સંવત ૧૯૭૧ના ચૈત્ર સુદ-૯ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજે પોતાના એકાંતિક ભક્તોની સ્થિતિ કહી, એવી સ્થિતિ કરવાનો ખટકો રાખવો. સર્વે ક્રિયામાં શ્રીજીમહારાજની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી, તો ક્રિયા કરતાં કરતાં મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય.”

“ભુજમાં શ્રી અચ્યુતદાસજી સ્વામી હતા તે વાડીમાં કોટ કરતા હતા, તે પત્થર આઘો-પાછો મુકાઈ ગયો ત્યાં ગોવિંદાનંદ બ્રહ્મચારી નાહવા આવ્યા હતા તે બોલ્યા જે, ‘સ્વામી! પત્થર બરાબર સરખો બેઠો નથી.’ પછી સ્વામી બોલ્યા જે, ‘પહાણો તો બરાબર કરીશું, પણ તમે ઠાકોરજીને વાઘા અવળા પહેરાવ્યા છે તે સવળા પહેરાવો.’ પછી બ્રહ્મચારીએ નાહીને મંદિરમાં જઈને જોયું તો વાઘા અવળા જ પહેરાવેલા હતા; તે સવળા કર્યા. પછી જ્યારે બીજે દિવસે વાડીએ નાહવા આવ્યા ત્યારે સ્વામીને પૂછ્યું જે, ‘વાઘા અવળા છે એવી તમને શી રીતે ખબર પડી? તમે તો મંગળાનાં દર્શન કરીને અહીં આવ્યા હતા.’ ત્યારે સ્વામી કહે જે, ‘અમારે આવરણ નથી. અહીં રહ્યા થકા દેખીએ છીએ.’ એવા સ્વામી સમર્થ હતા.”

“એક દિવસે ભુજના ભંડારમાં રોટલા કરતાં કરતાં સ્વામીને સમાધિ થઈ ને તાવડીમાં રોટલો નાખ્યો તે રોટલા ઉપર હાથ રહી ગયો તે રોટલો બળી ગયો અને હાથ દાઝવા લાગ્યો. એવામાં અમે મંદિરમાં જઈને સ્વામી રઘુવીરચરણદાસજીને કહ્યું જે, ‘સ્વામીને સમાધિ થઈ ગઈ છે ને હાથ બળે છે, માટે ઝટ જઈને હાથ ઉપાડી લો.’ પછી તેમણે જઈને હાથ લઈ લીધો ને પોતે રોટલા કરવા બેઠા. જ્યારે હરે થયા ત્યારે સ્વામી જાગ્યા ને જમીને સભામાં બેઠા.”

“વચનામૃત વાંચી રહ્યા પછી અમે સ્વામીને પૂછ્યું જે, ‘સમાધિમાં સિદ્ધિઓ દેખાય તે કેવી હશે?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મને સમાધિ થઈ હતી, તે આગળ મહારાજ ને વાંસે હું. એમને એમ ચાલ્યો તે દેવલોકમાં થઈને વૈકુંઠમાં થઈને આગળ ચાલ્યો ત્યાં સિદ્ધિઓ ભારે ભારે ફળ, મેવા આદિક સામગ્રીઓ લઈને પડખે આવીને પ્રાર્થના કરવા લાગી જે, ‘અમારી સેવા અંગીકાર કરો’, પણ મેં મહારાજને મૂકીને એ પાપ સામું જ જોયું નહિ. પછી થાકીને તેમણે મારે માથે તહોમત નાખ્યું જે, ‘ફટ છે તને જે પુરુષોત્તમ ભગવાનને મૂકીને અમારે વિષે લોભાઈ ગયો.’ પછી મેં મહારાજના સામું જોઈ રહીને તેમને કહ્યું જે, ‘ફટ તો તમને ને તમારા ધણીને! હું તો મારા ભગવાનને મૂકીને તમારા સામું જોઉં તેવો જ નથી. તમે તો નર્કરૂપ છો. તે નર્કમાં હું શું લોભાઉં?’ એમ કહીને મહારાજની સાથે સાથે ચાલ્યો તે ઠેઠ ધામમાં ગયા. જ્યારે અહીં થાળ કર્યા ત્યારે મહારાજ દેહમાં લાવ્યા.’”

“એમ વાત કરે છે એટલામાં રામપરેથી હરિજનો દર્શને આવ્યા. તેઓ સર્વેને પગે લાગવા મંડ્યા, તેમાં પરબત નામનો એક છોકરો સ્વામીને પગે લાગ્યો. તેના બરડા ઉપર હાથ મૂકીને સ્વામી બોલ્યા જે, ‘આવો! બ્રહ્માનંદ સ્વામીના પોઠિયા!’ ત્યારે અમે સર્વેએ પૂછ્યું જે, ‘બ્રહ્માનંદ સ્વામી તો છેલ્લી અવસ્થામાં ઘોડે બેસતા, પણ પોઠિયે બેસતા નહિ ને તમે પોઠિયા કહ્યા તેનું શું કારણ છે?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘બ્રહ્માનંદ સ્વામી સાઠ સાધુ લઈને ઝાલાવાડમાં ફરતા હતા. તેમને માર્ગમાં ચાલતાં એક વખત તાવ આવ્યો. તે વખતે એક વણઝારો પોઠ લઈને જતો હતો. તેને સ્વામીના સાધુએ કહ્યું જે, ‘અમારા ગુરુને તાવ આવ્યો છે ને અમારે ગામમાં જાવું છે, માટે એક પોઠિયા ઉપર બેસાડો તો અમે ગામમાં પહોંચીએ.’ પછી વણઝારે એક પોઠિયો લાવીને કહ્યું જે, ‘આના ઉપર બેસાડો.’ પછી તેના ઉપર સ્વામીને બેસાર્યા. તે ગામની ભાગોળે ઊતરીને સ્વામીએ તેના માથે હાથ મૂક્યો ને બોલ્યા જે, ‘તારાં કર્મ બળી ગયાં. હવે એક જન્મ ધર, અમે તને તેડવા આવશું.’ તે જ વખતે પોઠિયો મરી ગયો. તે આ છોકરો છે ને તેને અંત વખતે શ્રી બ્રહ્માનંદ સ્વામી તેડવા આવશે.’ પછી પરબત ભક્તે ઓગણપચાસની સાલમાં દેહ મેલ્યો તેને મહારાજ તથા બ્રહ્માનંદ સ્વામી દર્શન આપીને તેડી ગયા.” ।।૧૪૩।।