સંવત ૧૯૫૬ની સાલમાં બાપાશ્રી હરિભક્તો સાથે આગબોટમાં બેસીને ગુજરાત તરફ પધારતા હતા તે આગબોટમાં મેમણ લોકો તથા બીજા માણસો પણ બેઠા હતા. આગબોટ બરાબર સમુદ્રના કંડલાના મધ્યોમધ્ય આવી ત્યાં તોફાન થયું તે બૂડવાનો સંભવ થયો. ત્યારે ખારવાઓએ કહ્યું જે, “ભાઈઓ! સૌ સૌના ઇષ્ટદેવ સંભારો. અમારું હવે કાંઈ કારીગરું ચાલે તેમ નથી ને આગબોટ બૂડવા માંડી છે.”

પછી સહુ ત્રાસ પામ્યા ત્યારે બાપાશ્રીએ આગબોટમાં બેઠે બેઠે લાંબા હાથ વધારીને બેય બાજુએ આગબોટ હેઠે ઘાલ્યા ને આગબોટને ઉપાડી તે એક મેમણ જબરો શેઠીયો માંહી બેઠેલ તેણે જોયું. પછી તો આગબોટ તરીને સમી થઈ. ખારવાએ ચાલતી કરી ને વવાણિયાના ખાળે આવી ને સૌ ઉતારુઓ ઊતરી પડ્યા.

પછી મેમણે ઊતરીને પોતાની પાસે મેવાનો ભરેલો કંડિયો હતો તે બાપાશ્રીને આપ્યો અને સૌના સાંભળતાં બોલ્યો જે, “આ પુરુષે આપણ સર્વેને જીવતા રાખ્યા, નહિ તો આજ સર્વેનું મોત હતું. આ તો બહુ જ મોટા સમર્થ પુરુષ છે તે લાંબા હાથ વધારીને આગબોટ હેઠે રાખીને આગબોટ ઊંચી ઉપાડી તે ઠેઠ અહીં લગી હેઠે હાથ રાખતાં આવ્યા છે તે હું જોતો આવું છું.” તે વાત સાંભળી સર્વે વિસ્મિત થઈ ગયા. પછી બાપાશ્રી ટ્રામમાં બેઠા. તે કંડિયામાં જે મેવા હતા તેની પ્રસાદી મુળી સુધી સૌને વહેંચતાં વહેંચતાં આવ્યા. ।।૧૫।।