સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીમહારાજને અને મોટાને જુદાપણું નથી. આપણે જેટલો સન્મુખપણામાં ફેર છે તેટલું છેટું છે. મોટા જે જે ક્રિયા કરે છે તે મૂર્તિના સુખમાં રહ્યા થકા કરે છે. જો તેમની સાથે મન, કર્મ, વચને બંધાય તો તેમના જેવી સ્થિતિ થાય. મોટા અનાદિમુક્તને સંભારવા; તો મૂર્તિમાંથી બહાર નીકળાય નહિ. મોટાનાં વચનમાં બરાબર વિશ્વાસ આવતો નથી ને તર્ક થઈ જાય છે, પણ મોટા તો મહારાજ વિના રહેતા જ નથી. મોટાને સન્મુખ જે થયા છે તે તો અક્ષરધામને, મુક્તને અને પુરુષોત્તમને, એ સર્વેને સન્મુખ થયા છે. મોટાના સુખની અને મોટાના મહિમાની જીવને ખબર નથી તેથી અફસોસ મટતો નથી, પણ મહારાજ અને મુક્ત તો સદાય આપણી સાથે જ છે. એ તો બાધિતાનુવૃત્તિ છે માટે જણાતું નથી. મહાપ્રભુજીના અનાદિ મળ્યા એટલે આપણાં દારિદ્ર કપાઈ ગયાં. મહારાજને તથા મોટાને તથા એમની સભાને અંતરમાં ધારીએ અને તે આત્માને વિષે દેખાય ત્યારે અહો! અહો! થઈ જાય. મોટા પુરુષની વાત બીજી છે. આવો વખત મળ્યો છે તોપણ તે સુખ લેવાતું નથી અને પંચવિષયમાં તણાઈ જવાય છે, તેનું કારણ એ છે જે મહિમામાં કસર છે. જો મહારાજની મૂર્તિનો મહિમા જણાય ને તે મૂર્તિના સુખનો મહિમા જણાય તો આ લોકનાં સુખ કચરા જેવાં થઈ જાય. મહારાજનો અને મોટાનો અભિપ્રાય એવો છે જે કોઈ નિવૃત્તિ માર્ગ પકડીને પુરુષોત્તમના સ્વરૂપમાં પહોંચે તો ઠીક.”

“મોટાને આશરે થયા પછી ‘મારું કલ્યાણ થાશે કે નહિ થાય?’ એવો અણવિશ્વાસ રાખવો નહિ. મોટાની દૃષ્ટિ પડે તથા તેમનો વાયરો અડે તેણે કરીને પણ કલ્યાણ થાય. મોટાને વિષે નિર્દોષ બુદ્ધિ થાય તો પોતે ખરેખરો નિર્દોષ થઈ જાય. મોટા તો અનાદિમુક્ત છે તેમની સાથે જીવ જોડે તેમને પોતા જેવા કરે, જેમ ઈયળની ભમરી કરે છે તેમ. માટે આવા સત્પુરુષ મળ્યા તેવા સમયમાં કામ કરી શક્યા નહિ તો મોટાનો મહિમા સમજાણો નથી. મહારાજનો અને મોટાનો મહિમા બરાબર સમજાય તો પંચવિષય પ્રયાસ વિના જીતી જવાય; માટે મોટાનો સમાગમ તથા સેવા કરીને લાભ લઈ લેવો. અહીં આવ્યા હતા કે નહોતા આવ્યા. છેવટ આ દેહમાંથી જુદું તો પડવું છે, ત્યારે અત્યારથી જ જુદા થાવું.” ।।૪૪।।