વળી એક વખતે રાત્રિએ મંદિરમાં બાપાશ્રીની ઓરડીમાં કાનજીભાઈ તથા પ્રેમજીભાઈ આદિ સૌ પોઢ્યા હતા. તેવામાં બાપાશ્રીએ સાદ કર્યો જે, “પ્રેમજી! ઓરો આવ.” પછી પ્રેમજી બેઠો થઈને જુએ તો બાપાશ્રીને ઢોલિયા ઉપર પોઢેલા દેખ્યા. પછી ચરણસ્પર્શ કરીને પાસે બેઠો. પછી રોઈ ગયો ને દિલગીર થઈ ગયો. ત્યારે બાપાશ્રી કહે જે, “મૂંઝાય છે શા સારુ? અમે કાંઈ જતા રહ્યા નથી. આ સુધાં તને ત્રણ વખત ધીરજ રહેવા સારુ દર્શન દીધાં.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।।૧૧૩।।