સંવત ૧૯૮૩ના કારતક સુદ-૬ને રોજ સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ સંતો ભારાસર આવ્યા ને બાપાશ્રી પણ ત્યાં પધાર્યા. બીજે દિવસે સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૧લું વચનામૃત વંચાતું હતું.

ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, “માયા તે શું? તો આ દેહ છે તે જ માયા છે. તેમાંથી હેત ટાળવું અને મૂર્તિમાં જોડાવું. મૂર્તિમાંથી તેજ હડડ હડડ નીકળે છે એવી એ મૂર્તિ છે, પણ મહિમા સમજવો જોઈએ. અ.મુ. સદ્‌. ગોપાળાનંદ સ્વામી કેવડા મોટા હતા! અને તેમના શિષ્ય સ્વામી નિર્ગુણદાસજી પણ તેવા જ સમર્થ, તોપણ તેમની કેટલાક નિંદા કરતા; હવે તેમને સંભારે છે. આ સભામાં એવા હોય, પણ ઓળખાય તો કામ થાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “જાઓ નાહવા.” ત્યારે સ્વામી બોલ્યા જે, “ભલે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “મૂર્તિમાં નહાવું એ ખરું છે. કેટલાક સાધનમાં અધિક માલ માને છે અને પ્રત્યક્ષ ભગવાન તથા પ્રત્યક્ષ સંત તેને ઓળખે નહિ ને મૂર્તિમાં જોડાય નહિ; પણ મૂર્તિમાં જોડાવું એ જ ખરું છે. હરિજનો! આ વાત સર્વે સમજી રાખજો, મહારાજને તથા આ સંતને ઓળખજો. અમે આજે જઈશું.” ત્યારે હરિજનો બોલ્યા જે, “આજ તો રહેવું જોઈશે; કાલે પધારજો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “કલ્યાણ કરશો તો કાલે પણ રહીશું. અમને ઓળખજો. અમે અક્ષરધામમાંથી તમને સર્વને ખણવા (લઈ જવા) આવ્યા છીએ. તે ખંપાળી નાખી છે, પણ ખંપાળી નાખતાંય કોઈ પડ્યા રહે તેનું શું કરવું? તે તો રહી જાય. માટે કોઈ રહેશો નહિ.” ।।૬।।