સંવત ૧૯૬૭ના ફાગણ વદ-૮ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ જોગ બહુ સારો છે, માટે કરી લેવો. આ જોગ સદા ન રહે. ઓચિંતાનો દેહ પડી જાય કે ઓચિંતાનો જોગ મટી જાય; માટે ઝટ કરી લો. આ તો વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. જેમ વરસાદ વરસે ત્યારે સર્વત્ર જળ હોય ને પછી કાંઈ ન મળે; તેમ આ જોગ સદા ન હોય. આ જોગ ગયા કેડે આવો જોગ મળવો ઘણો દુર્લભ છે. બીજા મળે તો સંગદોષ પણ લાગી જાય, અને મોટા તો સંગદોષ પણ લાગવા દે નહિ અને મોક્ષ કરે. જેમ સમુદ્રને સુખે કરોડો મગર-મચ્છાદિક જળજંતુ સુખી રહે છે, તેમ આ પુરુષને જોગે કરોડો જીવ સુખી છે; એવા જોગમાં તમે આવી પહોંચ્યા છો. મોટાના સંકલ્પ તો કરોડો બ્રહ્માંડોને ધામમાં લઈ જાય એવા બળવાન છે. આવા કહેનારા આવ્યા છતાં દુખિયા રહે તે કોનો વાંક છે?”

“આજ સનાતન મહારાજ ને સનાતન મુક્ત મળ્યા છે; તેમની બરાબર બીજું કોઈ છે જ નહિ. એમની સેવા પણ સનાતન છે, તે કેવી? તો (એક શાકનું ફોડવું હાથમાં લઈને બોલ્યા જે) આ એક શાકનો પીતો છે તે આ મુક્તને અર્પણ કરે તો અર્પણ કરનારને અનંત કોટિ બ્રહ્માંડના જીવોનો આત્યંતિક મોક્ષ કરવાની સામર્થી મળે; એટલું ફળ તો આ પૈસાભારનું એક ફોડવું છે તેટલી સેવાનું થાય છે; તો મોટા મુક્તની સેવા ને પ્રસાદીનો મહિમા ને મહારાજના સુખની વાતો સાંભળવી તેના સુખનો તો પાર જ ક્યાંથી પમાય? એવી દિવ્ય સેવા મળી છે. તેને પામવાનો આ જીવને ખપ થતો નથી ને બીજાં રસ, રૂપ, સ્નેહ, માન, એમાં હેત અને ત્વરા બહુ રહે છે એવી જીવની ઊંધાઈ છે.”

“આ ટાણે માળા, માનસી પૂજા, ભક્તિ, નિયમ, ધર્મ, કથા, વાર્તા કરો છો તેનું ફળ મહારાજની મૂર્તિનું સુખ છે તે અમે સર્વને રાજી થઈને આપીશું.” એ વર દીધો. ।।૯૧।।