સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા ત્યાં નાહીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ વર્તમાન કાળમાં લાખો-કરોડો જીવને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જઈએ છીએ, પણ જીવને એવો મહિમા સમજાતો નથી. જો ખરા ભાવથી જોગ કરે તો મહિમા સમજાય ને તેને કાંઈ કરવું બાકી રહે નહિ. શ્રીજીમહારાજની મૂર્તિ અંતરમાં રાખે તો મોટાના આશીર્વાદ મળે છે. આ સમય એવો છે જે છતી દેહે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવાય; પણ જીવમાં અજ્ઞાન રહ્યું છે તેથી મહિમા સમજાતો નથી. જ્યાં ધારીએ ત્યાં મહારાજ ને મોટા પ્રત્યક્ષ છે; કેમ જે એ તો સ્વતંત્ર છે અને સાધનિકને પણ તેજમાં બેઠેલા છે, એમ પોતે દેખે છે. જ્યાં અનાદિમુક્ત હોય તે સ્થાન તો બહુ જ ભારે છે એટલે અક્ષરધામ તુલ્ય છે. મહારાજને અર્થે થાળ કરીને મૂર્તિને જમાડે છે તો મહાપ્રભુજી પ્રત્યક્ષ જમે છે, તેમ જ મુક્ત પણ જમે છે.”

“આ લોકને વિષે કોઈક મોટો યજ્ઞ કરે તેમાં જે આવે તે ભૂખ્યો જાય નહિ, તેમ મોટાના જોગમાં જે આવે તે સુખિયા થયા વિના રહે જ નહિ. અનાદિકાળનાં પાપ સમગ્ર પ્રલય થઈ જાય. ને અનંતકાળનાં સુકૃત ઉદય થયાં હોય, ને છેલ્લી પ્રાપ્તિ થવાની હોય, તેને આવા મોટા ઓળખાય છે. મહિમાએ સહિત મુક્તની ૨જને માથે ચઢાવે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. જે પૃથ્વી ઉપર મોટા ચરણ મૂકે તે પૃથ્વી તીર્થરૂપ થાય છે અને તે પૃથ્વીની રજ જેના ઉપર પડે તેનો પણ મોક્ષ થાય છે. જે નદી-સરોવરમાં મોટા મુક્ત નહાય કે પગ બોળે તો તે જળમાં રહેલાં સર્વે જીવનો મોક્ષ થાય છે. અને તે જળના દેવ જે વરુણ તે પણ દર્શન કરવા આવે છે અને તે વરુણનું પણ કલ્યાણ થાય છે. મોટા મુક્ત નહાતા હોય તે પાણી મહિમાએ સહિત માથે ચઢાવે તેનાં પંચ મહાપાપ બળીને મોક્ષ થાય છે; પણ તે પાણીનો મહિમા જાણ્યા વિના માથે ચઢાવે તો તેવો ન થાય.”

તે ઉપર લક્ષ્મીરામભાઈની વાત કરી જે, “આપણી લખઈવાડીમાં સદ્‌ગુરુ સ્વામીશ્રી નિર્ગુણદાસજી નહાતા હતા તે પાણી થાળામાં જતું હતું. તેને લક્ષ્મીરામભાઈ ખોબે ખોબે લઈને માથે ચઢાવતા હતા. તે જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, ‘આ શું કરો છો?’ ત્યારે લક્ષ્મીરામભાઈ બોલ્યા જે, ‘બાપજી, હું નિર્ધન, રોગી ને ગરીબ બ્રાહ્મણ; તે કાશી, દ્વારિકા, ગયાજી, જગન્નાથ, ગંગા, ગોદાવરી, સરસ્વતી, યમુના આદિ તીર્થ કરવા શી રીતે જાઉં? મારે ઘેર બેઠાં સર્વે તીર્થ આજ થઈ રહ્યાં.’ આવો મહિમા જાણીને મોટાનું નાહેલું જળ માથે ચઢાવે તો પંચ મહાપાપાદિક સર્વે બળી જાય ને આત્યંતિક મોક્ષ થાય.”

“જે ઝાડ તળે મોટા બેઠા હોય ને ફળ, ફૂલ, પત્ર, પુષ્પ જે ઉપયોગમાં આવે તે ઝાડનું પણ કલ્યાણ થાય છે. જુઓને! આ બાવળ જાતે અસુર કહેવાય, પણ મોટાં ભાગ્યવાળો છે; કેમ કે આપણે એની તળે બેસીને બ્રહ્મયજ્ઞ કરીએ છીએ, તેથી એનો પણ મોક્ષ થઈ ગયો છે.”

“મોટાનો પ્રતાપ તો એવો છે જે એક સમયને વિષે અનાદિ મહામુક્તરાજ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ધોળકેથી સદ્‌ગુરુ શ્રી નિર્મળાનંદ સ્વામીને તથા સ્વામી વ્રજવલ્લભદાસજીને ઉમરેઠમાં અનાદિ મહામુક્તરાજ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસેથી ગીતાભાષ્યનું પુસ્તક લેવા સારુ મોકલ્યા હતા. ત્યાં નવસારી ગણદેવીના હરિભક્ત ભાદરવા આંબાની કેરીઓ લાવ્યા હતા તે સ્વામીશ્રી તથા બીજા સર્વે સંત જમ્યા, તે ગોટલા ધોળકાની વાડીમાં વાવવા સારુ લેવા માંડ્યા, ત્યારે સ્વામીશ્રીના સંતોએ કહ્યું જે, ‘સ્વામીશ્રીના જમેલા ગોટલા ઊગશે નહિ; માટે લેશો નહિ.’ પછી તે ગોટલા સ્વામીએ જુદા રાખ્યા ને લાવીને ધોળકાની વાડીમાં વાવ્યા, તો સ્વામીશ્રીના જમેલા હતા તે ન ઊગ્યા અને બીજા સંતોના જમેલા હતા તે ઊગ્યા. આમ મોટાના ઉપયોગમાં આવે તેનો પણ મોક્ષ થાય.”

વાર્તાની સમાપ્તિ કરીને સર્વે મંદિરમાં આવ્યા. ।।૧૧૪।।