સંવત ૧૯૮૪ના ફાગણ વદ-૭ને રોજ નારાયણપુરના ધનજીભાઈને મંદવાડ વધુ જણાવાથી તેમના નાના દીકરા હરજીભાઈએ વૃષપુર આવી બાપાશ્રીને પ્રાર્થના કરી તેથી તેમને દર્શન દેવા પોતે નારાયણપુર પધાર્યા. બાપાશ્રીને જોઈને ધનજીભાઈ બેઠા થઈ ગયા અને જય સ્વામિનારાયણ કહી મળ્યા. તે વખતે બાપાશ્રીએ તેમના શરીર પર હાથ ફેરવીને કહ્યું જે, “કાંઈ ફિકર રાખશો નહિ, મહારાજ સારું કરશે.”

ત્યારે ધનજીભાઈએ કહ્યું કે, “બાપા! આપની કૃપાએ મારે કાંઈ ફિકર નથી. પણ આપને મારે અરજ એટલી કરવાની છે જે આથી પહેલાં જ્યારે જ્યારે મંદવાડ થઈ ગયેલો ત્યારે ત્રણ-ચાર વખત સાંધા દઈ દઈને મને રાખ્યો છે. તો આ વખતે મારી માગણી એવી છે કે હવે મને દયા કરી મહારાજની મૂર્તિમાં જોડી દો. મારે હવે મૂર્તિ વિના બીજો કાંઈ સંકલ્પ નથી.”

ત્યારે બાપાશ્રી કહે જે, “તમે સાવ ઉદાસ કાં થાઓ? અમારે તમારું આ લોકમાં કામ પડે તો રાખવાય જોઈએ.”

ત્યારે ધનજીભાઈએ બહુ પ્રાર્થના કરી જે, “બાપા! હવે મને આ લોકમાં રહેવાની મુદ્દલ ઇચ્છા નથી, માટે દયા કરી મહારાજના સુખમાં મૂકી દો.”

એવાં વચન સાંભળી બાપાશ્રી અતિ પ્રસન્ન થયા ને કહ્યું જે, “ભલે, તમે જાઓ. અમે પણ પાછળથી આવીએ છીએ.” એમ કહી તેમના ત્રણે દીકરાઓને ભલામણ કરી જે, “તમો સર્વે હવે ધનજીભાઈની સેવા બરાબર કરજો. તેમની વૃત્તિ હવે મહારાજની મૂર્તિ સન્મુખ થઈ ગઈ છે.”

પછી બાપાશ્રી તથા સૌ ઘરનાં માણસો પાસે બેઠા હતા. તે વખતે ધનજીભાઈ પ્રાર્થના કરવા લાગ્યા જે, “બાપા! આપે જે જે વરદાન આપ્યાં હતાં તે બધાંય સત્ય કર્યાં.” એમ કહી નેત્ર પ્રેમનાં આંસુથી ભરાઈ ગયાં.

પછી હાથ જોડીને બોલ્યા જે, “બાપા! બહુ દયા કરી. મહારાજને લાવ્યા, સંતોને લાવ્યા, સર્વે દિવ્ય તેજોમય. બાપા! તમે પણ આવા તેજોમય છો.” એમ કહી ઊંડા ઊતરી ગયા. વળી થોડી વારે જાગૃત થઈ હાથ જોડીને બોલ્યા જે, “બાપા! તમે બહુ દયા કરી. તમે આવા દયાળુ છો.”

ત્યારે બાપાશ્રી કહે, “ધનજીભાઈ! મહારાજમાં વૃત્તિ જોડી મેલો. એ મૂર્તિમાં તેજની સેડ્યો તથા ફુવારા છૂટે છે. માંહી અનંત મુક્ત સાકાર થકા રહ્યા છે, માટે મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહિ અને કાંઈ બોલવુંય નહિ.” એમ કહી ધનજીભાઈને શાંત કર્યા. પછી બાપાશ્રીએ તેમના પુત્રાદિકને ભલામણ કરીને કહ્યું જે, “તમે હવે ચિંતા મ કરજો. ધનજીભાઈ તો મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા છે.”

ત્યારે તેમના સંબંધીઓએ કહ્યું જે, “બાપા! આ ધનજીભાઈ વિના અહિં તો દુકાળ જેવું લાગશે.”

તે વચન સાંભળી પોતે બોલ્યા જે, “આ દુકાળ તો બહુ નહિ જણાય, પણ જ્યારે મોટો દુકાળ પડશે ત્યારે સૌને ખબર પડશે.” એમ કહી સૌને પાસે રહેવાની ભલામણ કરી બાપાશ્રી વૃષપુર પધાર્યા.

વળી ધનજીભાઈ પાછલી રાત્રે બેઠા થઈને પગે લાગવા મંડ્યાં ને બોલ્યા જે, “વાહ મહારાજ! વાહ મારા બાપ! મારા પર ઘણી દયા કરી.”

સાથે બાપાશ્રીનાં દર્શન થતાં હતાં. તેમને પણ કહ્યું જે, “બાપા! ઓરા આવો. તમે આવા તેજોમય! આજ દિવસ સુધી આવા કેમ દેખાતા નહોતા? આજ તો ભારે દયા કરી.”

તે વખતે ઘરમાં તેમના સંબંધી તથા ત્રણ પુત્રો રામજીભાઈ, લાલજીભાઈ તથા હરજીભાઈ આદિ જાગતા હતા. તે વખતે નાના દીકરા હરજીભાઈએ કહ્યું જે, “બાપા! તમે આ શું બોલો છો?”

ત્યારે તેના સામું જોઈને કહે, “હરજી બચ્ચા! ઘરનાં સૌ દર્શન કરો, આવડી સભા અહીં બેઠી છે ને તું મને એમ કેમ પૂછે છે જે શું થાય છે? આ મહારાજ! આ બાપા! આ સંત બધાય તેજોમય બેઠા છે.”

એમ કહી વળી ઊંડા ઊતરી ગયા. ઘરના માણસોએ એમ જાણ્યું જે આમની વૃત્તિ મૂર્તિ આકારે થઈ ગઈ છે ને બાપાશ્રીએ આપણને સેવા કરવાનું કહ્યું છે, તેમાં જમવાનું તથા પાણી પાવાનું એમની મરજી પ્રમાણે આપણે કરીએ છીએ, પણ બીજી સેવા કરવાની હવે રહી નહિ. પણ તેમને શ્રીજીમહારાજ તથા દિવ્ય સભાનાં દર્શન થાય છે તે લાભ આપણને મોટો મળ્યો. એમ વિચારી ઘરનાં નાનાં-મોટાં સૌ પ્રાર્થના કરી પગે લાગ્યાં ને કહ્યું જે, “અમારા સૌની ઉપર રાજી રહેજો.”

તે વખતે ધનજીભાઈ પણ સર્વેને હાથ જોડી જય સ્વામિનારાયણ કહી પગે લાગવા મંડ્યા ને બોલ્યા જે, “વાહ મહારાજ! વાહ દયાળુ! ભલે આવ્યા. ઘણી ખમા! બહુ દયા કરી. હે મહારાજ! તમે ભક્તવત્સલ ખરા. આ ટાણે મારી સંભાળ લીધી, મહારાજ તમે મારી લાખેણી લાજ રાખી.”

એમ કહી હાથ જોડી વળી સૂઈ ગયા અને સૂતાં સૂતાં હાથ જોડી પગે લાગતાં બોલ્યા જે, “બાપા! તમે ખરે ટાણે મહારાજને લઈને પધાર્યા.” એમ કહી મૌન રહ્યા.

થોડી વાર થઈ ત્યારે પોતે સૂતાં સૂતાં હાથ જોડતા હતા. તે વખતે તેમના દીકરાઓએ પૂછ્યું જે, “શું કરો છો?” ત્યારે ધનજીભાઈ કહે, “બાપાને પગે લાગું છું.” ત્યારે તેમના દીકરાઓએ કહ્યું જે, “બાપા ક્યાં છે?” તો કહે, “આ રહ્યા. આ નદીના ધરે નહાય.”

પછી તેમના દીકરા હરજીએ ખબર કાઢી તો બાપાશ્રી નહાતા હતા. તે તેડી આવી દર્શન કરાવ્યાં. એ રીતે બાપાશ્રીએ ધનજીભાઈને નિરાવરણ કરી દીધા. ।।૧૨૭।।