સંવત ૧૯૮૪ના કારતક સુદ-૪ને રોજ બાપાશ્રી સવારમાં નાહી પૂજા કરીને હેતવાળા હરિભક્તોના આગ્રહથી તેમને ઘેર દર્શન દઈ મંદિરમાં આવ્યા. કથા-વાર્તા કરી સમય થયો એટલે ધનજીભાઈને ઘેર ઠાકોરજી જમાડવા પધાર્યા ત્યાં પોતાને વૃષપુર જવાની ઇચ્છા જણાવી.

પછી ધનજીભાઈ તથા તેમના પુત્રોએ પ્રાર્થના કરી જે, “બાપા! શી ઉતાવળ છે? પાંચ-દસ દિવસ વધુ રહો તો ઠીક.”

તે વખતે બાપાશ્રીએ રમૂજ કરી કહ્યું જે, “તમે આ નવાં ઘર કર્યાં છે તે અમને રહેવા આપો તો રહીએ.”

ત્યારે હરજીભાઈ કહે, “બાપા! ભલે આ ઘર આપનાં જ છે; માટે સુખેથી રહો.”

ત્યારે બાપાશ્રી કહે, “તમે ત્રણે ભાઈ ને તમારો બાપ, તે ચારેય મળીને ઠરાવ કરો. અમે રહીશું ખરા, પણ એકેય ઢીંગલો તમને આપશું નહિ.”

પછી હરજીભાઈ કહે, “બાપા, ભલે! એ કોઈનું કામ નથી. હું આપની પાસે તુળસીને પત્રે અર્પણ કરું છું. પણ જોજો, બોલ્યા ફરતા નહિ.”

તે વખતે બાપાશ્રીએ હરજીભાઈની પ્રશંસા કરી કહ્યું જે, “નાનો છે, પણ બળિયો બહુ છે. આખું ઘર એવું છે. આ ધનજીભાઈ પણ શૂરવીર છે. ઘરમાં બધાય હેતવાળા તે અમારું વચન કોઈ દિવસ ફેરવતા નથી. વ્યવહારમાં, સુખ-દુઃખમાં, મંદવાડમાં જ્યારે જોઈએ ત્યારે બળનાં જ વચન. અમે પણ સૌને અમારા જ માનીએ છીએ.”

પછી બોલ્યા જે, “તમને તાણ છે તેથી બે દિવસ રોકાશું.” એમ કહી મંદિરમાં પધાર્યા.

વળી સાંજના ચાર વાગ્યાને સુમારે બાપાશ્રી ગાડીમાં બેસીને તથા સૌ હરિભક્તો પગે ચાલીને નાહવા જતા હતા અને માર્ગમાં હરિભક્તો કીર્તન બોલતા હતા. તે વખતે નદીના ધરે કેરા, વૃષપુર, રામપુર, દહીંસરા, ભારાસર, સુખપુર, માનકુવા વગેરે ગામના ઘણા હરિભક્તો આગળથી બાપાશ્રીને નાહવા આવ્યાની વાટ જોઈ રહ્યા હતા. તે સર્વે બાપાશ્રીને જોઈને આનંદ પામ્યા. પછી સંતો તથા હરિભક્તોએ સહિત બાપાશ્રી નાહ્યા. હરિભક્તો કીર્તન બોલતા હતાં. ત્યાં પોતે રેતીમાં માનસી પૂજા કરવા બેઠા ને હરિભક્તોએ ગરબી લઈ કીર્તન ગાયાં.

પછી બાપાશ્રી જાગ્રત થયા ને કહ્યું જે, “તમો સૌ ગામોગામથી દર્શનની તાણે કામ ખોટી કરીને દોડ્યા આવો છો તે અમે જાણીએ છીએ. મહારાજને રાજી કરવા સારુ આવા દાખડા છે. સૌને મહારાજની મૂર્તિનું તાન છે. કોઈ દેહધારી મૂંઝાતા હોય તો એ જાણે. તેનું પણ સારું થાય એવો આપણે સંકલ્પ કરવો. અમારે તો જીવને ઠેઠ મૂર્તિમાં મૂકવા છે. બીજો કોઈ અર્થ સારવો નથી. તેથી રાત કે દિવસ જોતા નથી. ક્યારેય નવરા રહેતા નથી. મોટા મોટા નંદ સાધુઓ અમે જોયા છે, તે તો ક્યારેય મૂર્તિને મૂકતા નહિ. માળા, માનસી પૂજા, ધ્યાન, ભજન, સેવા, કથા-વાર્તા નિરંતર કર્યા જ કરતા. એમને તો એમ જે એ સુખ વિના બીજું શું જોયા જેવું છે? આપણે પણ એ માર્ગ લેવો. કેટલાય રાગ-રંગમાં, મારા-તારામાં, પંચવિષયનાં વલખાંમાં આવરદા ખોઈ નાખે છે. આપણને તો શ્રી પુરુષોત્તમનારાયણ અવિનાશી વર મળ્યા છે, તેથી ક્યાંય અટકવું નહિ. કેવડા મહારાજ! ને કેવડા તેમના અનાદિમુક્ત! આ તો ભારે વાત બની ગઈ છે. નહિ તો જીવનું શું ગજું?”

એમ કહી સમય થઈ જવાથી પાછા ગાડીમાં બેસી હરિભક્તોએ સહિત ગામમાં આવતાં ધનજીભાઈની પ્રાર્થનાથી તેમની વાડીએ પધાર્યા.

તે વાડીમાં બધે ફરીને બોલ્યા જે, “આ વાડીના ધણી ઘનશ્યામ મહારાજ છે; માટે આજથી આનું નામ ‘ઘનશ્યામ વાડી’ કહેજો ને વાડીના નામ ભેગી એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સંભારજો.”

પછી ધનજીભાઈએ કેળાં તથા પોપૈયા સુધારીને ઠાકોરજીને જમાડ્યાં પછી સૌને બાપાશ્રીએ પ્રસાદી વહેંચી અને હરિભક્તોએ સહિત મંદિરમાં પધાર્યા. ।।૧૧૧।।