બાપાશ્રીએ સંવત ૧૯૫૯ના વૈશાખ માસમાં મોટો યજ્ઞ કર્યો હતો ને ‘સત્સંગિજીવન’ની ને ‘શિક્ષાપત્રી ભાષ્ય’ની કથા પંદર દિવસ સુધી કરાવી હતી. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ આગળથી ગયા હતા. તેમની પાસે બેય દેશમાં કંકોત્રીઓ લખાવેલ હોવાથી દેશ-દેશાંતરના ઘણા સંત-હરિભક્તો ગયા હતા. તે યજ્ઞમાં બાપાશ્રીએ પોતાનો અલૌકિક પ્રતાપ જણાવવાથી અનેક મુમુક્ષુજનો મૂર્તિના સુખે સુખિયા થતા. કેટલાકને સામા જઈને દર્શન આપતા, તો કોઈને ઉતારે જઈને ખબર પૂછે, સભામાં બેઠા હોય ને પાકશાળામાં પણ દર્શન દેતા હોય, કોઈને પીરસતાં જણાય, વાડીએ હરિભક્તો ગયા હોય ત્યાં કૂવે નહાતા હોય, ઘેર જાય તો ત્યાં પણ દેખાય, સભામાં તો જાણે બેઠા જ હોય. એમ સૌ સંત-હરિભક્તોને આશ્ચર્ય પમાડતાં શ્રીજીમહારાજના મહિમાની ને મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્તના સામર્થ્યની નવીન નવીન વાતો કરી બહુ સુખ આપ્યાં હતાં. પછી યજ્ઞની સમાપ્તિ થઈ રહી ત્યારે સૌને સુખડીની પ્રસાદી આપી રાજી કર્યા. અને શાસ્ત્રી બાળમુકુંદાનંદજીને મૂર્તિના સુખે સુખિયા થવારૂપ ભાતું આપ્યું.

તે પારાયણમાં ભુજથી નડિયાદવાળા ઝવેરીલાલભાઈ તથા તેમના ભેળા સ્વામી બાળમુકુંદદાસજી તથા બીજા એક સાધુ ઘોડાગાડીમાં બેસીને ગયા હતા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “આ બાળમુકુંદદાસજી સ્વામી ગાડીમાં બેસતા નહિ ને દૂધ પણ પીતા નહિ ને હવે તો ગાડીએ બેસે છે તથા દૂધ પીએ છે તેનું શું કારણ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “બાળમુકુંદદાસજી તથા મુક્તજીવનદાસજી એ બન્ને માંદા થયા હતા ત્યારે બાળમુકુંદદાસજીના ચૈતન્યને દેહમાંથી કાઢીને મહારાજની મૂર્તિમાં મૂકી દીધો હતો અને મુક્તજીવનદાસજીના જીવને ફેર જન્મ ન ધરાવવો પડે એટલા માટે તપ કરાવવા બાળમુકુંદદાસજીના દેહમાં મૂક્યા છે તે મુક્તજીવનદાસજીથી એમના જેટલું તપ થઈ ન શકે.” પછી ભુજવાળા સ્વામી અક્ષરજીવનદાસજી બોલ્યા જે, “અહો! તમે આવી રીતે દેહ બદલાવો છો?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા, મહારાજના પ્રતાપે કરીએ છીએ.” તે વાત સાંભળી સંત-હરિભક્તો ઘણા આશ્ચર્ય પામ્યા. ।।૨૨।।