સંવત ૧૯૮૪ના કારતક વદ-૪ને રોજ સવારે સભામાં પુરાણી કેશવપ્રિયદાસજી સંતના મહિમાની વાત કરતા હતા.

ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, “પ્રથમ તો આસુરી જીવો સંતોને બહુ દુઃખ દેતા, તે જ્યાં જાય ત્યાં કોઈ મારે, કોઈ કાઢી મૂકે, કોઈ તિરસ્કાર કરે. ગામમાં મંદિર નહિ તેથી જ્યાં ત્યાં ઊતરવાનું હોય. વળી તે વખતે ત્રણ વર્ણની તૈયાર ભિક્ષા લેવાની આજ્ઞા હતી તેથી જ્યાંથી મળે ત્યાંથી મહારાજને સંભારી જમી લેતા, પણ આવું સાનુકૂળ નહોતું. એક વખત કોઈ હરિભક્તે સાધુઓને જમાડવા બાજરાની ઘેંશ કરાવી. તે સાધુ જમવા બેઠા તેની કુસંગીને ખબર પડી એટલે ત્યાં આવીને પથરા મારવા માંડ્યા તેથી સાધુઓ જમતાં જમતાં ઊઠીને ભાગી ગયા, એવાં દુઃખ હતાં. રાજ્યમાં પણ કોઈ વાત સાંભળે નહિ.”

“આજ તો મોટાં મોટાં મંદિરમાં રહેવાનું, નાહવાનું, જમવાનું સરખું, હરિભક્તો પણ બહુ બળિયા અને રાજ્ય પણ એવું જે કોઈ આંગળી ચીંધી ન શકે. અત્યારે તો એકલા છપૈયે ચાલ્યા જાઓ તોપણ કોઈ વાટમાં પૂછે નહિ. પ્રથમ તો એક ગામથી બીજે ગામ જવામાં વિચાર થતો. સાધુનાં મંડળ દેશમાં ફરીને આવતાં ત્યારે અજ્ઞાની જીવોએ આપેલાં દુઃખની વાતો સાંભળીને મહારાજનાં નેત્રમાંથી આંસુ આવતાં. હવે તો સ્વામિનારાયણના સાધુને જુવે તો જાણે ભગવાનનાં દર્શન જેવો મહિમા. એવો મોટા સંતના વૃત્તાંતથી ભાર પડતો, પણ હવે પાછો કેટલાકને મહારાજનાં વચનમાં ફેર પડતો જણાય છે તેથી એકબીજાનાં રૂપ ઉઘાડાં થાય છે, કલેશ થાય છે. એ માર્ગ જ એવો છે.”

“જેને આ દેહે એક મહારાજને રાજી કરી લેવા હોય તેને તો પોતાના ઠરાવ પડ્યા મૂકી શીળા થઈ જવું; તો મૂર્તિનું સુખ આવે. મહારાજ સર્વ કર્તા-હર્તા છે, અંતર્યામી છે; તેથી એ જે કરશે તે ઠીક જ કરશે. માટે સત્સંગમાં દાસપણું અને નિર્માનીપણું રાખવું અને ઢાળ પણ એવો જ પાડવો; તેમાં સુખ બહુ છે. એ ઢાળમાં મહારાજની પ્રસન્નતા વહેલી થાય છે. તે વિના તો ‘હું અધિકારી, હું મહંત, હું કોઠારી’ એવું માન આવી જાય અને પક્ષાપક્ષી વધે. આ જીત્યો ને આ હાર્યો એમ થાય, પણ ખરી હાર-જીત એ નથી. મહારાજ તથા મોટાને આશરે રહી તેમને રાજી કરે તેની જીત છે અને એ દિવ્ય મૂર્તિઓને ભૂલીને એ કુરાજી થાય તેવું કરે તેની હાર છે.”

“જેને મૂર્તિનું સુખ લેવું હોય તેને તો બધી તાણાતાણ મૂકી મહારાજનું ધ્યાન કરવું. મૂર્તિનું સર્વે વાતમાં બીજ લાવવું. અમો ખેતરમાં પણ બીજ પ્રથમથી વાવી મૂકીએ; કેમ જે એ ખેતરનું કારણ ગણાય. તેમ શ્રીજીમહારાજને અનંત કોટિ બ્રહ્માંડ, અનંત અવતાર તથા અનંત મુક્તના કારણ જાણીને સર્વે વાતમાં એ મૂર્તિ મુખ્ય રાખવી, તે વિના કોઈથી આત્યંતિક મોક્ષ થાય તેવું નથી. એ મૂર્તિને લઈને જ બધાની મોટાઈ છે. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે તે મૂકે તેવા તો નથી, પણ આપણે અહંમમત્વ કરીને મૂર્તિથી જરાય જુદા ન પડવું; નહિ તો માયા ખિજાણી છે તે રૂપ ઉઘાડાં કરાવે.” ।।૧૨૦।।