સંવત ૧૯૮૪ના ચૈત્ર માસમાં બાપાશ્રીએ મહામોટો યજ્ઞ કરવા ધાર્યું હતું તે યજ્ઞનું પરિયાણ કરવા સારુ કણબીની નાતના ગામોગામના હરિભક્તોને તેડાવેલા, તે ફાગણ વદ-૧૪ને રોજ આવ્યા હતા.

તે સર્વે પ્રત્યે બાપાશ્રીએ કહ્યું જે, “આ અમારો છેલ્લો યજ્ઞ છે માટે તમો સૌ ભાઈઓ મળીને અમારો યજ્ઞ સુધારી દો. અમે તમારી નાત નથી, જાત નથી, કોઈના બાપ નથી, કોઈના દીકરા નથી, કોઈના સગા-સંબંધી નથી. અમે તો અવતારી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના અવતાર જે અનાદિમુક્ત તે છીએ. આ યજ્ઞમાં આવી જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ કરશું, માટે જેને આત્યંતિક મોક્ષ જોઈતો હોય તે જમવાની હા પાડો.” પછી સર્વે બોલ્યા જે, “બાપા! અમે સર્વે જમવા આવશું અને સેવા બતાવશો તે કરશું.”

તે વખતે પણ બાપાશ્રી એમ બોલ્યા જે, “હવે અમને તમે ત્રણ મહિના સુધી દેખશો, પછી આ મુખ જોવાની આશા રાખશો નહિ.” એમ કહીને વાડીએ પધાર્યા. ત્યાં પરદેશથી બે હરિભક્તો દર્શને આવ્યા હતા તેમણે બાપાશ્રીની દીકરી રાધાબા ધામમાં ગયેલાં તેનો ખરખરો કર્યો.

ત્યારે પણ બાપાશ્રી એમ જ બોલ્યા જે, “આ તો કરવરિયું વર્ષ થયું, તેમાં શું શોક કરો છો? કાળ તો હવે પડવાનો છે, તે થોડા વખતમાં પડશે.”

યજ્ઞ પ્રસંગે ગુજરાતમાંથી સંતોને કાગળો લખી તથા તાર કરી તેડાવેલા હોવાથી ચૈત્ર સુદ-૧ને રોજ અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ બાવીશ સંતો ભુજમાં ઠાકોરજીનાં દર્શન કરી વૃષપુર ગયા અને સૌ મહારાજને દંડવત કરી બાપાશ્રીને મળ્યા.

પછી બાપાશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહે જે, “આવડલી વાર ક્યાં લગાડી વીરા!” એમ કહીને બોલ્યા જે, “અમે પોષ માસમાં તમોને પત્ર લખ્યો હતો જે, ‘આપણે છત્રી ઉપર ધર્મશાળા કરી છે, તે નિમિત્તે યજ્ઞ કરાવવાનો ઠરાવ આપણે કર્યો હતો, તે હવે નક્કી કર્યું છે. અને આ મંદિરની જે મેડી કરી છે તેનું ભર્યું કરવાનું સંત-હરિભક્તો અમને કહે છે. તો તે બન્ને જગ્યાઓનું ભર્યું કરવા નિમિત્ત આપણે પારાયણ કરવાની છે. માટે પંદર દિવસ અગાઉથી એટલે ફૂલડોલ પછી તરત જેટલા સંતોને લાવવા હોય તેટલા સંતોને સાથે લઈને જરૂર આવજો.’ પછી કથાનો દિવસ ચૈત્ર સુદ-૧૩ સોમવારથી ચૈત્ર વદ-૬ બુધવારનો નક્કી કરીને તાર કર્યો જે, ‘તમે જલદી આવો અને કંકોત્રી છપાવતા આવજો. તમે આવશો તે પછી કંકોત્રી લખાશે.’ એવી વિગતનો પત્ર પણ તમને લખ્યો હતો તેથી તમે આવી પહોંચ્યાં તે બહુ સારું કર્યું.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “અમે ચૈત્ર સુદ-૧ને રોજ ભુજ આવ્યા. ત્યાંથી દેશદેશના હરિભક્તોને આપશ્રીના લખવા પ્રમાણે કંકોત્રી લખી મોકલી અને ચૈત્ર સુદ-૪ને રોજ સાંજના નારાયણપુર થઈને અહીં આવ્યા.”

પછી બાપાશ્રી બહુ રાજી થયા ને બોલ્યા જે, “અમે વાટ જોતા હતા ત્યાં તમો સર્વે આવ્યા તેથી આ દિવ્ય મૂર્તિઓનો મેળાપ થયો. આ યજ્ઞ તમને અને સર્વ હરિભક્તોને તેડાવીને મૂર્તિનું સુખ આપવા સારુ કરીએ છીએ. અમે ભુજ યજ્ઞનો દિવસ નક્કી કરવા ગયા હતા, ત્યાં સંતોએ કહ્યું જે, ‘કથા વાંચવા કેને બોલાવશું?’ ત્યારે અમે કહ્યું જે, “આપણે કોરીઓ ખરચીને સાધુઓને ભણાવ્યા છે તે શું કરશે? અમે તો એમની પાસે જ કથા વંચાવશું.’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘બહુ સારું; આપની મરજી.’”

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! ધનજીભાઈની ખોટ બહુ આવી, પણ તેના દીકરાઓ સમજુ સારા છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તે પણ ખરેખરા છે. અમને આવીને એમ કહ્યું જે, ‘બાપા! આપે યજ્ઞની તિથિ નક્કી કરી છે તે ફેરવશો નહિ.’ અને ધનજીની તો વાત જ શી કહેવી! દેહ મૂકતી વખતે તેમના દીકરાઓએ કહ્યું જે, ‘બાપાને અહીં તેડાવીએ?’ ત્યારે ધનજીએ એમ કહ્યું જે, ‘એમણે તો મને નિરાવરણ કરીને મૂર્તિનું સુખ દેખાડ્યું છે. મહારાજ તથા મોટા મોટા સંત આ રહ્યા, બધાય તેજોમય છે. બાપાશ્રી પણ આ રહ્યા.’ ત્યારે તેમના દીકરાઓ કહે, ‘બાપા ક્યાં છે?’ ત્યારે ધનજીભાઈ કહે, ‘બાપા તો આ નદીના ધરામાં નહાય; જાઓ તેડી આવો.’ પછી અમે ખળખળીએ નહાતા હતા ત્યાં તેના દીકરા તેડવા આવ્યા એટલે અમે ગયા. વાહ રે વાહ! ધનજી!” એમ કહીને બાપાશ્રીનાં નેત્ર સજળ થઈ ગયાં.

પછી બોલ્યા જે, “દીકરા પણ એવા જ છે. અમે એમને કહ્યું જે, ‘તમે ધનજીની પાછળ કોઈ રોક્કળ કરશો નહિ, તે તો મૂર્તિના સુખમાં બેઠા છે.’ અમારાં વચનથી તેમણે એક આંસુ પણ પડવા આપ્યું નહિ અને વિવાહ જેવો ઉત્સવ કર્યો. આ યજ્ઞ પણ વિવાહ જેવો કરવો છે.”

ત્યારે સંતોએ કહ્યું જે, “આપ જેને મળ્યા ને કૃપાદૃષ્ટિ કરી તેને એવું હોય તેમાં શું કહેવું?”

એમ વાત કરતા હતા તે વખતે રાત્રિના બાર વાગ્યા. પછી સંતોને કહ્યું જે, “તમે હવે સૂઈ જાઓ.” એમ કહી પોતે પણ પોઢી ગયા. ।।૧૨૯।।