બાપાશ્રીના કાર્ય પ્રસંગે અમદાવાદ તથા મુળીથી આવેલા સંતો અને આશાભાઈ જેવા બાપાશ્રીની સેવામાં નિરંતર રહેનારા હરિભક્તો પંદર-વીસ દિવસ રહીને જ્યારે ગુજરાત તરફ જવા નીકળ્યા, ત્યારે બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક સંબંધીજનો તથા ગામ-પરગામના ઘણા હરિભક્તો એક ગાઉ સુધી વળાવવા આવ્યા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી સૌને “પાછા વળો, ઊભા રહો” એમ કહે, પણ કોઈ પાછા જ ન વળે. કેમ જે હવે બાપાશ્રી અંતર્ધાન થયા પછી મૂર્તિના સુખની વાતો કરનાર આ બન્ને સદ્‌ગુરુઓ હોવાથી સૌ હાથ જોડી પ્રાર્થના કરે, આશીર્વાદ માગે.

એ સર્વેને ઊભા રાખી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “તમે હવે બાપાશ્રીની આજ્ઞા પ્રમાણે પરસ્પર મૂર્તિના સુખની વાતો કરી સુખિયા રહેજો. બાપાશ્રી ક્યાંય ગયા નથી. જ્યાં શ્રીજીમહારાજ છે ત્યાં બાપાશ્રી છે, અનંત કોટિ મુક્ત છે એમ જાણી તેમને સંભારી રાજી રહેજો.”

એમ કહી સૌને પાછા વાળ્યા ને સંતો ભુજ ગયા. ત્યાં બે દિવસ રહ્યા ત્યારે ભુજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ, મોતીભાઈ, નારાયણભાઈ આદિક ભક્તોએ પ્રાર્થના કરી જે, “સ્વામી! આપ હજી એકાદ માસ વધુ રોકાઈને બાપાશ્રીને દેન દીધેલ છે તે ઠેકાણે સ્મૃતિરૂપ સ્થાન કરાવો તો સારું; કેમ કે એ જગ્યા મહા પ્રસાદીરૂપ છે. શ્રીજીમહારાજ જ્યાં બિરાજેલા હતા, તે ઠેકાણે બાપાશ્રીએ છત્રી કરાવી મોટો યજ્ઞ કરી મહારાજનાં ચરણારવિંદ પધરાવ્યાં છે અને ત્યાં દર્શન કરનારાઓને આત્યંતિક મોક્ષનો આશીર્વાદ આપ્યો છે. એવી પવિત્ર ભૂમિમાં જ બાપાશ્રીના પ્રગટ થવાનું નિમિત્ત થયું. વળી તેમનો છેલ્લો વિધિ પણ ત્યાં જ થયો તેથી એ સ્થાન બહુ ચમત્કારી ગણાય છે. માટે આપ દયા કરી જ્યાં બાપાશ્રીને દેન દીધેલ છે ત્યાં છત્રી કરાવીને પછી જાઓ તો સારું.”

પછી સદ્‌ગુરુઓ આદિ સંતોને એ વાત ઠીક લાગી એટલે વૃષપુરથી મિસ્ત્રી ગોવિંદ અરજણ મેપાણીને તેડાવીને નકશો કરાવ્યો તે જોઈ સૌ હરિભક્તો રાજી થયા ને કહ્યું જે, “સ્વામી! આપે રોકાવાનું કર્યું તે ઠીક થયું.”

પછી મિસ્ત્રી ગોવિંદ અરજણ તથા બીજા જે જે એ કામ કરી શકે તેવા માણસોને સાથે લઈને થોડાક સંતોએ સહિત સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર આવ્યા. ત્યાં ગામના હરિભક્તોને આ વાત કરી ત્યારે તે પણ રાજી થયા ને કહ્યું જે, “સ્વામી! આ કામ માટે તમો ભુજથી પાછા આવ્યા તે બહુ સારું કર્યું. આવું બાપાશ્રીની સ્મૃતિરૂપ સ્થાન થતાં અનેક જીવોનો મોક્ષ થશે.” એમ કહી એ કામ ચાલતું કર્યું. ગામના હરિભક્તો પણ આ કામમાં અતિ હેતે સહિત સેવા કરતા. સૌને એમ જે આવી દિવ્ય સેવા આપણને ક્યાંથી મળે?

પછી વેકરાના મિસ્ત્રી વીરજી મનજીભાઈને મિસ્ત્રી ગોવિંદભાઈએ તેડાવીને કહ્યું જે, “આપણે છત્રીનું કામ કરવું છે તે માટે સ્વામીશ્રીએ તમને તેડાવ્યા છે.” એવું સાંભળી તે પણ બહુ રાજી થયા ને ઠાકોરજીનાં તથા સ્વામી આદિ સંતોનાં દર્શન કરીને બોલ્યા જે, “સ્વામી! આપે મારા પર ઘણી દયા કરી ખબર આપ્યા તે ઠીક કર્યું. મને બાપાશ્રીના રાજીપાની તાણ ઘણી રહી છે; કેમ કે જ્યારે માધાપુરના મંદિરનું કામ ચાલતું હતું ત્યારે નારાયણભાઈની મેડી ઉપર બાપાશ્રીએ પ્રસન્ન થઈને મને એમ કહેલ જે, ‘તમે કારીગર છો, પણ જે જે કામ કરો તે મહારાજની મૂર્તિને સંભારીને કરજો.’ એમ કહ્યું છે ત્યારથી મને એ વચન સાંભર્યા કરે છે. તેથી આવી બાપાશ્રીના સ્થાનની સેવા મારા જેવાને ક્યાંથી મળે?” એમ કહી તેમણે ઘણો ઉત્સાહ જણાવ્યો.

બીજા પણ જે જે કામ કરનારા હતા તે સર્વે બાપાશ્રીની પ્રસન્નતાનું આ કાર્ય જાણીને હેતે સહિત સેવા કરતા હતા. તેમને તથા ઘરમાં બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક અને આ કામમાં સેવા કરવા તત્પર રહેલા હરિભક્તોને પોતાનો દિવ્યભાવ જણાવતાં બાપાશ્રી વારંવાર દર્શન દેતા હતા, તેથી સૌના મનમાં એમ જે આ કામમાં બાપાશ્રીનો ઘણો રાજીપો છે. એક દિવસ થાંભલા ઘડવાનું કામ ચાલતું ત્યારે રાત્રિના દસ વાગ્યે મિસ્ત્રી વીરજીભાઈને બાપાશ્રીએ પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું જે, “તમે તો છત્રીના થાંભલા ઘડો છો ને?” ત્યારે તે કહે, “હા, બાપા.” તે વખતે બાપાશ્રીએ કહ્યું જે, “માધાપુરમાં અમે તમને કહ્યું છે તે સંભારી રાખજો ને કામ બરાબર કરજો.” એમ કહી અદૃશ્ય થઈ ગયા.

તે વાત તેમણે સ્વામીશ્રી આદિ સંતોને કહી. અતિ હેતેભર્યા સૌ છત્રી કરવાના કામમાં તત્પર રહેતા. એમ એક મહિનામાં કામ પૂરું થયું એટલે સ્વામીશ્રીએ મિસ્ત્રી ગોવિંદભાઈ તથા વીરજીભાઈને પાઘડીઓ બંધાવી. પછી તેમને તથા સેવા કરનારા સર્વે હરિભક્તોને બાપાશ્રીની પ્રસન્નતાના તથા મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપીને કહ્યું જે, “તમોએ આ છત્રીના કામમાં સેવા બહુ સારી કરી. આ સ્થાન થવાથી અનેક સંત-હરિભક્તોને આત્યંતિક મોક્ષરૂપ એક નવું સદાવ્રત ચાલતું થયું; કેમ કે અહીં જે કોઈ દર્શને આવશે તેમને બાપાશ્રીનું સહેજે સ્મરણ થાશે તેથી બાપાશ્રીના ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, તથા અપાર અપાર કરુણામય દૃષ્ટિ વડે શ્રીજીમહારાજની અનંત મુક્તોએ સહિત સ્મૃતિ થતાં અનેક મુમુક્ષુજનોનાં મોક્ષરૂપી કાર્ય સિદ્ધ થશે.” એમ કહી સૌ સંત-હરિભક્તોને પ્રસન્ન કરી સ્વામીશ્રી આદિ સંતો ભુજ થઈને ગુજરાત તરફ આવ્યા. ।।૧૫૭।।