સંવત ૧૯૮૨ના આસો માસમાં બાપાશ્રીએ વૃષપુરમાં અનંત જીવોને દર્શન દેવાનો સંકલ્પ કરીને મંદવાડ ગ્રહણ કર્યો હતો. તે મંદવાડનો કાગળ આવવાથી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, આદિ અમદાવાદના; તથા મુળીના પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી આદિ ઘણાક સંતો; તથા શેઠ બળદેવભાઈ, ડા. મણિલાલભાઈ, નાગરદાસભાઈ તથા માસ્તર કેશવલાલભાઈ, આશાભાઈ, શંકરભાઈ, બાલુભાઈ, જેઠાભાઈ, બહેચરભાઈ વગેરે અમદાવાદ દેશના; તથા ઝાલાવાડ, પાટડી, સુરત, કરાંચી આદિ દેશ-દેશાંતરના હરિજનો દર્શને ગયા. એ સર્વે બાપાશ્રીનાં દર્શન કરી સેવામાં રોકાયા. પુરાણી કેશવપ્રિયદાસજી, શ્રીરંગદાસજી તથા મોતીભાઈ તો પ્રથમથી જ સેવામાં હાજર હતા.

તે વખતે બાપાશ્રીએ ચોકમાં ચંદની બંધાવેલી ત્યાં કથા-વાર્તા થતી હતી. જ્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિક સંતો-હરિભક્તો આવ્યા ત્યારે બાપાશ્રીને શરીરે મંદવાડ ઘણો હતો તે જોઈ સૌ ઉદાસ થઈ ગયા. ત્યારે બાપાશ્રીએ હિંમત આપીને કહ્યું કે, “મંદવાડ જતો રહેશે. તમે કોઈ મૂંઝાશો નહિ.” એમ કહી શરીરે સુવાણ બતાવી.

આસો વદ-૪ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “આ મંદવાડ કાઢી મૂકવા દયા કરો.”

ત્યારે પોતે દયા કરીને બોલ્યા જે, “આ અમારો મંદવાડ છે તે સર્વેને દર્શન દેવા નિમિત્તનો છે. અમે મંદવાડ ગ્રહણ કર્યો તેથી જેમ સમુદ્રમાં નદીઓ હડેડાટ આવે છે તેમ તમે સર્વે હડેડાટ આવીને ભેગા થઈ ગયા. કોઈને તેમાં સંશય થાય નહિ જે આ વારેવારે કેમ આવે છે, એટલા સારુ આ મંદવાડ નિમિત્તરૂપ છે. ભુજના સંતો બધા આવી ગયા અને જે ન આવી શક્યા હોય તેને પણ એમ થાય જે આપણે રહી ગયા એમ જાણીને સર્વે દર્શને આવે છે અને છેલ્લીવારે ઓહલો પણ આવી ગયો. આ રીતે હેત-રુચિવાળા સર્વેને દર્શન દેવા આ મંદવાડ છે.”

બીજે દિવસે સવારમાં વૃષપુરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ત્રણે અવસ્થામાં મૂર્તિ અખંડ રાખવી. રસના આદિકમાં લેવાવું નહિ; એ તો બીજો જન્મ ધરાવે તેવું પાપ છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! બધાને ખેંચી ખેંચીને મૂર્તિમાં લઈ લેજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શું મૂંડાવાને આવ્યા છીએ? એ જ કરવા આવ્યા છીએ, પણ જીવ મહારાજને તથા અમને ઓળખતા નથી તેથી સાધનનો ભાર રહે છે. ઓળખ્યા વિના શું થાય? ઓળખાય તો બધુંય થાય. આ બહેચરભાઈના બાપ શંકરભાઈ અમને ઓળખતા નહોતા તે વખતે બહેચરભાઈ અહીં આવતા તેમને તે ઘણું લડતા. અને અમને ઓળખ્યા તો હવે પોતે પણ આવે છે.”

પછી શંકરભાઈ બોલ્યા જે, “બાપા! મને આગબોટમાં બીક લાગતી હતી, જે આ બહુ ડોલે છે તે ડૂબી જશે કે શું? એવો સંકલ્પ થયો ત્યાં તો આપ આંગડી પહેરેલી, માથે પાઘ ધારણ કરેલી, કેડ બાંધેલી અને હાથમાં લાકડી, એવા આગબોટમાં ફરતાં દેખાયા ને બોલ્યા જે, “ડોસા! બીશો નહિ. આગબોટ ડૂબવા નહિ દઈએ; અમે તમારા ભેળા છીએ.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા તેથી મને બીક મટી ગઈ. તમે આગબોટમાં એવાં દર્શન આપ્યાં હતાં ને અહીં તો આમ સૂતા છો.”

પછી શંકરભાઈનો હાથ ઝાલીને બાપાશ્રી બોલ્યા જે, “આ મંદવાડ દેખાવા માત્ર છે. અમે તો અનંત જીવનો મંદવાડ મટાડવા આવ્યા છીએ.” પછી શંકરભાઈ બોલ્યા જે, “બાપા! હાથ ઝાલ્યો છે તે મૂકશો નહિ હો!” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સારુ ડોસા! નહિ મૂકીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને સૂતાં સૂતાં બાઝી પડ્યા ને બોલ્યા જે, ‘મારી સંભાળ લીધી, સંભાળ લીધી.’ એમ બોલતાં અતિ હેત જણાવ્યું. પછી બોલ્યા જે, “અમારો આરો કરજો; એટલે આ ને આ ફેરે મહારાજના સ્વરૂપનું જ્ઞાન સમજી લેજો.”

ત્યારે સ્વામી બોલ્યા જે, “તમારો આરો તો બધાય મૂર્તિમાં આવી રહે ત્યારે જ થાય ને?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા, એ જ. સર્વે મૂર્તિમાં આવે તો અમારો આરો આવે. આજ તો અમે ખંપાળી નાખવા આવ્યા છીએ. લાંપડામાં ઝાકળ આવે અને ખંપાળી નાખીએ તોપણ રહી જાય તેનું શું કરવું! ભટુ (ડુંગર)માં ને કાંટામાં રખડીએ છીએ પણ જીવને સુખિયા કરવા આવ્યા છીએ એમ જાણતા હોય તે જાણે. આ લોકમાં કાંઈ કામ નહિ આવે; ઓચિંતાનું ચાલવું પડશે. સ્વામિનારાયણ પોતે લેવા આવ્યા હોય તેનો પણ વિશ્વાસ આવે નહિ તેનું શું કરવું? શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મહા અનાદિને પણ તે દિવસ માનતા નહિ; આજ હવે હાથ ઘસે છે તથા સંભારે છે. સદ્‌. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક રમણ મહારાજનાં છે તે મહારાજની મૂર્તિમાં જોડે છે. અમારે પણ મહારાજની મૂર્તિમાં જોડવા એ જ કામ છે; બીજું નથી, પણ ઓળખાય છે? ત્રણ મહિનાથી માંદા છીએ, દેહમાં કાંઈ રહ્યું નથી, તોપણ આ બાવા ખપે(જોઈએ) છે. ‘આ ગામ પધારો, આ ગામ પધારો’ એમ સૌ આગ્રહ કરે છે એથી આવા માંદા છીએ તોપણ બધે જીવના કલ્યાણ અર્થે રખડીએ છીએ. માટે હરિભક્તો! સમજજો. અમે કોઈ દિવસ ગળ્યું-ચીકણું, ખાંડ-ગોળ આદિ કાંઈ જમ્યા નથી. અમે તો આનંદઘન અને સુખરૂપ છીએ.” એમ કહીને બોલ્યા જે, “જેને ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજની મૂર્તિને વિષે નિષ્ઠા નથી આવતી તેને ઘણી ખોટ આવે છે ને તે મોટી ભૂલ છે.” ।।૧।।