સંવત ૧૯૮૪ના શ્રાવણ વદ-૬ને રોજ સવારે બે વાગે વૃષપુરમાં બાપાશ્રીની ત્રણે વાડીમાં ચંદનનો વરસાદ થયો ને ભેગો અત્તરનો સુગંધ પણ હતો તેની ખબર વદ સાતમને રોજ સાંજના સાત વાગે પડી. પછી સભામાં સદ્‌ગુરુઓ તથા સંત-પાર્ષદ તથા દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્તો આશરે પચાસેક હતા. તે જાદવા આશાએ બાપાશ્રીના ઘેરથી કણજરા આદિનાં ઘણાં પાંદડાં ઉપર ચંદન વળગેલું એવાં લાવીને મૂક્યાં. તેને જોઈને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા. પછી તરત વરસાદ થયો તે બધું ધોવાઈ ગયું. પછી સંત-હરિભક્તો તેવે ટાણે વાડીમાં ગયા, પણ હાથ ન આવ્યું ને અંધારું થઈ ગયું તે કોઈ કોઈને દેખે નહિ. પછી બાપાશ્રીનો પૌત્ર હરજીભાઈ કેળનાં પાંદડાં ઉપર વરસાદથી ધોવાતાં ધોવાતાં થોડું રહી ગયેલું તે લાવ્યા; તેને જોઈને સૌને ઘણો આનંદ થયો.

પછી તે દિવસે રાત્રિએ રામજી કરસન જેસાણીને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું કે, “ચંદનનો વરસાદ તો અમે છઠના બપોરે બે વાગે કર્યો હતો, પણ તમો સર્વેએ બીજે દિવસે જાણ્યું છે. અને આવતી કાલે આઠમને દિવસે કાકરવાડીમાં ચંદનનો વરસાદ કરીશું; જેને જોવું હોય તે જજો.” વળી તે દિવસે રામજીને કોઈક દ્વેષબુદ્ધિવાળાએ પાણીમાં ઝેર પાયું તે બહુ ચડ્યું ને ગળુ બંધ થઈ ગયું, પણ બાપાશ્રીએ ઊલટી કરાવી. પછી સાંજે આરતી થયા કેડે મંદિરમાં તેમને લાવ્યા અને સ્વામીશ્રી વૃંદાવનદાસજીને કહ્યું જે, “આને કાંઈક વળગાડ જેવું લાગે છે તે પાઠ કરો.” પછી સ્વામી બોલ્યા જે, “તેને વળગાડ નથી; એમને કોઈકે ઝેર પાયું છે. ઘેર જઈને ખૂબ ઘી પીઓ.”

પછી ઘેર જઈને ઘી પાયું એટલે તુરત બોલવા માંડ્યો ને સાજો થઈ ગયો. પછી વદ સાતમની રાત્રે બાપાશ્રીએ દર્શન દીધાં તે સમે વરસાદની તથા આ ઝેરની વાત કરી કે, “તુંને ઝેર બહુ આકરું દીધું હતું; થોડીક મુદ્દતમાં પ્રાણ નીકળી જાય એવું હતું, પણ અમોએ ઊલટી કરાવીને સ્વામી વૃંદાવનદાસજી દ્વારે ઘી પાવાનું કહ્યું. માટે હવે ભૂલીશ મા. જ્યાં ત્યાં પાણી પીવું નહિ ને ખાવું નહિ.” પછી તે કહે જે, “બાપા! એ તો મારે ન ચાલે; માટે રક્ષા કરજો, નહિ તો મને ધામમાં વહેલા લઈ જજો.” પછી બાપાશ્રી બોલ્યા જે, “અમે તારી રક્ષા કરતા આવીએ છીએ.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।।૧૧૪।।