સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૧૪ને રોજ સવારે મેડા ઊપર નિત્યવિધિ કરીને બાપાશ્રી સંત-હરિભક્તોને મળ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “બાપા! આ હરિભક્તો કહે છે કે અમારા પર રાજી રહેજો.”

ત્યારે બાપાશ્રી કહે, “આથી રાજીપો કેટલો ખપે? આપણે આ બધું દિવ્યભાવમાં જોવું ને ઘરમાંજ રહેવું. તે ઘર કયું? તો મહારાજની મૂર્તિ.”

એમ કહી અતિ પ્રસન્ન થકા બાપાશ્રી વાત કરવા લાગ્યા જે, “ભગવાનના ભક્તને પોતાના સ્વરૂપનો તપાસ કરવો. શ્રીજીમહારાજે જાતિએ હરિજનના છોકરાને સો વાર આત્મા કહેવરાવ્યું, પણ જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું જે, ‘બાપજી, હું તો હરિજન છું’; એમ ન કરવું. દેહરૂપ મટી જાવું. અને ઝળળ ઝળળ તેજોમય દિવ્ય સ્વરૂપ બનાવી મૂર્તિ સાથે રસબસ ભાવે સુખિયા રહેવું. પ્રકૃતિના કાર્યને ખોટું કરે તે એકાંતિક. પરમાત્માને પધરાવીને સાજી સભા તે મૂર્તિ સાથે જુએ તે પરમ એકાંતિક. પછી મૂર્તિની ખુશબો આવી ત્યારે તેને અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં જોડ્યો એટલે મૂર્તિરૂપ થયો; તો પણ સુખનું દાતા-ભોક્તાપણું રહે છે, સ્વામી-સેવકપણું રહે છે. ચમક લોહને ખેંચે તેમ મૂર્તિમાં ખેંચાય છે. ગરુડ ઊડ્યો પછી અટક્યો એટલે મહારાજ એકલા ઊડ્યા. ગરુડથી પહોંચાણું નહિ કેમ જે તેને અનુભવજ્ઞાન નહોતું. આપણે મહારાજને એકલા ઊડવા દેવા નહિ, પણ ભેગા ઊડતા શીખવું.”

પછી બોલ્યા જે, ‘મહંત કોણ? તો ભગવાનને ઓળખાવે અને મૂર્તિમાં રહે તે. જીવને પંચવિષય છે તે વિઘ્નરૂપ છે તેને ઓળખવા જોઈએ. અને નેત્ર-શ્રોત્રાદિકને તો ભગવાનની મૂર્તિમાં જોડી દેવા, નહિ તો મોટી ખોટ આવે. જેના ઘરમાં ભગવાન નહિ તેના ઘરમાં મોટા મોટા કામ-ક્રોધાદિક સર્પ રહે છે; માટે આપણે તો એક ભગવાનની જ મૂર્તિ રાખવી અને જે એ મૂર્તિ રાખે તેને આવરણ ટળી જાય. શ્રીજીમહારાજના કહેવાણા હોય તેની તુચ્છ જેવા દોષ ફજેત કરી કિંમત કરાવે તે ઠીક નહિ. જેમ હીરા-મોતીના હારની ચણોઠીએ કિંમત કરી તેમ આપણી કિંમત બીજા પાસે ન કરાવવી.”

“આપણે તો મહારાજના જેવું બીજે ક્યાંય હેત થવા દેવું નહિ. રાખનાં પડીકાંમાં શું માલ છે! પણ જીવને અજ્ઞાન ભર્યું છે તેથી ખબર પડતી નથી, નહિ તો ભગવાનના જેવો બીજે ક્યાંય આનંદ થાય નહિ. આ તો વાચ્યાર્થ જ્ઞાન છે. તે જ્યારે લક્ષ્યાર્થ થાય ત્યારે સુખિયા થવાય. કેવી રીતે? તો સર્વે વિષયવાસના મૂકીને ભગવાનને તથા મોટા મુક્તને વળગી પડે. તે વિના પિંડ-બ્રહ્માંડમાં કાંઈ છે જ નહિ એવું કરી નાખે ત્યારે બીજે ક્યાંય માલ માનીને આનંદ પામે જ નહિ. આપણને બહુ જ મોટો લાભ મળ્યો છે.”

“આવા સમયમાં ખોટનો વેપાર કરવો નહિ. ખરા ગરજું થઈને પોતાનું પૂરું કરી લેવું. ભગવાનના ભક્તનો અવગુણ ન આવે ને એનો દ્રોહ ન થાય એવો ખટકો રાખવો. વાસના બહુ ભૂંડી છે. એ તો જમપુરીએ લઈ જાય. આપણે આવી વાતનો વિચાર ઘણો રાખવો. અવગુણથી બહુ બીવું. આ સભા અક્ષરધામની છે. તેના અવળા સંકલ્પ થઈ જાય ત્યારે શું કમાણા? આ ટાણે બહુ ભારે કામ થાય છે. જે જોઈએ તે આ સભામાં છે. આ સંત-હરિભક્ત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. માટે કોઈને વિષે ભાવ ફરે નહિ એવી સુરત રાખવી. મહારાજની મૂર્તિમાં સર્વે સુખ છે. મૂર્તિને મૂકીને ક્યાંય સુખ નથી. બીજે સુખ મનાય છે તે જ અજ્ઞાન છે. મૂર્તિને રાખ્યા વિના તો કોઈ નોરમાં ચડી જવાય તે ઠેકાણું પણ ન રહે.”

પછી સંતો સામું જોઈને બોલ્યા જે, “સંતો! તમારે ને અમારે સહુને એમ જ રહેવાનું છે. તમે તો સદાય તે મૂર્તિરૂપી માળામાં જ રહો છો, પણ અમારે વ્યવહારિકને કઠણ ખરું. ખટકો તો બેયને રાખવો જોઈએ. જો તમારામાં ખટકો ન રાખે તોય કેટલાંય વિઘ્ન થાય. ચેલો, પદાર્થ, આસન, પૂજા, પ્રતિષ્ઠા વગેરે વિઘ્નરૂપ થઈ પડે. અને અમારે દ્રવ્ય, છોકરા, ખેતર, મેડી અને સંબંધી એ સર્વે વિઘ્ન કરે, માટે એ વિઘ્નમાંથી ઊગરવાને મહારાજ રાખવા. તે ઉપાય બહુ જબરો છે; માટે મહારાજને ભૂલવા નહિ. આજ મહારાજ ને મોટા સૌને સુખિયા કરે છે. જુઓને! આવી સભા ક્યાંય છે? આવી વાતો ને આવી દિવ્ય સભા તથા આવું સુખ સ્વામિનારાયણ ભગવાનના ઘર વિના બીજે ક્યાંય નથી. એક સત્સંગમાં જ છે. આપણે તો એ અખંડ અવિનાશી વરને મુખ્ય રાખવા. વર મહારાજ ને જાનૈયા મુક્ત. તે જો વર ન રાખે તો કોઈ જમવા આપે નહિ.”

પછી કડીવાળા દલસુખભાઈએ પૂછ્યું જે, “બાપા! વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે, ‘માનવાળા તો કોઈ નભી શક્યા નથી.’ તે માન ટાળવાનો કોઈ ઉપાય હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “માન ક્યાંથી ટળે? તન, મન, ધન અને અનેક જન્મનાં કર્મ તે ભગવાનને આપવાનાં તેમાં કર્મ આપે છે, તન ન આપે, મન ન આપે ને ધન પણ ન આપે. આ તો એકલા કાંકરા આપે છે, તે એકલા કાંકરા કોણ લે? ઘઉં ભેળા હોય તો ચાલે. તેમ એકલાં કર્મ કોણ લે? તો પણ મહારાજ ને મોટા તો જીવને બહુ જ સુખિયા કરે છે અને સ્વભાવ મુકાવી મૂર્તિના સુખમાં મૂકી દે છે.”

“આ સમયમાં બહુ લાભ છે. માયિકમાંથી માયિક સુખ મળે છે તો દિવ્ય મૂર્તિમાંથી દિવ્ય સુખ મળે તેમાં શું કહેવું? પણ અંતરાય ન રાખે તો સુખ લેવાય. મહારાજ ને મોટા મુક્ત તો જીવને કેવળ સુખ દેવા જ પધાર્યા છે. બીજું કાંઈ એને કામ નથી, પણ માન રાખે તો મોટા રાજી ન થાય. ‘મોહનવરને માન સંગાથે વેર.’ માન એવું છે કે બધાંય સાધન થોડીકવારમાં બગાડી દે અને આ સભામાંથી ક્યાંય જતું રહેવાય. જ્યાં સુધી ત્રણ ગુણમાં વર્તાય છે ત્યાં સુધી સુખ આવે જ નહિ; માટે સર્વેને દિવ્ય સુખ લેવાનો આગ્રહ રાખવો. મોટા મુક્ત તો તરત એ સુખ પમાડે એવા છે. પછી ઝળળ ઝળળ તેજમાં મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય સુખ મનાય જ નહિ. એ સુખ તો અતિ અલૌકિક છે. એ મૂર્તિમાં સુખ, સુખ અને સુખ જ છે તે સુખનો જે પારખું થયો હોય તેને ખબર પડે.” ।।૯૮।।