સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૪ને દિવસે સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ સત્સંગમાં સત્સંગ ઓળખાણો એટલે શ્રીજીમહારાજ અને મુક્ત ઓળખાણા તે કારણ હાથ આવ્યું. મહારાજ અને મુક્ત એ બે કારણ છે. અને મંદિરો, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, સત્સંગી એ સર્વે કાર્ય છે. તેમાં ઘણાક જીવ છે તે બિચારા જેમ સમજવું જોઈએ તેમ સમજી શકતા નથી. તેમને તમારા જેવો લાભ નથી. આ મોટાને સમાગમે કરીને જેને પુરુષોત્તમનો મહિમા જણાય છે એને સર્વત્ર પુરુષોત્તમ ભાસે છે; પણ માયા કે બ્રહ્માંડ કે કાંઈ જણાતું નથી તે માયા ટળી ગઈ જાણવી.”

“મોટા વાતો કરે છે તે મહારાજનો ને મુક્તનો ભેળો મહિમા કહે છે, પણ મહારાજને મૂકીને એકલો મુક્તનો મહિમા નથી કહેતા. આ શ્રી વૃષપુર ગામના નાના રત્ના ભક્તે દેહ મૂક્યો તે વખતે જેમ મણિનો સમૂહ ઠસાઠસ ભર્યો હોય તેમ આખી પૃથ્વીમાં મહારાજ ને મુક્ત ભર્યા છે એવું ભુજમાં સ્વામી અચ્યુતદાસજીને દેખાયું. માટે સાધનદશાવાળાને મોટાનો જોગ કરીને એવી સમજણ દૃઢ કરવી; તો સર્વે દિવ્ય દેખાય, એટલે કોઈનો અવગુણ ન આવે ને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને મહારાજની મૂર્તિને એના જીવમાં મોટા મુક્ત પધરાવી દે. માટે મોટાને વિનંતી કરીને મૂર્તિમાં વળગી પડવું, પણ બીજો સંકલ્પ તથા મનન કરવું નહિ.”

“જો મૂર્તિના સુખમાં ઊતરે તો સાધનમાત્ર તે ભેળાં જ સિદ્ધ થઈ જાય છે. પણ મૂર્તિને મૂકીને અનંત કલ્પ સુધી સાધન કરે તોપણ કાંઈ સિદ્ધ થાય નહિ. જેમ ઘાંચીનો બળદિયો ફર્યા કરે, પણ પંથ ખૂટે નહિ, તેમ એકલાં સાધનથી પાર આવે નહિ; ને મૂર્તિ આવે તો કાંઈ અધૂરું રહે જ નહિ. જેમ સૂર્ય ઊગે ત્યારે રાત્રિ રહે જ નહિ તેમ. માટે નવા આદરવાળાને પણ મૂર્તિનું અનુસંધાન રાખીને તે ભેળાં સાધન કરવાં; તો માયા વહેલી ટળી જાય. બ્રહ્માંડ, સિદ્ધિઓ, ઐશ્વર્ય એ આદિક જે જે શ્રીજીમહારાજનો વિયોગ કરાવનાર છે તે દેહ ખોટો કરીએ તો તેના ભેળાં સર્વે ખોટાં થઈ જાય છે. અને એક મહાપ્રભુજીની મૂર્તિ આવી તો સર્વે સત્ય વસ્તુ હાથ આવી. તે સત્ય વસ્તુ કઈ? તો મહાપ્રભુજીની મૂર્તિ તથા મૂર્તિનું સુખ તથા મુક્ત એ સત્ય છે ને તે સર્વે મૂર્તિમાં છે, પણ મૂર્તિથી બહાર નથી. જેમ પૃથ્વીમાં રજ છે તથા અનંત પદાર્થ છે તેમ મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ તથા ઐશ્વર્ય તથા અનાદિમુક્ત છે તે મૂર્તિ આકારે વૃત્તિ એકતાર થાય ત્યારે એ સુખ મળે છે. મોટા રાજી થઈને કહે જે, ‘માગો’, ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ માગવી એટલે બધુંય આવી ગયું. માટે મૂર્તિ વિના બીજું માગવા જેવું નથી.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સિદ્ધદશાવાળા અનાદિમુક્ત અખંડ મૂર્તિમાં રહેતા હશે તે જેમ દેહમાં જીવ રહે છે તેમ જ રહેતા હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, એમ જ રહે છે. અને જે એમનો સમાગમ કરે તેમને પણ એવી જ સ્થિતિવાળા ને એવા જ સ્વતંત્ર કરે છે.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “સંગ કરનારને ખબર કેમ નહિ પડતી હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ બાળક ઉપર બાપને હેત હોય તે છોકરાના ખિસ્સામાં સારી વસ્તુ છાની રાખી મૂકે તે છોકરું જાણે નહિ, પણ જ્યારે ખિસ્સામાં હાથ નાખે ત્યારે હાથમાં આવે ને જમે; તેમ જીવમાં એ સુખ મોટાએ ઘાલી મૂક્યું છે, પણ જીવને ખબર નથી. તે જ્યારે ધ્યાને કરીને જોશે ત્યારે દેખાશે, અથવા અંત સમયે મોટા દેખાડશે ત્યારે ખબર પડશે.” એટલી વાત કરીને સમાપ્તિ કરી. ।।૪।।