમાં ને ધ્યાનમાં રહે તે દિવ્યભાવે મહિમા સમજ્યો છે એમ જાણવું. જ્યારે દિવ્યભાવ સમજાય ત્યારે મોટા પુરુષ રાત્રિ કહે તો રાત્રિ અને દિવસ કહે તો દિવસ એવું થઈ જાય, પણ તર્ક ન થાય.”

પછી બોલ્યા જે, “હરે, વાંચો. સંત માયા મેલીને ભાગ્યા, પણ લબક-ઝબક કરતી આવે છે. સુષુપ્તિમાં, સ્વપ્નમાં, જાગૃતમાં, સ્થૂળ દેહમાં પણ ઝાવાં નાંખે છે. એ તો જ્યારે મૂર્તિમાં કલ્પેકલ્પ વીતી જાય પણ તેમાંથી બહાર નીકળે નહિ ત્યારે માયા જાય. તે મૂર્તિ અપાર છે, પાર આવે એમ નથી. એ મૂર્તિના પમાડનારા મળ્યા છે. અનુભવજ્ઞાન (સાક્ષાત્કાર) થાય ત્યારે ખરેખરું જ્ઞાન કહેવાય, પણ ખોટાને ખોટું કરીએ તો અનુભવજ્ઞાન થાય નહિ. મહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં ખેંચીને લઈ જાય છે. માનકુવાના મૂળજી અને કૃષ્ણજી હતા તેમને અનુભવજ્ઞાન થયું હતું તે મહારાજની મૂર્તિને ખેંચી લેતા. તેમને મહારાજે વિમુખ કર્યા, પણ મહારાજને મૂક્યા નહિ એ સાચું અનુભવજ્ઞાન કહેવાય. ગૌરીશંકરે ‘ચૈતન્ય માયા’નો અર્થ ‘ભગવાન’ કહ્યા, એ ભક્ત તો બહુ સારો હતો, પણ આવડ્યું નહિ.” ।।૨૪૦।।