સંવત ૧૯૮૩ના કારતક સુદ-૧૧ને રોજ સાંજના સભામાં પ્રથમ પ્રકરણનું ૨જું વચનામૃત વંચાતું હતું, તેમા વૈરાગ્યની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રકૃતિ પર્યંત સર્વે ખોટું છે તેને ખોટું કરે તે પણ વૈરાગ્ય; અને પ્રકૃતિ પર અક્ષર પર્યંત જે સાચું છે તેને પણ ખોટું કરવું તે વૈરાગ્ય ખરો કહેવાય. તેમ જ જ્ઞાન પણ ઘણાં પ્રકારનાં છે, પણ અનુભવજ્ઞાન થાય તે ખરું. મૂર્તિમાં રસબસ રહેવું તે અનુભવજ્ઞાન કહેવાય. ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મિસરી પયમાંહી ભળી’ એમ મૂર્તિમાં જ રહેવું, પણ બહાર નીકળવું જ નહિ. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ; કાંઈ જોઈએ નહિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહિ. મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહિ. કોઈ પ્રકારનો ઠરાવ જ નહિ; એક મૂર્તિ જ રહે. આપણને કોઈ કહે કે, ‘આવો ભક્ત!’ ત્યારે એમ સમજવું કે આપણે ભક્ત સંજ્ઞામાં નથી, આપણી તો મુક્ત સંજ્ઞા છે; અનાદિમુક્ત છીએ. એ બે સંજ્ઞા આપણી છે. પાર્ષદ ધોળે લૂગડે હોય તેને ભક્ત કહે છે, પણ અંતરમાં આપણે મુક્ત સમજવા. તમે સાધુ છો તે તમને કોઈ ભક્ત કહે તો કેવું લાગે? માટે આપણે તો તેમને મુક્ત સમજવા. એ સાધુ થાશે ત્યારે તેમને સાધુ કહેવાશે, પણ ભક્ત નહિ કહેવાય; માટે સાધુને પણ મુક્ત કહેવા. સાધુ ધામમાં જાય તો ‘મુક્ત ધામમાં પહોંચ્યા’ એમ કહેવું તે ઉત્તમ છે.”

પછી પ્રથમ પ્રકરણનું ૪થું વચનામૃત વાંચ્યું, તેમાં નારદજીની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નારદજી દ્વારકા કેમ ગયા હશે?”

ત્યારે સંત બોલ્યા જે, “શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા ગયા, ત્યારે નારદજી પણ સાથે ગયા હતા.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “અહીં એક સાધુ અમદાવાદથી દ્વારકા જવા આવ્યા હતા. તેમને અમે સમજાવ્યા, પણ માન્યું નહિ ને બોલ્યા જે, ‘મહારાજની આજ્ઞા છે.’ પછી અમે કહ્યું જે, ‘દ્વારકાનો અર્થ શ્રીજીમહારાજે એવો કર્યો છે જે દ્વારકા તો જ્યાં મોક્ષનું દ્વાર ઊઘડે ત્યાં જાણવું. તે આવા મોટા જ્યાં હોય તેનાં દર્શન-સમાગમ થાય ત્યાં દ્વારકા જાણવું. અને સંત મોક્ષનું દ્વાર ઉઘાડે એટલે મોક્ષ કરે, ત્યાં દર્શને જાવું. આવું મોટાના સમાગમથી સમજાય.”

પછી પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વંચાતું હતું તેમાં નિશ્ચયમાં કસરની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાન દિવ્ય ચરિત્ર કરે ત્યારે આનંદ થાય, પણ જ્યારે પ્રાકૃત ચરિત્ર કરે ત્યારે અંતરમાં મૂંઝાય અને એમ સંકલ્પ કરે જે ભગવાન હશે કે નહિ હોય!”

પછી પરિપક્વ નિશ્ચયની વાત આવી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બાપા! આમાં બાઈઓને સીતા, રુક્મિણી, લક્ષ્મી જેવી કહી; અને ભાઈઓને વૃંદાવનના ગોપ જેવા કહ્યા તે ગોપમાં શ્રીકૃષ્ણ આવી ગયા કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, આવી ગયા.”

પછી ખીમજીભાઈએ પૂછ્યું જે, “બાપા! મહામુનિ કહે છે તે કોને કહેવાય?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “મોટા હોય તે ઉત્તર કરો.” પછી ખીમજીભાઈ બોલ્યા જે, “મોટા તો આપ છો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત તે મહામુનિ કહેવાય છે. તે પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છેઃ ‘મહામુક્ત મુનિને સાથે લાવિયા રે લોલ, જેનાં દર્શન કર્યાથી પાપ જાય’ તે મહામુનિ આ સંત. ‘મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ’ તે આ મહામુનિ મહાપ્રભુજીની પાદુકા પૂજે છે.”

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “બાપા! ગરીબ કેને કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યાઃ “શ્રીજીમહારાજની આજ્ઞા ને વચન ઉપર નિષ્ઠા હોય એ ગરીબ. લોકમાં તો નિર્ધન જેવાને ગરીબ કહેવાય છે. પણ આપણે તો અજ્ઞાની જીવના ઉપદ્રવને સહન કરનારા ભગવાનના ભક્ત કે સાધુ હોય, તેને ગરીબ જાણવા.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આપની જન્મતિથિ નિમિત્તે ભુજમાં આપે રસોઈ બાંધેલી છે તે બ્રહ્મયજ્ઞમાં સંતો ત્યાં જમશે અને અહીં આપના સેવકોને મૂર્તિમાં જોડી દો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ કૃપાસાધ્ય ભગવાન છે તે કૃપા અપાર કરે છે, પણ તમારે સર્વેને મૂર્તિમાં જોડાવું પડશે. તમે મહારાજની મૂર્તિમાં જોડાઓ; અમે સુખ અપાવીશું.” એમ વર આપ્યો.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સુખ અપાવીશું એમ આપ કહો છો તે અહીં જેને ગુરુ કર્યા હોય તે ત્યાં સુખ અપાવતા હશે કે મહારાજ પોતે આપતા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગુરુ મહારાજની મૂર્તિમાં લઈ જાય પછી સુખ મહારાજ આપે, પણ વચમાં અપાવનાર કોઈ નથી. એ તો જેવા ગુરુ હોય તેવો પોતે જ થાય. જેમ ગુરુ મૂર્તિનું સુખ ભોગવે છે તેમ એ પણ ભોગવે.”

પછી બાપાશ્રી ધનજીભાઈને ઘેર જમવા પધાર્યા તે જમીને પાછા મંદિરમાં આવ્યા. પછી સ્વામી શ્વેતવૈકુંઠદાસજીને કહ્યું જે, “આ અમારા પુરાણી.” અને સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને કહ્યું જે, “આ અમારા તાબેદાર.” અને સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું જે, “આ અમારા ગુરુ.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, “તમારા ગુરુ કોણ?” ત્યારે તે કહે જે, “યજ્ઞપુરુષદાસજી.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “એ નહિ. તમારા ગુરુ તો અ.મુ. મહાનુભાવાનંદ સ્વામી. તે તો મહાપ્રતાપી હતા. તમે પણ એમના આશીર્વાદથી ગાદીતકિયે બેસનારા સદ્‌ગુરુ થયા તે તમે છેડો સુધાર્યો છે.” ‘હમ સબ જાનતા હે’ એમ રમૂજ કરી.

પછી બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો વૃષપુર પધાર્યા. ત્યાં રામજી દેવજી સામો આવીને બાપાશ્રીને પગે લાગ્યો.

તેને બાપાશ્રીએ પૂછ્યું કે, “તને તાવ આવે છે?” ત્યારે તે કહે કે, “આવતી કાલે વારો છે; એકાંતરિયો છે.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગામમાં પણ તાવ બહોળો છે અને ભારાસરમાં પણ બહોળો હતો.” પછી સ્વામીએ કહ્યું જે, “આપે ગ્રહણ કર્યો તેથી બ્રહ્માંડમાં સર્વત્ર મંદવાડની પ્રસાદી વહેંચાઈ છે.”

પછી બાપાશ્રીએ ડા. નાગરદાસભાઈનો વિરમગામથી કાગળ આવેલ હતો જે મારી ઈસ્પિતાલમાં સવાર-સાંજ દરદીનો મેળો ભરાયો રહે છે તે વાત કરી. પછી સ્વામીશ્રી બોલ્યા જે, “હવે આપે મંદવાડ દૂર કર્યો તેથી સર્વત્ર શાંતિ થઈ જશે.”

એ સમયે બાપાશ્રીએ નાગરદાસભાઈની પ્રશંસા કરીને કહ્યું જે, “એ બહુ હેતવાળા છે ને મહિમા જાણે છે ને તન-મન-ધનથી સત્સંગની સેવામાં તત્પર છે.” ।।૯।।